માણસામાં મેડિકલ કોલેજનું નિર્માણ કરવા સરકાર કટિબદ્ધ : ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ
(જી.એન.એસ),તા.૦૨
ગાંધીનગર,
માણસા તાલુકામાં આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે નજીકના ભવિષ્યમાં માણસા ખાતે મેડિકલ કોલેજ બનાવવા આ સરકાર કટિબદ્ધ છે, તેવું આજરોજ માણસના ધારાસભ્ય શ્રી જે.એસ.પટેલે મહુડી ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જણાવ્યું હતું
સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ગામ ખાતે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચ્યો હતો. ત્યારે માણસાના ધારાસભ્યશ્રી અને અગ્રણીઓની ઉપસ્થિતમાં ગામની દિકરીઓએ રથનું કંકુ તિલક કરી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે યોજાયેલા સમારંભમાં માણસાના ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલે જણાવ્યું હતું કે, માણસા તાલુકાના નાગરિકોને આરોગ્ય સુવિધા વધુ ઝડપથી મળી રહે તે માટે સુચારું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ માણસા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બની ગયા બાદ માણસા તાલુકાના નગરજનોને કિડની નિરોલોજીસ્ટ જેવી ગંભીર બીમારીઓની સારવાર પણ ઘર આંગણે મળતી થઈ જશે. તેમણે મહુડી ગામના નાગરિકોને આનંદ સાથે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં મહુડી ખાતે પણ સીએચસી સેન્ટર બનાવવામાં આવશે. માણસા તાલુકાના યુવાનો રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે માટે પણ તાજેતરમાં સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. લાકરોડા ખાતે 221 કરોડના રૂપિયાના ખર્ચે બેરેજ બનાવવાનું કામ પણ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, આ સરકારે જન સુખાકારી કામોને હરહંમેશ પ્રાધાન્ય આપ્યું છે. આજે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડએ સામાન્ય અને ગરીબ પરિવારના લોકો માટે રૂપિયા 10 લાખનું વીમા કવચ બની રહ્યું છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કેવી રીતે માણસા તાલુકાના નાગરિકોનો ઉપયોગી બન્યું છે, તેની દ્રષ્ટાંતપૂર્વક વાત પણ તેમણે પોતાની આગવી શૈલીમાં ગ્રામજનો સમક્ષ રજુ કરી હતી. સરકાર જ્યારે ગામડે આવી છે, ત્યારે ઘર આંગણે મળતા તમામ લાભોનો લાભ મેળવી લેવા માટે પણ તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી. તેમજ ગામના સેવાભાવી નાગરિકો અને અગ્રણીઓને ગામનો કોઈપણ નાગરિક સરકારની કોઈ યોજનાના લાભ મેળવવા પાત્રતા ધરાવતો હોય અને વંચિત ન રહી જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ સરકારી યોજનાનો લાભ લેનાર લાભાર્થીઓ દ્વારા પોતાના મુખે સરકારની યોજનાઓ કેટલી ઉપયોગી છે તેની વાત કરવામાં હતી. ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી આપવા માટે મહુડી શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા ધરતી કરે પોકારનું નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોને નેનો યુરિયા ના છંટકાવ માટેનો ડેમો ડ્રોનની મદદથી બતાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.
મહુડી ખાતે યોજાયેલ સમારંભમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત માણસા ના પ્રમુખ શ્રી પ્રિયંકાબેન પટેલ, ગામના સરપંચ શ્રી અંબુસિંહ રાઠોડ માણસા તાલુકા વિકાસ અધિકારી જૈમીન પટેલ સહિત આમંત્રિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.