(જી એન એસ) તા. ૨૫
સાંસદ ખેલ સ્પર્ધાએ રમતવીરોને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક આપી છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૨ રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર એનાયત કર્યા
• મુખ્યમંત્રીએ વોલીબોલ કોર્ટમાં બોલની પ્રથમ સર્વિસ કરી ખેલાડીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સાંસદ ખેલ સ્પર્ધાએ રમતવીરોને જિલ્લા-રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું ખેલકૂદ કૌશલ્ય બતાવવાની તક આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લામાં સાંસદ ખેલ સ્પર્ધા -૨૦૨૩ના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ ખેડા જિલ્લાના નડિયાદ સ્પોર્ટ્સ સંકુલ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત જુદી જુદી સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચેલા ખેલાડીઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની પ્રોત્સાહક સહાય વિવિધ રમતોના ખેલાડીઓને મળી રહે તેવા પ્રયત્નો હંમેશા કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પણ સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભવિષ્ય એવા યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ લાવવા માટે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. આ ખેલ મહાકુંભ દ્વારા ગુજરાતના છેવાડાનો યુવાન પણ આજે રમત ગમત ક્ષેત્રે વિશ્વમાં ગુજરાતનું અને દેશનું નામ રોશન કરી રહ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા નડિયાદના સ્પોર્ટ્સ સંકુલ ખાતે સૌ પ્રથમ વોલિબોલ મેચ માટેનો ટોસ ઉછાળી અને મહિલાઓની રસ્સાખેંચ ટીમને ફ્લેગ ઓફ કરાવીને ખેલની શરૂઆત કરાવી હતી.
આ તકે મુખ્યમંત્રીએ કરાટે અને સ્કેટિંગના કુલ ૧૨ રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. વોલીબોલ કોર્ટમાં બોલની પ્રથમ સર્વિસ કરી વોલીબોલ ગેમની શરૂઆત કરાવી ખેલાડીઓના ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરી હતી. આ સ્પર્ધામાં ભાગ લઇ રહેલી જિલ્લાની ટીમોનું અભિવાદન કરી મુખ્યમંત્રીએ ખેલાડીઓના મનોબળમાં વૃદ્ધિ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લામાં તા. ૧ મે ૨૦૨૩ના રોજ શરૂ થયેલ સાંસદ ખેલ સ્પર્ધામાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, ખોખો જેવી રમતોમાં ૧૦ હજાર રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી વિવિધ રમતોમાં ૧૫૦ જેટલા યુવાનો ફાઈનલ સુધી પહોંચ્યા હતા.
આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સાંસદ અને કેન્દ્રીયમંત્રી દેવુંસિંહ ચૌહાણ, ખેડા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, ખેડા જિલ્લા કલેક્ટર, પંચાયતના પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવો ઉપરાંત ખેડા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યમાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.