(જી.એન.એન) તા.૧૨
અમદાવાદ,
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાનારા મહાકુંભમાં આ વખતે ગુજરાતમાંથી ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચે તેવી શક્યતા છે. મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું રૂપિયા 14 હજારને પાર થઈ ગયું છે. દર 12 વર્ષે યોજાતા મહાકુંભમાં ભાગ લેવાનો લહાવો લેવા માટે ગુજરાતથી અનેક લોકો ખાનગી બસ, કાર દ્વારા પ્રયાગરાજ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રેનોમાં વેઈટિંગ પણ સતત વધી રહ્યું છે. અમદાવાદથી પ્રયાગરાજ માટે જે નિયમિત ટ્રેન ચાલે છે તેમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી 100 કરતાં વધુનું વેઈટિંગ છે. અમદાવાદ-બરાઉની એક્સપ્રેસમાં સ્લિપર ક્લાસમાં આગામી 26મી ફેબ્રુઆરી સુધી ‘રિગ્રેટ’ની જાહેરાત કરી દેવાઈ છે. ટ્રેનોમાં બુકિંગ નહીં મળતાં કેટલાક પ્રાઈવેટ ટૂર ઓપરેટર્સ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે બસ પણ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી પાંચ જેટલી ખાનગી બસ માટે 35 કલાકની મુસાફરી માટે આ બસનું ભાડું રૂપિયા બે હજારથી લઈને રૂપિયા પાંચ હજાર સુધીનું છે. ફ્લાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદથી આ ફ્લાઈટ સવારે 8:10ના ઉપડીને સવારે 9:55ના પ્રયાગરાજ પહોંચાડશે. આ ફ્લાઈટ માટે રૂપિયા 6 હજારથી લઇને રૂપિયા 14 હજાર સુધીનું ભાડું જોવા મળે છે. આ ઉપરાંત અનેક ગામ-સોસાયટી દ્વારા ખાનગી બસ ભાડે કરીને પ્રયાગરાજ પહોંચવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જાણકારોના મતે, ગુજરાતમાંથી કેટલા લોકો પ્રયાગરાજ પહોંચશે તેનો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે. પરંતુ આ વખતે 3થી 5 લાખ લોકો ગુજરાતથી મહાકુંભમાં ભાગ લેશે. ગુજરાતમાંથી મોટાભાગના સંતો પણ પ્રયાગરાજ પહોંચી ગયા છે. પ્રયાગરાજ ખાતે તેમના દ્વારા ભંડારાનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્રના જનરલ સેક્રેટરી અશોક રાવલે જણાવ્યું કે, ‘મહાકુંભ દરમિયાન ગુજરાતમાંથી ભાગ લઈ રહેલા શ્રદ્ધાળુઓને કોઈ અગવડ પડે નહીં માટે ભંડારા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.’ મહાકુંભમાં વીએચપીના ઉપક્રમે સાધ્વી સંમેલન, યુવા સંત સંમેલન, ધર્મ પ્રસાર અખિલ ભારતીય બેઠક, ધર્મ પ્રસાર સંત બેઠક, ગૌરક્ષા અખિલ ભારતીય બેઠક, ગૌરક્ષા સંમેલન સહિતનું પણ આયોજન કરાયું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.