Home ગુજરાત માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ટંકારા ખાતે જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે ટંકારા ખાતે જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ

37
0

માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની ટંકારા ખાતે મહર્ષિ દયાનંદના 200મા જન્મોત્સવ-સ્મરણોત્સવમાં ગરિમામય ઉપસ્થિતિ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ યજ્ઞમાં આહુતિ આપી

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી અંગેના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોની સરાહના કરી

માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ:-

– મહર્ષિ દયાનંદજીએ જગાવેલી ચેતનાથી રૂઢિઓ અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો

– દેશના સૂતેલા આત્માને જગાડવા, સમાજને ઉન્નતિ તથા સમાનતાના આદર્શોને જોડવામાં સૌરાષ્ટ્રની ભૂમિએ રાષ્ટ્રને સાચી દિશા બતાવી

– મહર્ષિ દયાનંદજીએ રચેલા ગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ’ અને મહાત્મા ગાંધીજીએ લખેલી ‘સત્યના પ્રયોગો’ માનવજાતને પ્રેરણા આપતી રહેશે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી :-

–              સમગ્ર સંસારનું ઉત્થાન એ જ આર્ય સમાજનું લક્ષ્ય

–              દયાનંદજીએ મહિલા શિક્ષણ, દલિત અને આદિવાસી ઉત્કર્ષની હિમાયત કરીને માનવજાતને સમરસતાનો પાઠ શીખવ્યો

–              ભારતની આધ્યાત્મિક ચેતનાને જગાડીને અજ્ઞાન- પાખંડને દૂર કરવાનું ભગીરથ કાર્ય દયાનંદજીએ કર્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-

–              જ્ઞાનજ્યોતિ તીર્થ માટે રાજકોટ-મોરબી હાઈવે પર રાજ્ય સરકારે જમીન ફાળવી છે

–              ટંકારા આવતા દર્શનાર્થીઓ-પ્રવાસીઓ માટે વધુ સુવિધાઓ વિકસાવાઈ રહી છે

–              દયાનંદજીના આદર્શોના માર્ગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મહિલા શિક્ષણ સહિત રાષ્ટ્રની ઉન્નતિના કાર્યો થઈ રહ્યા છે

(જી.એન.એસ),તા.૧૨

મોરબી,

ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મોરબીના ટંકારા ખાતે મહર્ષિ  દયાનંદ સરસ્વતીજીના 200મા જન્મોત્સવ–સ્મરણોત્સવ કાર્યક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિમાં સાકાર થનાર જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમણે યજ્ઞમાં આહુતિ પણ આપી હતી.

ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા આયોજિત આ સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રોમાંથી મોટી સંખ્યામાં આર્યસમાજના સ્વયંસેવકો, લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રિ-દિવસીય સ્મરણોત્સવના સમાપનમાં બોલતાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદજીની આ 200મી જન્મજયંતી સમગ્ર દેશ માટે ઐતિહાસિક અવસર છે. આપણી ભારત ભૂમિ ધન્ય ભૂમિ છે, જેમણે મહર્ષિ દયાનંદ સરસ્વતી જેવી અદભૂત વિભૂતિઓને જન્મ આપ્યો છે. આધ્યામિક પથપ્રદર્શક શ્રી અરવિંદે મહર્ષિ દયાનંદ વિશે કહ્યું હતું કે, તેઓ મનુષ્ય અને સંસ્થાનોના મૂર્તિકાર હતા. આજે આર્ય સમાજના 10 હજાર જેટલા કેન્દ્રો માનવતાના વિકાસ અને કલ્યાણ માટે કાર્યરત છે.

