અનેક પોષક તત્વોથી ભરપૂર જાડાં ધાન્યનો રોજિંદા ભોજનમાં ઉપયોગ ઉત્તમ સ્વાસ્થ્યનો સરળ માર્ગ
(જી.એન.એસ),તા.૦૧
ગાંધીનગર,
વર્ષ 2023 ને ઈન્ટરનેશનલ મિલેટવર્ષ તરીકે જાહેર કરાયુ છે, જેમાં બરછટ અનાજ એટલે કે જાડાં ધાન્યનો સમાવેશ થાય છે. આવા બરછટ અનાજ જેવા કે બાજરી ,જુવાર ,મકાઇ ,નાગલી વગેરે ગણી શકાય. પ્રધાનમંત્રીશ્રી નરેંદ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ જાડાં ધાન્યનોની મહત્તા અંગે લોકોને જાગૃત કરવા ઘણા પ્રયાસો હાથ ધરી દરેકની ભોજન થાળીમાં મિલેટ્સનો સમાવેશ કરવાની અપિલ થઈ છે.
આપણો દેશ સૌથી વધુ મિલેટ પાકોનું ઉત્પાદન અને વપરાશ કરતો દેશ છે. ભારત દેશમાં મિલેટ પાકો તરીકે જુવાર, બાજરી, રાગી, વરી, કાંગ વગેરે જેવા પાકોનું વાવેતર થાય છે. ભારતના મુખ્યત્વે 10 રાજ્યોમાં મિલેટનું વાવેતર થાય છે. જેની ઉત્પાદકતામાં ગુજરાત રાજ્ય ચોથા ક્રમાંકે છે. મિલેટપાકોનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા તથા મનુષ્ય જાતિમાં મિલેટ પાકોનું સ્વાસ્થ્યવર્ધક મહત્વ વધારવાના આશયથી વર્ષ 2018-19 માં ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર ખાદ્ય સુરક્ષા મિશન ન્યુટ્રી સિરિયલ યોજના અમલમાં મૂકવામાં આવેલી. જેનું રાજ્ય સરકારશ્રી દ્વારા છેલ્લા ચાર વર્ષથી અમલીકરણ થાય છે.
જીવન ટકાવવા માટે અનાજ જરૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં આદર્શ જીવન માટે ઋષિઓએ જીવન જીવવાની રીતભાત અને સ્વાસ્થ્ય પ્રદ ખોરાકનો સમન્વય કરી નિરામય આરોગ્ય અને સુખી જીવન માટે જગતને હમેશાં માર્ગદર્શન આપ્યું છે. વર્ષો પહેલાં આપણી થાળીમાં અનાજની વૈવિધ્ય સભર વાનગીઓ પીરસાતી ,દરેક ઋતુ મુજબ ઉજવાતા તહેવારની એક ચોક્કસ વાનગી સાથે જોડી માનવના સ્વાસ્થ્ય અને આરોગ્ય નો ખ્યાલ રાખવામાં આવતો. તેની પાછળનો હેતુ લોકો સશક્ત અને નીરોગી રહે તેવો હતો.
અનાજમાં બાજરી, જુવાર, મકાઇ, નાગલી, બંટી વગેરેનો ભરપૂર ઉપયોગ થતો, બંટીમાં થી બનતી ઘેંસ સવારે નાસ્તામાં તો બપોરે બાજરીના રોટલા, આમ પરંપરાગત જાડાં અનાજનો ઉપયોગ આપણા ભોજનમાં હતાં ,પરિણામ સ્વરૂપ વાવેતર વિસ્તાર અને ઉત્પાદન પણ વધારે હતું, આજના બદલાતા યુગમાં આપણી ખાનપાનની રીતોમાં ઘણો બદલાવ આવ્યો. ઘઉં અને ચોખાનો ઉપયોગ વધતો ગયો એમાંય છેલ્લા થોડાક વર્ષોમાં તો મેંદા ચટાકેદાર વાનગીઓ, ફાસ્ટફૂડ ખાવાની ટેવો ખૂબ વધી. પરિણામે લોકોના આરોગ્યના ઘણા પ્રશ્નો ઊભા થયા છે. નાની ઉંમર માં જ અતિશય મેદસ્વીતાનો ભોગ બનેલાં બાળકો, કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગ, બ્લડપ્રેશર અને ડાયાબીટીશ જેવા રોગો નું પ્રમાણ વધ્યું છે.
