Home ગુજરાત મીડિયાની સ્વધોષીત સેન્સરશીપ, દેશના ભવિષ્ય માટે સારી નિશાની નથી

મીડિયાની સ્વધોષીત સેન્સરશીપ, દેશના ભવિષ્ય માટે સારી નિશાની નથી

518
0

(જી.એન.એસ.,પ્રશાંત દયાળ) તા.23
સામાન્ય રીતે પત્રકાર માટે કાગળ અને પેન જરૂરી બાબત છે, રીપોર્ટીંગમાં દિવસ દરમિયાન અનેક બાબતો તેની નોંધ લઈ તેને ટપકાવવાની જરૂર હોય છે, નોંધ કરવી સારી બાબત છે જેથી કરી આપણે કઈક ભુલી જઈએ ત્યારે આપણે નોંધમાંથી ખરાઈ કરી શકીએ, 1988માં મેં પત્રકારત્વનો અભ્યાસ પુરો કર્યો અને ક્રમશ મારી પત્રકાર તરીકેની સફર શરૂ થઈ અને એક પછી એક અખબાર બદલાતા રહ્યા, મારા સાથી પત્રકાર કરતા હુ થોડોક જુદો બે બાબતોને કારણે પડુ છુ તેવુ મને ખુદને વર્ષો પછી ખબર પડી, પહેલી બાબત એવી છે પત્રકારત્વ જ કરતા મને ત્રીસ વર્ષ પસાર થઈ ગયા પણ મેં આ વર્ષો દરમિયાન કયારેય કાગળ પેન સાથે રાખ્યા નથી મેં કોઈ નોંધની ડાયરી બનાવી નથી, જયારે મારા સાથી પત્રકારો તો નાની નાની બાબત ટપકાવતા હતા, પણ મને આવુ કરવાની અનિવાર્યતા કેમ ઉભી થઈ તેવી મે જાત તપાસ કરી ત્યારે મારી સામે જે કઈ આવ્યુ તે આ પ્રમાણેનું હતું,
આપણને જે બાબત ગમે છે અથવા જે પસંદ પડે છે તેવી બાબત આપણને આપોઆપ યાદ રહે છે તે આપણે જીવનભર ભુલતા નથી, આપણે હમણાં સુધી અનેક ફિલ્મો જોઈ હશે, આપણે એક પણ ફિલ્મમાં ડાયરી પેન લઈ ગયા નથી અને તેની નોંધ કરી નથી છતાં આપણે જે ફિલ્મો પસંદ પડી તેની ડાયલોગ અને ગીત આપણને કંઠસ્થ થઈ ગયા છે કારણ આપણા હ્રદય સાથે તેનો નાતો થઈ ગયો, બસ આટલુ જ સરળ મારૂ પત્રકરાત્વ રહ્યુ, પત્રકારત્વમાં શરૂઆતના ગાળામાં અપુરતો પગાર- નોકરીની તકો ઓછી અને તે સિવાયની અનેક સમસ્યાઓ હોવા છતાં પત્રકારત્વનો નાતો મારા હ્રદય સાથે રહ્યો તેના કારણે મારી તકલીફો તરફ મારૂ ધ્યાન ગયુ જ નહીં અને બીજી બાબત કે મને ગમતુ કામ હોવાને કારણે રીપોર્ટીંગ દરમિયાન મને ઘટના-તારીખ નામ વગેરે જરૂરી બાબતો લખ્યા વગર પણ યાદ રહેવા લાગી અને ઈશ્વરની કૃપાથી આજે પણ મને લખ્યા વગર યાદ રહે છે, હું પત્રકારત્વની કોલેજમાં જયારે વર્ગ લેવા જઉ છુ ત્યારે પત્રકારત્વના વિધ્યાર્થીઓને અચુક કહુ છુ કે તમને ગમતુ કામ કરજો કારણ તેમાં તમારે કઈ યાદ રાખવાની ચીંતા કરવાની હોતી નથી,
બીજી બાબત હતી કે હું જયારે પત્રકારત્વમાં સાવ નવો નિશાળીયો હતો અને પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓ અને અધિકારીઓને આકરા સવાલો પુછતો ત્યારે મને મારા સિનિયર કહેતા તને ખબર છે ફલાણા નેતા-અધિકારીને તારા તંત્રી-માલિક સાથે સારા સંબંધ છે ? હું કહેતો કોઈ મારા તંત્રી-માલિકનો મીત્ર હોય તે તેમનો વ્યકિતગત પ્રશ્ન છે મારે પત્રકાર તરીકે જે પુછવુ જોઈએ તે જ સવાલ પુછી રહ્યો છુ બીજી અગત્યની બાબત મારા તંત્રી-માલિકે મને ફલાણા નેતાને આ પ્રકારના પ્રશ્ન કેમ પુછયા અથવા પુછીશ નહીં તેવુ કહ્યુ તો તો પછી મને પ્રશ્ન પુછવામાં કયાં વાંધો છે, વાત પ્રશ્ન સુધી સિમીત રહેતી નથી પત્રકાર ખુદ નક્કી કરવા લાગે છે આ સરકાર સાથે મારા તંત્રી-માલિકને સારો સંબંધ છે એટલે પહેલા તે પ્રશ્ન પુછતો બંધ થઈ ગયો અને પછી તેને મળતી સ્ટોરી માલિકને ગમશે નહીં તેવુ તેણે જાતે જ નક્કી ચોક્કસ પ્રશ્નો અને ચોક્કસ વ્યકિતઓ અંગે લખવાનું બંધ થઈ ગયુુ આમ પત્રકારોએ સ્વ ધોષીત સેન્સરશીપ સ્વીકારી લીધી.