તેમણે કહ્યું હતું કે, લોકમાન્ય તિલક, લાલા હંસરાજ, લાલા લાજપતરાય જેવા મહાન ક્રાંતિકારીઓ પર સ્વામીજીના આદર્શોનો ગાઢ પ્રભાવ હતો. સ્વામીજી અને તેમના અસાધારણ અનુયાયીઓએ દેશના લોકોમાં નવી ચેતનાના આત્મવિશ્વાસનો સંચાર કર્યો હતો. કાઠિયાવાડની ધરતીની વિશેષતાનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, મહર્ષિ દયાનંદ પછીની પેઢીઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. સ્વામીજીએ સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું હતું અને ‘સત્યાર્થ પ્રકાશ’ નામના અમર ગ્રંથની રચના કરી હતી. તો મહાત્મા ગાંધીજીએ ભારતીય રાજનીતિમાં જન-જનને જોડવા સાથે તેને આધ્યાત્મિક આધાર આપ્યો અને ‘સત્યના પ્રયોગો’ ની  રચના કરી. આ બંને ગ્રંથ આપણા દેશવાસીઓનું જ નહીં, માનવતાનું માર્ગદર્શન કરતા રહેશે. કાઠિયાવાડમાં જન્મેલા આ બંને મહાપુરુષોના જીવનથી દેશવાસીઓ અને સમગ્ર માનવ જાતને પ્રેરણા મળતી રહેશે. દેશના સૂતેલા આત્માને જગાડવા, સમાજને ઉન્નતિ તથા સમાનતાના આદર્શોને જોડવા અને દેશવાસીઓમાં આત્મગૌરવની ભાવનાનો સંચાર કરવામાં સૌરાષ્ટ્રની આ ભૂમિએ સમગ્ર રાષ્ટ્રને સાચી દિશા બતાવી છે.

મહર્ષિ દયાનંદજીની સમાજ સુધારણા પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું હતું કે, મહર્ષિએ 19મી સદીમાં ભારતીય સમાજમાં વ્યાપ્ત અંધવિશ્વાસો અને કૂરીતિઓને દૂર કરવા માટેનું બીડું ઝડપ્યું હતું. તેમણે જગાવેલી ચેતનાથી રૂઢિઓ અને અજ્ઞાનરૂપી અંધકાર દૂર થયો છે, આ સાથે તેમણે પ્રસરાવેલો જ્ઞાનનો પ્રકાશ ત્યારથી લઈને આજ સુધી દેશવાસીઓનું માર્ગદર્શન કરતો રહ્યો અને આગામી દિવસોમાં પણ કરતો રહેશે. સ્વામીજીએ બાળવિવાહ અને બહુપત્નીત્વ પ્રથાનો આકરો વિરોધ કર્યો હતો. તેઓ નારીશિક્ષણ, નારી સ્વાભિમાનના પ્રખર હિમાયતી હતા. આર્ય સમાજ કન્યા વિદ્યાલયો અને છાત્રાઓ માટે ઉચ્ચશિક્ષણ સંસ્થાનોની સ્થાપના દ્વારા મહિલા સશક્તિકરણમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધી માનતા હતા કે, અસ્પૃશ્યતા દૂર કરવા માટે મહર્ષિ દયાનંદજીનું અભિયાન સમાજ સુધારણા માટે ખૂબ મહત્ત્વનું હતું. ગાંધીજીએ પણ મહર્ષિના એ અસ્પૃશ્યતા નાબૂદીના અભિયાનને સર્વાધિક મહત્વ આપ્યું હતું. આવતા વર્ષે આર્ય સમાજની સ્થાપનાને 150 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આર્ય સમાજ સાથે જોડાયેલા તમામ લોકો સમગ્ર વિશ્વને શ્રેષ્ઠ બનાવવા સ્વામીજીના વિચારને કાર્યરૂપ આપવા સતત આગળ વધતા રહેશે, એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, સ્વામીજીના માનવતા અને સર્વ સમાવેશકતાના આદર્શને અનુસરતા દેશના જનજાતીય વિસ્તારોમાં વિદ્યાલયો ચલાવવામાં આવે છે. આદિવાસી યુવાઓ માટે કૌશલ્ય વિકાસ કેન્દ્રો ચલાવવામાં આવે છે. આ સ્કૂલો અને કેન્દ્રો સાથે નિઃશુલ્ક આવાસ અને શિક્ષણની સુવિધા આપવામાં આવે છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રાકૃતિક ખેતી માટેના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને બિદરાવતાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, શ્રી આચાર્ય દેવવ્રજી પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં અમૂલ્ય માર્ગદર્શન કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી એ માનવતાના ભવિષ્ય અને સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. સ્વચ્છ જળ અને ફળદ્રુપ માટી વિના શરીર સ્વસ્થ નહીં રહી શકે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવામાં પણ મદદ મળશે.

