બાળ લગ્ન દીકરીઓના સપનાંને આગળ વધતા રોકે છે તેની સાથે દેશના વિકાસમાં પણ અવરોધરૂપ: કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
(જી.એન.એસ) તા. 16
ભાવનગર,
ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને “બાળ વિવાહ મુક્ત ભારત” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમયોજાયો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, બાળ લગ્ન એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. દીકરીઓનાં ભણવાની ઉંમરે લગ્ન થાય છે ત્યારે તેના શિક્ષણની સાથે તેનો વિકાસ પણ રૂંધાય છે. બાળ વિવાહ એક એવો પડકાર છે, જેની સામે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આ પીડાદાયક કુપ્રથા આપણી દીકરીઓના સપનાઓને રોળે છે અને તેમને આગળ વધતા તો રોકે છે, તેની સાથે દેશના વિકાસમાં પણ અવરોધરૂપ છે. બાળલગ્ન અટકે તે માટે આપણે સાથે મળીને ગામે ગામ બાળ લગ્ન અંગે લોકોને જાગૃત કરીએ, ક્યાંય પણ બાળ લગ્ન અંગેની જાણકારી મળે તો ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1098 પર જાણ કરવા, એકપણ બાળ લગ્ન ન થાય તે માટે દરેક વ્યક્તિને સંકલ્પબદ્ધ બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ “બેટી બચાવો, બેટી પઢાઓ” અભિયાનની શરૂઆત કરી હતી જે આજે જન આંદોલન બની ગયું છે. પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત “મહિલા સુરક્ષા” માટે રોલ મોડલ સાબિત થયું છે. “સુકન્યા સમૃદ્ધિ યોજના” હેઠળ 3.5 કરોડથી વધુ બાલિકાઓનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવ્યું છે. ભારતની મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતાના નવા કિર્તીમાન સ્થાપી રહી છે. આજે આપણા દેશના રાષ્ટ્રપતિ એક મહિલા છે. ભારત સરકારના મંત્રીમંડળમાં મહિલાઓ અગત્યની ભૂમિકા નિભાવી રહી છે. દીકરીઓને બચાવવી, ભણાવવી અને આગળ લઈ જવી આપણી સૌની જવાબદારી છે.
આ પ્રસંગે કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું હતું કે, કાયદાની ભાષામાં કહીએ તો 18 વર્ષથી નાની ઉંમરની દીકરી અને 21 વર્ષથી નાની ઉંમરના દીકરાના લગ્ન કરવામાં આવે તેને બાળલગ્ન કહેવાય છે. આવા બાળ લગ્ન થતાં અટકાવવા એ આપણા સૌની સાહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, આજે હું કલેક્ટર તરીકે નહીં પરંતુ એક દીકરીના પિતા અને એક ડૉક્ટર તરીકે વાત કરું છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે જ્યારે નાની ઉંમરના દીકરા-દીકરીના લગ્ન કરવામાં આવે છે ત્યારે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આગામી અખાત્રીજને દિવસે ઘણા બધા લગ્નો થશે, આ ઉપરાંતના દિવસોમાં પણ ભાવનગર જિલ્લામાં એક પણ બાળ લગ્ન ન થાય તેની ખાસ તકેદારી રાખવા તેમણે અનુરોધ કર્યો હતો. ક્યાંય બાળ લગ્ન થતાં હોય તેની કોઇને ખબર પડે તો જિલ્લા વહિવટીતંત્રનું ધ્યાન દોરવા પણ કલેકટરશ્રીએ અપીલ કરી હતી.
આ વેળાએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી એસ.એન.ઘાસુરા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના ચીફ ઓફીસરશ્રી બી.પી.ચુડાસમાએ “બાળ વિવાહ મુક્ત ભારત” વિષય પર જરૂરી જાણકારી આપી હતી.
જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફિસરશ્રી એચ.આર.મૌર્યએ બાળ લગ્ન નાબુદી અંગે સામૂહિક શપથ લેવડાવ્યાં હતા. અંતમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.જી.ચૌધરીએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોટીવેશનલ સ્પીકરશ્રી નેહલબેન ગઢવીએ કર્યું હતું.
કાર્યક્રમમાં ભાવનગરના મેયરશ્રી ભરતભાઇ બારડ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી હિતેન્દ્રસિંહ પઢેરીયા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના પ્રોબેશન ઓફિસરશ્રી હેતલબેન દવે સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.