ભુજમાં ભેખડ ધસી પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ ઘટનામાં માત્ર પાંચ જ સેકન્ડમાં વાહનોનો બુકડો બોલી ગયો હતો. ભુજથી અંદાજિત 100 કિલોમીટર દૂર ખાવડા નજીકના રતળિયા પાસે આવેલા મોટા પૈયા ગામની સિમમાં સાંજે માઇલ સ્ટોનની ખાણમાં પથ્થર તોડવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન 40થી 50 ફૂટ ઊંચા ડુંગર પરથી ભારેખમ પથ્થરો તૂટીને નીચે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના ચાર લોકો દટાયા હતા, જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ બે લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.
માઇલ સ્ટોનની ખાણમાં 50 ફૂટ ઉપરથી પથ્થરો તૂટીને નીચે રહેલા બે હિટાચી મશીન અને ત્રણ ટ્રક ઉપર પડતાં તમામ વાહનો 20થી 30 ફૂટ જેટલા કાટમાળ તળે દબાઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં એકનું મોત થયું છે, જ્યારે બે લોકો પથ્થરના કાટમાળ તળે હજુ દટાયેલા છે તેમજ એકની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. એમાં માત્ર પાંચ જ સેકન્ડમાં તમામ વાહનોનો બુકડો બોલી ગયો હોવાનું જોવા મળી રહ્યું છે. ઉપરથી ભેખડ પડતા ધૂળની ડમરીઓ ઊડવા લાગી હતી. આ ઘટનામાં 1 શ્રમજીવીનું મોત નીપજ્યું હતું તો બે શ્રમિક હજુ પણ ઊંચાઈથી તૂટી પડેલી પથ્થરની ભેખડ તળે દટાયેલા છે.
દબાયેલા શ્રમિકોની શોધખોળ માટે તંત્ર દ્વારા ફરી સવારના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. હાલ 6થી 7 હિટાચી મશીન દ્વારા મહાકાય મલબની સફાઈ કરવામાં આવી રહી છે અને માર્ગને સાફ કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં ઘાયલ એક વ્યક્તિની ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પૈયા દુર્ઘટના મામલે સામે આવેલી વિગતો મુજબ જવાબદાર કંપનીના કોન્ટ્રેકટર દ્વારા સલામતીને નજરઅંદાજ કરી ખાણમાં ક્રમસરના બદલે સળંગ પથ્થરનું ખોદકામ કરાઈ રહ્યું હતું. સંભવિત તેના કારણે ખાણની મહાકાય ભેખડ ઊંચાયેથી તૂટી પડતા 4 શ્રમિક દટાયા હતા. એમાં એકની સારવાર ચાલી રહી છે તો એકનું મોત નીપજ્યું છે.
જ્યારે હજુ પણ બે વ્યક્તિ કાટમાળ તળે દટાયેલી છે, જેને પગલે મજૂરોને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક આરોપ મુજબ, આ વિસ્તારમાં 6થી 7 સ્થળે ખાણ માટેની લીઝ મંજૂર થઈ છે એમાં લીઝ સિવાયના વિસ્તારમાં બેરોકટોક ખોદકામ ચાલતું હોય છે, જેને લઈ સર્જાયેલી દુર્ઘટનામાં ગરીબ લોકોનો ભોગ લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વાગડથી અબડાસા સુધીના વિસ્તારોમાં નાનીમોટી સેંકડો ખાણ હેઠળ વિવિધ કુદરતી સંપત્તિનું બેફામ ખોદકામ ચાલતું હોવાની ફરિયાદો ઊઠતી રહી છે, પરંતુ સંબધિત તંત્ર માત્ર નામ પૂરતી કામગીરી કરી સંતોષ માની રહ્યું છે. આ અંગે સ્થાનિકના જણાવ્યા મુજબ, સાંજે મોટા પૈયા ગામની માઇલ સ્ટોનમાં ડુંગરના મહાકાય પથ્થરો તૂટી પડયાની દુર્ઘટના સર્જાઈ હતી. એમાં પ્રાથમિક ધોરણે મધ્યપ્રદેશના શ્રમજીવીઓ કાટમાળ તળે દબાયા છે, જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે બે લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાથી તેઓની શોધખોળ ચાલું છે. જ્યારે એક ટ્રકમાં ફસાયેલા ચાલક હનીસ સમા કાંચ તોડી બહાર આવી જતાં તેને સામાન્ય ઇજા થતાં બચાવ થયો છે. ઘટનાની જાણ પોલીસમાં કરવામાં આવતાં પોલીસે ભુજ મામલતદાર સહિત જિલ્લા વહીવટી તંત્રની ખબર આપી છે. જોકે ઘટનાની ગંભીરતા એ છે કે દબાયેલાં વાહનો અને મૃતદેહોને બહાર લાવવા કઠિન બન્યું છે, કારણ કે આ કામગીરી દરમિયાન હજુ પણ ડુંગરના અન્ય પથ્થરો તૂટીને પડવાનો ભય રહેલો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.