રાષ્ટ્રપતિશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મોત્સવ પ્રસંગે ટંકારા આવવા મળ્યું તેને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું. સમગ્ર દેશવાસીઓ તરફથી તેમણે આ પાવન ભૂમિ અને મહર્ષિ દયાનંદજીને વંદન કર્યા હતા. તેમણે આ સમારોહના આયોજન બદલ દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા, શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ – ટંકારા તથા તમામ આર્ય સંગઠનોની સરાહના કરી હતી.

આ પ્રસંગે રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને હૃદયપૂર્વક આવકાર આપતાં જણાવ્યું હતું કે, આર્ય સમાજ એક રાષ્ટ્રવાદી સંસ્થા છે અને પ્રારંભથી જ દેશનો વિકાસ જ તેનું લક્ષ્ય‌ રહ્યું છે. સંસ્કારોનું સિંચન, શારીરિક અને સામાજિક વિકાસ અને દેશની ઉન્નતિનો ઉલ્લેખ આર્ય સમાજના નિયમોમાં છે. સંસારનું ઉત્થાન કરવું એ આર્ય સમાજનું મુખ્ય લક્ષ્ય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદજીએ કપરા સમયમાં દેશમાં મહિલા શિક્ષણ, દલિત અને આદિવાસી ઉત્કર્ષની હિમાયત કરીને સમગ્ર માનવજાતને સમરસતાનો પાઠ શીખવ્યો હતો. સ્વામી દયાનંદજીએ ગૌ કૃષિ આદિ રક્ષિણી સભાની સ્થાપના કરીને દેશની આર્થિક વ્યવસ્થા સુદ્રઢ બને તે માટેના પ્રયાસો કર્યા હતા. સ્વામી દયાનંદજીએ સ્વદેશીના નારા સાથે આઝાદીનું બ્યૂગલ વગાડીને દેશમાં ક્રાંતિકારી સેનાનું નિર્માણ કર્યું હતું.

રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, ભારતની આધ્યાત્મિક ચેતનાને જગાડીને અજ્ઞાન- પાખંડને દૂર કરવાનું ભગીરથ કાર્ય દયાનંદજીએ કર્યું છે. ગુજરાતની ધરતીએ સમયાંતરે રાષ્ટ્રના મહાપુરુષોને જન્મ આપ્યો છે. ગુજરાતની ધરતી ઉપર જન્મેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશમાં થઈ રહેલા માળખાકીય વિકાસને બિરદાવીને રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ભારતમાં ઉત્તમકક્ષાના રોડ રસ્તાઓ, વિશ્વસ્તરીય એરપોર્ટ અને સુદઢ રેલવે કનેક્ટિવિટી આજે ઉપલબ્ધ બની છે. વડાપ્રધાનની આગેવાનીમાં ભારત દુનિયાની સૌથી મોટી ત્રીજી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. ભારત અમૃતકાળમાં વર્ષ – ૨૦૪૭ સુધી વિકસિત રાષ્ટ્ર બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. ભારતના ગૌરવ અને ગરીમાને વિશ્વફલક સુધી પહોંચાડવાનું કાર્ય વડાપ્રધાનશ્રીએ કર્યું છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં થઈ રહેલા વિકાસકાર્યોની પ્રસંશા કરી હતી.

આ અવસરે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની સ્મૃતિ વંદના કરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ અવસરે રાજ્ય સરકાર દ્વારા ટંકારા ખાતે તૈયાર થયેલા એક ઓવરબ્રિજનું નામ ‘મહર્ષિ દયાનંદ ઓવરબ્રિજ’ રાખવાનું નક્કી કરાયું છે. વધુમાં તેમણે ટંકારા ખાતે આવતા દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધતા દાખવી હતી. રાજ્ય સરકારે મહર્ષિ દયાનંદ ટ્રસ્ટને રાજકોટ-મોરબી હાઈ-વે પર જ્ઞાન જ્યોતિ તીર્થ માટે જમીન પણ ફાળવી છે.

