ભારતે પૂર્વનિર્ધારિત માનસિકતાથી ટીમ પસંદ કરવી જોઇએ નહીં : એમએસકે પ્રસાદે
(GNS),03
ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ક્રિકેટ મેચ માટે તૈયારી કરી રહી છે ત્યારે ભૂતપૂર્વ પસંદગીકાર એમએસકે પ્રસાદે એવી ટકોર કરી હતી કે ભારતે બે વર્ષ અગાઉ કર્યું હતું તેમ આ વખતે પૂર્વ નિર્ધારીત માનસિકતા સાથે અગાઉથી જ અંતિમ ઇલેવન પસંદ કરી લેવી જોઇએ નહીં. પ્રસાદે એમ પણ જણાવ્યું હતું કે હાલમાં ઇજાગ્રસ્ત હોવાને કારણે મેદાનથી દૂર રહેલા રિશભ પંતનું સ્થાન લેવું અત્યંત મુશ્કેલ બાબત છે કેમ કે વિદેશી મેદાનો પર તો તેની સિદ્ધિની કોઈ તુલના થઈ શકે તેમ નથી. બે વર્ષ અગાઉ વર્લ્ડ ટેસ્ટની ફાઇનલમાં ભારતે અગાઉથી જ ઇલેવન જાહેર કરીને તેમાં બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને સ્થાન આપ્યું હતું જ્યારે સાઉધમ્પ્ટનના ઠંડા હવામાનમાં આખી મેચમાં ઝડપી બોલર્સને મદદ મળી હતી.
ઓવલ ખાતે સાતમી જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ રમાનારી છે જેમાં સ્પિનર્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે પરંતુ પ્રસાદે સલાહ આપી હતી કે ભારતે એ વખતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા એવી રીતે સમીક્ષા કર્યા બાદ જ ટીમની જાહેરાત કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે અમે બે સ્પિનર અને ત્રણ ઝડપી બોલરની વિચારધારા સાથે ટીમ પસંદ કરી હતી પરંતુ તે મેચમાં વરસાદ આવ્યો હતો, અમારે અમારી યોજના બદલવી જોઇતી હતી પરંતુ અમે એ જ ઇલેવન પર ટકી રહ્યા હતા. જોકે હવે એ ભૂતકાળની વાત છે.
ઓવલના મેદાનની પરિસ્થિતિ પર તમામ બાબતો આધારિત છે. પિચની પરિસ્થિતિ અંગે કાંઈ કહી શકાય નહીં કે તે પાંચ દિવસ કેવી રીતે ચાલશે. આમ આ સંજોગોમાં અગાઉથી કોઈ નિર્ણય લેવો ઉતાવળ ગણાશે તેને બદલે જે તે સમયે જ ટીમ નક્કી કરવી જોઇએ. તેમ ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ વિકેટકીપર અને ભૂતપૂર્વ પસંદગીકાર પ્રસાદે ઉમેર્યું હતું. રિશભ પંત અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતના અન્ય કોઈ વિકેટકીપરે વિદેશી ઘરતી પર પંત જેટલી સિદ્ધિ હાંસલ કરી નથી. પંતે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકામાં સદી ફટકારી છે. જો મોખરાના બેટ્સમેન નિષ્ફળ રહે તો તે વળતો પ્રહાર કરવા માટે સક્ષમ છે.
હાલમાં કે એસ ભરતની પસંદગી યોગ્ય છે પરંતુ એક બેટ્સમેન તરીકે રિશભ પંતની સરખામણી કોઈ સાથે થઈ શકે તેમ નથી. ભરતની પસંદગી સીધે સીધી જ થઈ શકે તેમ હતી પરંતુ પંતની વાત અલગ જ છે. ભારતના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં અન્ય કોઈ વિકેટકીપરે વિદેશી ધરતી પર પંત જેટલી સફળતા હાંસલ કરી છે. આમ એક બેટસમેન વિકેટકીપર તરીકે રિશભ પંત સર્વશ્રેષ્ઠ છે. તમારે એવા વિકેટકીપરની જરૂર છે જે 100 ઓવર સુધી કીપિંગ કરવા માટે ફિટ હોય. આ ટેસ્ટ મેચ છે અને આપણે એ વાતને ધ્યાનમાં રાખીને ચાલવું જોઇએ. તે પ્રસાદે ઉમેર્યું હતું.
ફાઇનલ માટે ભારતની બેટિંગ અત્યંત મજબૂત છે. રોહિત શર્મા, શુભમન ગિલ, પૂજારા અને વિરાટ કોહલી પાસેથી ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ સામે શાનદાર રમતની અપેક્ષા રખાય છે. આ ઉપરાંત પાંચમા ક્રમે અજિંક્ય રહાણે પણ ઉમદા બેટિંગ કરી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પસંદગીકાર તરીકે 2016થી 2020 સુધી ફરજ બજાવી ચૂકેલા પ્રસાદે આ અંગે જણાવ્યું હતું કે ભારતના મોખરાના બેટ્સમેન કેવી રમત દાખવે છે તેની ઉપર મેચનું ભાવિ નક્કી થશે. ગિલ અત્યારે જોરદાર ફોર્મમાં છે. રોહિત અગાઉ ઇંગ્લેન્ડમાં સદી ફટકારી ચૂક્યો છે તો કોહલી મહાન બેટ્સમેન છે અને પૂજારા છેલ્લા કેટલાક સમયથી કાઉન્ટીમાં રમી રહ્યો છે. આ ખેલાડીઓએ ભારતને સફળતા અપાવવી જોઇએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.