મારે અને મારા તંત્રીઓએ આ પ્રકારના અનેક વખત વૈચારિક એન્કાઉન્ટરો થયા છે, જયારે કોઈ પત્રકારની કોઈ સ્ટોરી છપાય નહીં એટલે તે માની જ લે છે આ વિષય અથવા આ વ્યકિત અંગે તે કયારેય લખવાનું નથી, પણ મારો મત જુદો રહ્યો છે, મેં નક્કી કરેલુ કે મારા તંત્રી માલિકને કોની સાથે સારો સંબંધ રાખવો તે તેમનો વિષય છે એક પત્રકાર તરીકે મને જે સ્ટોરી લાગે તે વખવાનું કામ મારૂ છુ સંભવ છે કે મારા તંત્રી-માલિકને તે બાબત પસંદ પડે નહીં, તે નારાજ પણ થઈ જાય તો વધુમાં વધુુ તંત્રી માલિક શુ કરે મારી સ્ટોરી ડસ્ટબીનમાં ફેંકી દે, તો કઈ વાંધો નહી તંત્રી અને માલિક તરીકે તેમને મારી સ્ટોરીનું સ્થાન ડસ્ટબીન છે તેવુ નક્કી કરવાનો અધિકાર છે પણ હું લખતો રહીશ અને મેં તેવુ જ કર્યુ મારી સ્ટોરી છપાય નહીં અને ડસ્ટબીનમાં જવાની છે તેવી ખબર હોવા છતાં હું તે વિષયો ઉપર પણ લખતો રહ્યો
આવુ કરવા પાછળનું કારણ કોઈને દુખી કરવાનો અથવા તંત્રી-માલિક સામે બંડ પોકારવાનું ન્હોતુ, પણ મેં જોયુ હતું કે તંત્રી માલિકના ગમા અણગમા પ્રમાણે કામ કરનાર પત્રકારએ પહેલા પ્રશ્ન પુછવાનું છોડયુ અને પછી લખવાનું બંધ કર્યુ જેના કારણે જયારે તેમને સારા તંત્રી અને માલિકો મળ્યા અને લખવાની તક નિર્માણ થઈ ત્યારે એક વખતના શ્રેષ્ઠ પત્રકારો પુછવાનું અને લખવાનું ભુલી ગયા જેના કારણે તેમની આંખ સામે પ્રશ્નો હોવા છતાં તે પ્રશ્ન તેમની આંખ સામે આવી ઓઝલ થવા લાગ્યા, આવુ માત્ર પત્રકારો સાથે થયુ નહીં પણ તંત્રી અને માલિકો પણએ પણ સ્વૈચ્છાએ સરકાર અને નેતાઓના ગણા-અણગામા નક્કી કરી લીધા જેના કારણે આપણે ત્યાં ખાસ કરી સ્થાનિક ભાષામાં થતાં પત્રકારત્વમાં સ્વૈચ્છીક સેન્સશીપ શરૂ થઈ ગઈ, આપણે ત્યાં ગુજરાતમાં વિજય રૂપાણી- અમીત શાહ અને નરેન્દ્ર મોદી કઈ એક એક બાબતો અંગે અખબારના માલિક તંત્રીને ફોન કરી આવુ કેમ લખ્યુ તેવુ પુછતાં નથી પણ પત્રકાર અને તંત્રીએ નક્કી કરી લીધુ કે આ વિષય ઉપર લખીશુ તો વિજય રૂપાણી-અમીત શાહ અને નરેન્દ્ર મોદીને પસંદ પડશે નહીં.
પછી કાશ્મીરીઓના મુદ્દે અમદાવાદના આઈઆઈએમ રોડ ઉપર શહેરીઓ દેખાવ કરે તો કોઈ અખબાર અને અન્ય માધ્યમો તેની નોંધ સુધ્ધા લે નહીં, તેવી જ રીતે કેવડીયાના આદિવાસીઓ હોય કે ગાંધી આશ્રમ સામે રહેતા દલિતોના ઘર ખાલી કરાવવાનો મુદો હોય અખબાર-ટીવી અન પોર્ટલોએ જાણે આ વિષય ઉપર આંખો જ બંધ કરી લીધી હોય તેવો માહોલ છે આમ આપણે હમણાં સ્વધોષીત સેન્સરશીપમાંથી પસાર થઈ રહ્યા છે ઈન્દીરા ગાંધીના શાસનમાં કટોકડી વખતે માહિતી ખાતા અધિકારીઓ અખબારની કચેરીમાં બેસતા પણ હમણાં તો આપણા મગજમાં જ આખી સરકાર બેસી ગઈ છે જે આપણા કોઈની માટે સારી નિશાની નથી.

Previous articleઅમરાઈવાડીમાં સૌથી ઓછુ મતદાન કોને ફળશે, ભાજપ કે કોંગ્રેસ..!!
Next articleનકલી dy.so ને રોફ જમાવવાનું પડ્યું ભારે…! ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