મુખ્યમંત્રીશ્રીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીને સ્મરણ-વંદન કરતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિએ જ્ઞાન જ્યોતિ પર્વનો નવી દિલ્હી ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો, ત્યારથી સમગ્ર દેશમાં મહર્ષિનો વંદના મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આજનો આ ઉત્સવ વંદના મહોત્સવનું શિખર છે.

મુખ્યમંત્રીશ્રીએ દેશ અને દુનિયાભરમાંથી આવેલા આર્ય સમાજીઓ સમક્ષ ગુજરાત અને ટંકારાની પાવનભૂમિનો મહિમા વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાત પૌરાણિક અને પ્રાચીન કાળથી યુગપુરુષોની પુણ્યભૂમિ છે. ત્રેતાયુગમાં પ્રભુ શ્રી રામના વન વિચરણનો પ્રદેશ દંડકારણ્ય-ડાંગ, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના દેહોત્સર્ગના સ્થાન ભાલકા તીર્થનો પુરાણોમાં ઉલ્લેખ છે. આધુનિક યુગમાં ટંકારામાં જેમનો જન્મ થયો છે તેવી મહાન વિભૂતિ મહર્ષિ દયાનંદ સરસ્વતી તથા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીનું જન્મસ્થળ વવાણિયા પણ ગુજરાતમાં જ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ટંકારાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મ પરિષદમાં જતા પહેલા ગુજરાતની આ પાવનભૂમિ પર વિચરણ કર્યું હતું. તેમજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ ગુર્જર ધરાનું સંતાન છે એમ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને દિશાદર્શનમાં સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક ધરોહરો અને આધ્યાત્મિક ચેતનાઓ સાથે સંકળાયેલી સંસ્થાઓના પુનરુત્થાનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ ભારતમાં શરૂ થયેલા સાંસ્કૃતિક નવજાગરણનો માઇલ સ્ટોન છે અને ભારતીય સંસ્કૃતિના નવજાગરણનો આ યુગ મહર્ષિજીએ જોયેલા સપનાઓને પૂરાં થતાં જોવાનો યુગ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મહર્ષિ દયાનંદજીના માર્ગ પર ચાલીને જનકલ્યાણનું અમૃત પીરસી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજમાં કુરિવાજોને દૂર કરી જનકલ્યાણનું અમૃત પીરસ્યું હતું અને લોકોને સાચો માર્ગ ચીંધ્યો હતો એવી જ રીતે વડાપ્રધાનશ્રી પણ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડીને જનકલ્યાણનું અમૃત પીરસી રહ્યાં છે. મહર્ષિએ તેમના સમયમાં નારીશક્તિના શિક્ષણ અભિયાનો ચલાવ્યાં હતાં, એવી જ રીતે આજે વડાપ્રધાનશ્રીએ પણ કન્યા કેળવણી, મહિલા સશક્તિકરણ અને નારીશક્તિના ઉત્કર્ષને અગ્રતા આપી છે. ગુજરાતે પણ વડાપ્રધાનશ્રીના કદમ પર ચાલીને કન્યાઓના સ્વાસ્થ્ય-પોષણ અને શિક્ષણ માટે બે નવી યોજનાઓ આ વર્ષના બજેટમાં જાહેર કરી છે તેનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ મંત્રને અનુસરીને જરૂરિયાતમંદ લોકો સુધી આવાસ, આરોગ્ય, આહાર વગેરે સુવિધાઓ પહોચી છે અને વિકાસના અમૃતકાળનો ઉદય થયો છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વેદ-પરંપરા તરફ પાછા વળવાનું આહવાન કર્યું હતું. આજે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ પોતાની પ્રાચીન પરંપરાઓનું ગૌરવ કરીને “વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવન”ના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી નરેન્‍દ્રભાઈના દિશાદર્શનમાં દેશનો આ અમૃતકાળ વિકાસની સાથે-સાથે સાંસ્કૃતિક નવજાગરણનો પણ સુવર્ણયુગ બને તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમના આરંભમાં દયાનંદ એંગ્લો વૈદિક મેનેજિંગ કમિટીના અધ્યક્ષ પદ્મશ્રી પૂનમ સૂરીજીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશના 75 વર્ષના ઈતિહાસની આ પહેલી ઘટના છે કે, કોઈ રાષ્ટ્રપતિ ટંકારામાં મહર્ષિ દયાનંદજીને પુષ્પાંજલિ અર્પવા આવ્યા હોય. આ અવસરે જ્ઞાનજ્યોતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી સુરેન્દ્ર આર્યએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

