ભરવાડ સમાજની ૭૫,૦૦૦થી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ રમી વિક્રમ સર્જ્યો
(જી.એન.એસ) તા. 20
ધોલેરા,
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ ‘ઠાકર કરે ઈ ઠીક’ના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય સનાતન સંસ્કૃતિના પુનઃસ્થાપનનો યુગ શરૂ થયો છે.
દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. એમ તેમણે ઉમેર્યું હતું.
વર્ષ ૨૦૨૫ને ગૌરવપૂર્ણ સંયોગ ગણાવતા તેમણે કહ્યું કે, આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતી, બિરસા મુંડાની ૧૫૦મી જયંતિ, પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીજીની ૧૦૦મી જયંતિ તથા બંધારણના અમૃત મહોત્સવની ઉજવણીનું વર્ષ છે. ઠાકરધામની પ્રતિષ્ઠાના પણ ૩૭૫ વર્ષ પૂર્ણ પર પુનઃપ્રાણપ્રતિષ્ઠાનો સુભગ સમન્વય સર્જાયો છે. આ અવસરે મહિલાઓના હૂડો રાસને આભૂતપૂર્વ ગણાવી વિક્રમ રચવા બદલ મુખ્યમંત્રીશ્રીએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.
સરકારના પ્રયાસોમાં સમાજના પ્રયાસો જોડાય ત્યારે બમણી પ્રગતિ થાય છે. વડાપ્રધાનશ્રીના આ વિધાનને ટાંકી તેમણે સંત શ્રી નગાલાખા ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી ચાલતી સામાજિક પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી હતી. અંતે તેમણે એક પેડ મા કે નામ, કેચ ધ રેઇન, સ્વચ્છ ભારત, મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન જેવા પ્રકલ્પોમાં જોડાવવાની જન અપીલ કરી હતી.
વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના CEO શ્રી પાવન સોલંકીના હસ્તે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં મહંત શ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સંત શ્રી નગાલખા – ઠાકરધામ ખાતે દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ શ્રી જીતુભાઇ વાઘણી, શ્રી કાળુભાઈ ડાભી, કિરીટસિંહ ડાભી પૂર્વ ધારાસભ્ય શ્રી ભવાનભાઈ ભરવાડ, શ્રી લાખાભાઈ ભરવાડ તેમજ ઠાકરધામના મહંત શ્રી રામબાપુ, તોરણીયા ધામના મહંત શ્રી રાજેન્દ્રદાસજી બાપુ તથા ભરવાડ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.