નાનો પરંતુ હંમેશા એલર્ટ મોડ પર કામ કરતો માહિતી અને પ્રસારણ વિભાગ
રાજ્ય સરકારની સાચી વાત જનતા સુધી પહોંચાડવા માહિતી ખાતુ સતત કાર્યરત રહે છે
– પત્રકારોને વીમા કવચ તરીકે મળવાપાત્ર રકમમાં વધારો કરી બમણી કરાઇ
– દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરીએ ગુજરાત સરકારનો ટેબ્લો ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ
– ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં સમાચાર યાદીઓ થકી રાજ્ય સરકારની પ્રચાર પ્રસિદ્ધિ
– ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને ધ ગુજરાત જેવા પ્રકાશનોનું લોકોમાં અનેરું આકર્ષણ
– સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગથી રાજ્ય સરકારની યોજનાઓ નાગરિકોના આંગળીના ટેરવે પહોંચી
(જી.એન.એસ),તા.૧૯
ગાંધીનગર,
ગુજરાતના અવિરત વિકાસમાં માહિતીના સફળ આદાન-પ્રદાનની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે, તેમ રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારનો નાનો પરંતુ અતિમહત્વપૂર્ણ માહિતી અને પ્રસારણ વિભાગ હંમેશા ૨૪ કલાક એલર્ટ રહી, રાજ્ય સરકારના વિઝન અને મિશનને લોકો સુધી પહોંચાડી સરકાર અને પ્રજા વચ્ચેનું અંતર ઘટાડવાનું કામ કરે છે.
વિધાનસભા ખાતે માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો મુખ્યમંત્રીશ્રી વતી જવાબ આપતા રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ઉમેર્યું હતું કે, માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળના માહિતી ખાતુ રાજ્ય સરકારની સાચી વાત જનતા સુધી પહોંચાડવા માટે સતત કાર્યરત રહે છે.
મંત્રી શ્રી ખાબડે ઉમેર્યું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો લોકો માટે યોજનાઓ બનાવી, તેનું અમલીકરણ કરે છે. પરંતુ એ યોજનાની માહિતી જ લોકો સુધી ના પહોંચે તો એ યોજના સફળ થતી નથી. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ, જનહીતકારી નિર્ણયો, મહત્વના કાર્યક્રમો અને સિદ્ધિઓની માહિતી જન-જન સુધી પહોંચાડી, વિવિધ યોજનાઓને સફળ બનાવવામાં માહિતી ખાતાનો સિંહ ફાળો છે.
તેમણે ઉમેર્યું કે, નિરંતર કર્મશીલતા આ ખાતાનો મહત્વનો ગુણ છે. રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સ્વચ્છતા હી સેવા અભિયાન, મારી માટી-મારો દેશ અભિયાન અને સેવાસેતુ કાર્યક્રમથી લઇને G20 બેઠક અને વાયબ્રન્ટ સમિટ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં માહિતી ખાતાએ રાજ્ય સરકારની પ્રચાર પ્રસારની કામગીરી માટે ક્યારેય દિવસ રાત જોયા નથી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકારોને માન્યતા આપી ‘પ્રેસ એક્રેડિટેશન કાર્ડ’ આપવાનું કામ માહિતી ખાતું કરે છે. આ માન્યતા પ્રાપ્ત પત્રકારોને જીવન રક્ષણ આપવા રાજ્ય સરકારે પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ પત્રકારોને વીમા કવચ તરીકે મળવાપાત્ર રકમમાં આ વર્ષના બજેટમાં વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ પત્રકારોના કુદરતી મૃત્યુના કિસ્સામાં અપાતી વીમા કવચની રકમ રૂ. એક લાખથી વધારીને રૂ. બે લાખ અને અકસ્માત મૃત્યુના કિસ્સામાં વીમા કવચની રકમ રૂ. પાંચ લાખથી વધારીને રૂ. દસ લાખ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, નવી દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિનની પરેડમાં સહભાગી થવા ગુજરાતના ટેબ્લોનું નિર્માણ માહિતી ખાતું કરે છે.
આ વર્ષે દિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરીએ ગુજરાત સરકાર તરફથી “ધોરડો: ગુજરાત સરહદી પ્રવાસનની ઓળખ” વિષય પર રજૂ થયેલા ટેબ્લોને ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં બેસ્ટ ટેબ્લો તેમજ ‘જ્યુરી મેમ્બર્સ ચોઈસ’ કેટેગરીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું હતું. ગત વર્ષે પણ ગુજરાતના ટેબ્લોને ‘પીપલ્સ ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માહિતી વિભાગે સમાચાર યાદી દ્વારા વધુને વધુ પ્રચાર પ્રસિદ્ધિ થાય તે માટે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં નિયમિત રીતે સમાચાર યાદીઓ પ્રસિદ્ધ કરીને માધ્યમોમાં બહોળી સ્વિકૃતિ મેળવી છે. આ ઉપરાંત માહિતી વિભાગ દ્વારા જ પ્રસિદ્ધ થતાં ગુજરાત પાક્ષિક, ગુજરાત રોજગાર સમાચાર અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું ધ ગુજરાત ત્રિમાસિક જેવા પ્રકાશનોએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના માહિતી વિભાગે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમોનો યોગ્ય ઉપયોગ કરીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ નાગરિકોના આંગળીના ટેરવે મૂકી છે. આ ઉપરાંત કુદરતી આફતોના સમયે પણ માહિતી ખાતુ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો અસરકારક અને પરિણામલક્ષી ઉપયોગ કરીને બચાવ, રાહત અને સહાયની કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપે છે.
રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમો, નિર્ણયો, સિદ્ધિઓ અંગે તેમજ લોકજાગૃતિ માટે માહિતી ખાતા દ્વારા ટીવી ફિલ્મો, ક્વિકી, વિજ્ઞાપનો અને હોર્ડિંગ્સ થકી સુચારુ પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે.
માહિતી ખાતાએ રાજ્ય સરકારના પ્રચાર પ્રસાર માટે કોઈ પણ માધ્યમ બાકી મૂક્યું નથી. છેવાડાના સામાન્ય લોકો સુધી તેમની જ લોકબોલીમાં સંદેશો પહોંચાડવા ભવાઈ, લોકડાયરા અને શેરી નાટક જેવા પરંપરાગત માધ્યમોનો પણ માહિતી ખાતાએ પ્રચાર પ્રસાર માટે યોગ્ય ઉપયોગ કર્યો છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
માહિતી અને પ્રસારણ વિભાગની રૂ. ૩૮૪ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરાઇ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.