રાષ્ટ્રપતિશ્રીનું આગમન થતાં જ લોકોએ ઊભા થઈને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. બાદ રાષ્ટ્રગાનની ધૂન સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ તકે આર્ય ગુરુકૂળની કન્યાઓએ વેદમંત્રોના ગાન સાથે મહર્ષિ દયાનંદજીની સ્મૃતિવંદના કરી હતી. આ સમયે સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.

રાષ્ટ્રપતિશ્રીને રાષ્ટ્રધર્મ અને સનાતન ધર્મની જ્યોતિના પ્રતિક સમાન જ્યોતિ સ્મૃતિચિહ્ન તેમજ દયાનંદજીનું ચિત્ર તથા વેદ-સત્યાર્થ પ્રકાશનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરાયા હતા. 

માન. રાષ્ટ્રપતિ શ્રીમતિ દ્રોપદી મુર્મુ મુખ્ય સમારોહ પૂર્વે આર્ય સમાજની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને પ્રતિનિધિઓને મળ્યાં હતાં તેમજ રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી સાથે સર્વે પ્રતિનિધિ મંડળને શુભકામના પાઠવી હતી. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આર્ય સમાજ દ્વારા સમારોહ સ્થળે આયોજિત યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ યજ્ઞમાં આહુતિ આપી હતી. આ વેળાએ રાજ્યપાલશ્રીએ પુષ્પવર્ષા કરીને રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીશ્રીને આવકાર્યા હતા.

રાષ્ટ્રપતિશ્રીએ મહર્ષિ દયાનંદજીના જીવન-કવન પર આધારિત પ્રદર્શન નિહાળી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી કેશરીદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય સર્વશ્રી કાંતિભાઈ અમૃતિયા, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા,  જિલ્લા કલેકટર શ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ. પ્રજાપતિ, રેન્જ આઈ.જી. શ્રી અશોક યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, આર્ય સમાજના અગ્રણી સર્વશ્રી ધર્માનંદજી મહારાજ, શ્રી સુરેશચંદ્ર આર્ય, શ્રી વિનય આર્ય તેમજ આર્ય સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રૂપિયા 250 કરોડના ખર્ચે 15 એકરમાં બનશે જ્ઞાન જ્યોતિ તીર્થ

મહર્ષિ દયાનંદજીના જીવન મૂલ્યો, તત્વજ્ઞાન અને તેમણે આપેલા શિક્ષણબોધનું જ્યાં દર્શન કરી શકાય એવું જ્ઞાન જ્યોતિ તીર્થ ટંકારાની પાવન ધરા પર લગભગ રૂ. 250 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યું છે. આ માટે રાજ્ય સરકારે 15 એકર જમીન પણ રાજકોટ-મોરબી હાઇ-વે પર ફાળવી દીધી છે. નવી ચેતના અને નવી ઊર્જાનું આ કેન્દ્ર અનેક લોકોને નવી દિશા આપશે.

આ સાથે આ સ્મારક પાછળ આવેલી ડેમી નદીમાં દયાનંદજી બાળપણમાં મિત્રો સાથે રમ્યા હતા. તે ડેમી નદી પર ચેકડેમ બનાવીને નદીમાં બારેમાસ પાણી રહે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કલ્યાણકારી કાર્યમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સહયોગ કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ -૨૦૨૪
Next articleગુજરાતની એસટી બસો હવે ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (જીપીએસ)થી સજ્જ