(GNS),29
મણિપુરમાં બે વિદ્યાર્થીઓની હત્યાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ ગત મોડી સાંજે મુખ્યમંત્રી એન બિરેન સિંહના પૈતૃક નિવાસસ્થાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષા દળોએ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવી દીધો છે. પોલીસે માહિતી આપી છે કે સીએમ બિરેન સિંહ એ પૈતૃક મકાનમાં રહેતા નથી. જ્યાં ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સીએમ હવે તેમના પરિવાર સાથે સત્તાવાર આવાસમાં રહે છે. ગુરુવારે સવારે પણ ગુસ્સે ભરાયેલા ટોળાએ હિંસક પ્રદર્શન કર્યું હતું અને ઇમ્ફાલ પશ્ચિમમાં ડેપ્યુટી કમિશનર (ડીસી) ઓફિસમાં તોડફોડ કરી હતી અને અનેક વાહનોને આગ ચાંપી હતી. મણિપુરમાં ફરી એકવાર હિંસક વિરોધ શરૂ થયો છે. આ મામલાની તાકીદને ધ્યાનમાં રાખીને બિરેન સરકારે બુધવારે જ રાજ્યને અશાંત વિસ્તાર જાહેર કર્યો હતો. 19 પોલીસ સ્ટેશન વિસ્તારો સિવાય સમગ્ર મણિપુરને અશાંત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. મણિપુર રાજ્યમાં ઝડપથી બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય બાદ મણિપુરમાં હિંસક પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. ગુસ્સે ભરાયેલા ટોળાએ મોડી સાંજે મુખ્યમંત્રી બિરેન સિંહના પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઈમ્ફાલના હિંગાંગ વિસ્તારમાં મુખ્યમંત્રીના પૈતૃક આવાસ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ ભીડને નિવાસસ્થાનથી લગભગ 100 મીટર પહેલા રોકી હતી. તમને જણાવી દઈએ કે આ ઘરમાં કોઈ રહેતું નથી, જોકે તે કડક સુરક્ષા હેઠળ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે પણ ગુસ્સે ભરાયેલા ટોળાએ ઇમ્ફાલ પશ્ચિમમાં ડેપ્યુટી કમિશનર (ડીસી)ની ઓફિસમાં તોડફોડ કરી હતી અને અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. જુલાઇથી ગુમ થયેલા એક છોકરા અને છોકરીની હત્યા કરાઈ હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળનો વિરોધ હિંસક બન્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે રાત્રે પણ સગોલબંદ, ઉરીપોક, યાસ્કુલ અને ટેરા વિસ્તારોમાં દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. ગુસ્સે થયેલી ભીડને જોઈને સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડ્યા અને ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો. ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાઓમાં હિંસક વિરોધને જોતા ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મંગળવારથી અત્યાર સુધીના આ પ્રદર્શનોમાં 65 દેખાવકારો ઘાયલ થયા છે. પોલીસે માહિતી આપી છે કે થૌબલ જિલ્લાના ખોંગજામમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યાલયને આગ લગાડવામાં આવી હતી. દરમિયાન, મણિપુર પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ઘણા વિસ્તારોમાં સ્થિતિ ફરી વણસી ગઈ છે, તેને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટોળાએ પોલીસ વાહનને નિશાન બનાવ્યું અને તેને આગ ચાંપી દીધી જ્યારે પોલીસકર્મી પર હુમલો કર્યો અને તેનું હથિયાર છીનવી લીધું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.