જેથી આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વને પરંપરાગત બરછટ અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરી તંદુરસ્ત જીવન માટેનો સંદેશ આપ્યો . તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘ ને 2023 ના વર્ષને આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ તરીકે ઉજવવા પ્રસ્તાવ મુક્યો હતો. જેને સંયુક્ત રાષ્ટ્રસંઘે સ્વીકારી 2023ના વર્ષને આંતરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. ભારતના કૃષિ મંત્રાલયે સાંસદ પરીસરમાં ખાધ ઉત્સવ નું આયોજન કરી બરછટ અનાજની વાનગીઓનો સ્વાદ માણી ભારતીયોને જાડાં ધાન્યનો ખોરાકમાં ઉપયોગ કરી આરોગ્ય પ્રદ જીવન માટેનો સંદેશ આપ્યો. જાડાં ધાન્ય ઘઉં કરતાં અનેક ગણા સ્વાસ્થ્યપ્રદ છે, અનેક પોષક તત્વોથી ભરપૂર છે. તો આવો આપણે સૌ સરકારશ્રીના આ પ્રયાસને સફળ બનાવીયે,ફરીથી બરછટ અનાજના ઉપયોગથી સ્વસ્થ ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ કરિએ.
બરછટ અનાજ ની વિગતવાર માહિતી:-
જુવાર-
ભારતમાં ડાંગર અને ઘઉં પછીનો ત્રીજા નંબરે આવતો અગત્યનો ખાધા પાક જુવાર છે. જુવારનું સૌથી વધુ વાવેતર મહારાષ્ટ્ર માં કરવામાં આવે છે. જુવારના ફાયદા અંગે વાત કરવામાં આવેતો જુવાર એક ઉત્તમ પ્રકારનું પોષક તત્વોથી ભરપૂર અનાજ છે .જુવારની પ્રકૃતિ ઠંડી છે. ગરમ પ્રકૃતિવાળા લોકોએ ઉનાળામાં જુવારના રોટલાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી ગરમીમાં રાહત આપે છે. આરોગ્યની દષ્ટિ એ જુવાર માં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજીયાત દૂર કરી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું કરે છે .વજન નિયંત્રણ માં રાખી હ્રદય રોગનું જોખમ ઘટાડે છે. વળી જુવારમાં કેલ્શિયમ નું પ્રમાણ વધુ હોવાથી દાંત અને હાડકાં મજબુટ બનાવે છે પ્રોટીનનો ખૂબ સારો સ્રોત ધરાવતી જુવાર ખરેખર ખૂબ આરોગ્યપ્રદ અનાજ છે
બાજરી-
બાજરી પણ એક અગત્યનું અનાજ છે . શારીરીક શ્રમ કરનાર ખેડૂતો અને શ્રમિકો બાજરીનો રોટલો ખૂબ પસંદ કરે છે. બાજરી ખુબજ બળશાળી અનાજ છે. ગુજરાતમાં બનાસકાંઠા જીલ્લો બાજરીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ગુજરાત પછી રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ બાજરીનો પાક લેમામાં આવે છે. બાજરીના ફાયદા અંગે જણાવવામાં આવેતો બાજરી ગરમ પ્રકૃતિ ધરાવતું અનાજ છે. બાજરી ખાવાથી ગરમી અને શક્તિ મળે છે ,બાજરી આરોગ્ય માટે ઉત્તમ ગુણ ધરાવે છે. બાજરી કોલેસ્ટ્રોલને નિયંત્રણ માં રાખી ડાયાબીટીસ અને હ્રદય રોગને દૂર રાખે છે . બાજરીમાં રહેલા પોટેશિમ અને મેગ્નેશિયમ જેવા તત્વો બ્લડપ્રેશર નિયંત્રણ માં રાખે છે. તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક છે . તે વજનને વધવા દેતી નથી.
મકાઈ-
મકાઈની પીળી અને સફેદ હોય છે. ગુજરાત રાજસ્થાન પંજાબ અને બિહાર ઉપરાંત દક્ષિણ ભારત માં મકાઇ નો પાક લેવામાં આવે છે. મકાઈ ના ફાયદાની ચર્ચા કરવામાં આવેતો મકાઈના રોટલા બનાવી ખાવા ઉપરાંત અનેક વાનગીઓ મકાઈના લોટમાંથી બને છે. મકાઇ પોષણયુક્ત અને આરોગ્ય વર્ધક અનાજ છે. મકાઈમાં રહેલ ફાઈબર કોલેસ્ટ્રોલને નિયંત્રણ માં રાખી હ્રદય રોગને દૂર રાખનનાર ,કબજીયાત દૂર કરી ,પાચન તંત્રને સુધારનાર અને વજનને નિયંત્રણ માં રાખનાર અનાજ છે. મકાઈમાં રહેલ એન્ટી ઓકસીડંટ શરીરમાં રહેલાં ઝેરી તત્વોને દૂર કરે છે.
