(જી.એન.એસ) તા. 15
મુંબઈ,
મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવિણચંદ મહેતા પર બેંકમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યા છે. આ કૌભાંડ ત્યારે થયું જ્યારે હિતેશભાઈ બેંકના જનરલ મેનેજર હતા અને દાદર, ગોરેગાંવ શાખા માટે જવાબદાર હતા. એવો આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને બંને શાખાઓના ખાતામાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર કડક નિયંત્રણો લાદ્યા હતા. આ પ્રતિબંધ પછી, બેંક ન તો કોઈને નવી લોન આપી શકશે અને ન તો હાલની લોન રિન્યુ કરી શકશે. ઉપરાંત, બેંક નવી થાપણો સ્વીકારી શકશે નહીં અને કોઈ રોકાણ કરી શકશે નહીં. આ ઉપરાંત, તે તેની જવાબદારીઓ ચૂકવી શકશે નહીં અને તેની મિલકતો વેચવાથી પણ પ્રતિબંધિત કરવામાં આવશે.
તેમજ રિઝર્વ બેંક દ્વારા ગુરુવારે એક નિવેદનમાં કહ્યું હતું કે, બેંકમાં તાજેતરમાં થયેલી નાણાકીય અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને અને થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. આ પ્રતિબંધો 13 ફેબ્રુઆરી, 2025 થી અમલમાં આવશે અને આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, બેંકના ચીફ એકાઉન્ટ્સ ઓફિસરની ફરિયાદ પર દાદર પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. ફરિયાદ મુજબ, આ કૌભાંડ 2020 થી 2025 ની વચ્ચે થયું હતું. પોલીસને શંકા છે કે હિતેશ ઉપરાંત અન્ય એક વ્યક્તિ પણ આ કૌભાંડમાં સામેલ છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેને વધુ તપાસ માટે આર્થિક ગુના શાખા (EOW) ને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
આ કેસમાં દાદર પોલીસ દ્વારા ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 316 (5) અને 61 (2) હેઠળ FIR નોંધી છે. હવે, EOW તપાસમાં સ્પષ્ટ થશે કે આ કૌભાંડ કેવી રીતે કરવામાં આવ્યું હતું અને તેમાં કેટલા લોકો સામેલ હતા. આ સાથે, એ પણ જાણવા મળશે કે બેંક તરફથી નિયમો અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવામાં કોઈ બેદરકારી આચરવામાં આવી હતી કે નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.