જવ ની ખેતી (Barley )
જવ પણ એક પ્રકારનું અનાજ છે. જવ પણ અનાજ તરીકે ખાવામાં અને પશુઓના ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે . ભારતમાં જવનું ઉત્પાદન ઓછું કરવામાં આવે છે. માત્ર 2% જમીનમાં જ જવનો પાક લેવામાં આવે છે . જવના પાકને વધુ ઉષ્ણતામાન માફક આવતું નથી. જવના ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન મોખરે છે.
જવ-
જવમાં ભરપૂર માત્રામાં રહેલું ફાઈબર કબજીયાત દૂર કરી પાચન તંત્ર સુધારે છે. જવ માં રહેલું ફાઈબર ધમનીઓની દીવાલો માં જામેલા ખરાબ કોલેસ્ટરોલ ને દૂર કરી હ્રદય રોગને દૂર રાખવામાં મદદરૂપ બને છે. જવ ડાયાબીટીશને નિયંત્રણમાં રાખે છે . આ સિવાય તેમાં રહેલ વિટામીન બી શરીરના આરોગ્ય માટે અને ખાસ કરીને માનસિક સ્વાસ્થય માટે ખૂબ જરૂરી છે. જવ પથરી દૂર કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. એકલા જવની રોટલી ફાઈબર વધુ હોવાથી પાચન તંત્રને નુકસાન પહોચાડી શકે છે. તેથી જવનાં ઉપરનાં છોતરાં કાઢી નાખી ઉપયોગ કરવો. આમ શરીર સ્વાસ્થ્ય માટે જવ એક ઉત્તમ અનાજ છે.
નાગલી અથવા રાગી-
નાગલી એક પ્રકારનું હલકું અનાજ છે. નાગલી અથવા રાગી ચોમાસા દરમ્યાન લેવામાં આવતો વરસાદ આધારીત ખરીફ પાક છે. ગુજરાતના વલસાડ ,ડાંગ અને અન્ય વિસ્તારો ઉપરાંત દક્ષિણ ભારત માં નાગલીનું ઉત્પાદન લેવામાં આવે છે. નાગલી (રાગીના) ફાયદા અંગે જણાવવામાં આવેતો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં નાગલીના રોટલાનો ખોરાક તરીકે વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. નાગલી પોષક તત્વોથી ભરપુર હોઈ ,શરીર માટે ખૂબ ગુણકારી છે . નાગલીમાં ફાઈબર ,પ્રોટીન અને આર્યનનું પ્રમાણ વધુ માત્રામાં હોય નાના બાળકો અને સ્તનપાન કરાવતી માતાઓ માટે નાગલી ખૂબ મહત્વપૂર્ણ ખોરાક છે. આજકાલ વજન વધવાની અને હિમોગ્લોબીનની ઉણપ બધુ હોવાની તકલીફો ઘણા લોકોને હોય છે .તેમના માટે હિમોગ્લોબીન વધારી વજનને નિયંત્રણ કરનાર રાગી એક ઉત્તમ અનાજ છે. ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી કબજીયાતને દૂર કરે છે. ડાયાબીટીશ, રક્તચાપ, કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીઓને દૂર કરી શરીરને સ્વસ્થ રાખનાર નાગલી એક ઉત્તમ આહાર છે . આજના યુગમાં પરંપરાગત ખોરાક કરતાં અવનવી વાનગીઓ ખાવાનો નવી પેઢીનો જે ક્રેઝ છે. તે રીતે પણ નાગલીમાંથી અવનવી પુલાવ ,ઇડલી ,શીરો, વગેરે વાનગીઓ પણ બને છે . આ ઉપરાંત બેકરીની આઈટમો જેવીકે બિસ્કિટ ,ટોસ ,નાનખટાઈ પણ બનાવી શકાય.
ત્યારે મિલેટસના આ બધા ફાયદા અંગે દરેક નાગરિકમાં સમજ કેળવવાના હેતુ સાથે ગાંધીનગર જિલ્લામાં મિલેટવર્ષની ઉજવણીના ભાગરૂપે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સાંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૦૧ માર્ચથી તા.૦૩ માર્ચ સુધી મહાનગરપાલિકા કક્ષાના મીલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.