Home ગુજરાત ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન -EDII ના 40 વર્ષ – રુબીજયંતી ઉજવણી સમારોહનો...

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન -EDII ના 40 વર્ષ – રુબીજયંતી ઉજવણી સમારોહનો શુભારંભ કરાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

51
0

(જી.એન.એસ),તા.૨૦

‘સોને કી ચીડિયા’ તરીકેની ભારતની ઓળખ તેની ઉદ્યમિતા-ઉદ્યોગ સાહસિકતાને કારણે હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટ અપ્સ અને મેક ઈન ઈન્ડિયા જેવી પહેલથી દેશના યુવાનોને જાગૃત કર્યા, તેમની પ્રતિભાને પાંગરવાનો અવસર આપ્યો. હતોત્સાહિત યુવાનોને પ્રોત્સાહિત કર્યા. પરિણામે આવનારા વર્ષોમાં ઈનોવેશન ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ થશે. ભારત વિશ્વગુરુ બનશે અને ફરીથી ‘સોને કી ચીડિયા’ બનશે. ગાંધીનગરમાં ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન- આંત્રપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઑફ ઇન્ડિયાની સ્થાપનાનાં 40 વર્ષ-રુબીજયંતી સમારોહની ઉજવણીનો શુભારંભ કરાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, આવી સંસ્થાઓના પ્રયાસોથી ગુજરાત આજે વિશ્વનું માર્ગદર્શન કરવાની દિશામાં અગ્રેસર છે.

ગાંધીનગરમાં ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનની સ્થાપનાનાં 40 વર્ષની ઉજવણી; રુબીજયંતી સમારોહનો મંગલદીપ પ્રગટાવીને શુભારંભ કરાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગુજરાતની આ ગૌરવવંતી સંસ્થા આ ક્ષેત્રમાં નવી ઊર્જાનો સંચાર કરનારી છે. તેમણે કહ્યું કે, આઝાદી પછી અનેક વર્ષો સુધી યુવાનોને માત્ર ડિગ્રી મળે એવું શિક્ષણ મળ્યું, પણ જીવન ઉપયોગી માર્ગદર્શન ન આપી શકાયું. પરિણામ એ આવ્યું કે, ડિગ્રીધારી યુવાનો વધ્યા પણ કૌશલ્ય નિર્માણ ન થયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રથા પ્રત્યે ગંભીરતાથી વિચારીને તેને જાકારો આપ્યો અને જીવન પદ્ધતિ સુખમય બને એ હેતુથી કૌશલ્ય નિર્માણ જેવા ઉપાયો આપ્યા.

શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, ભારતના અતિતમાં જઈએ તો જણાય છે કે, આ દેશ ‘સોને કી ચીડિયા’ તરીકે ઓળખાતો. ભારતની ઉદ્યમિતાને કારણે આવી ઓળખ ઊભી થઈ હતી. ગ્રામીણ નાગરિકો પોતાના કૌશલ્યથી પોતપોતાનો વ્યવસાય કરતા. ગ્રામજનો અને ગામડાઓ શહેરો પર નિર્ભર ન હતા. ગ્રામજનોની ઉદ્યમિતાને કારણે જે ઉત્પાદનો થતાં તે દેશ-વિદેશમાં વેચાતા અને બદલામાં વેપારીઓ અઢળક સોનું મેળવતા. ભારતની ઉદ્યમિતાનું આ જ્વલંત ઉદાહરણ છે. આપણું ભારત હંમેશાથી જ સમૃદ્ધ, ઉન્નત અને મહાન રહ્યું છે. પરિશ્રમથી જ પ્રગતિ થાય છે. કૌશલ્યપૂર્વક કરેલા કર્મોથી જ વિકાસ સંભવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યમિતાના વિકાસ માટે સ્ટાર્ટઅપ્સ, મેક ઇન ઇન્ડિયા અને ઇનોવેશન ક્ષેત્રે અનેક નવી પહેલ કરી યુવાનોની પ્રતિભાનો વિકાસ થાય એવા અવસર આપ્યા છે.

સામાન્ય પુરુષો અન્ય કોઈએ નિર્મિત કરેલા માર્ગે જીવનભર ચાલ્યા કરે છે. જ્યારે મહાપુરુષો પોતાના નવા માર્ગો જાતે કંડારે છે અને અન્ય લોકોને પોતે દાખવેલા માર્ગે ચાલવાની ફરજ પડે એવી સ્થિતિનું નિર્માણ કરે છે; એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ દેશના યુવાનો ‘કૌશલ્ય’ શબ્દ ભૂલી ગયા હતા, ત્યારે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાને યુવાનોની સર્જનશીલતા અને ક્ષમતાનો પરિચય કરાવીને ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી યુવાનો નોકરી કરનાર નહીં નોકરીઓ આપનાર રહ્યા છે. આ દિશાના પ્રયત્નો માટે તેમણે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનના સંચાલકોને અભિનંદન પાઠવ્યા હતા.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનના 40 વર્ષોની યાત્રાની ઝાંખી કરાવતી કોફી ટેબલ બુકનું વિમોચન પણ કર્યું હતું.

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનના અધ્યક્ષ અને આઈડીબીઆઇ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર-ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાકેશ શર્માએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ સંસ્થાને ઉદ્યમિતાને આંદોલનનું સ્વરૂપ આપ્યું છે. યુવાનોને પોતાની ક્ષમતામાં વિશ્વાસ રાખીને સફળતા માટે આગળ વધતાં શીખવ્યું છે. બદલાતા સમય સાથે કદમ મિલાવીને ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાને લક્ષમાં હંમેશા વૈવિધ્ય આપ્યું છે. ઉદ્યમશીલતાને સંસ્થાગત સ્વરૂપ આપ્યું છે.

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનની રુબીજયંતી ઉત્સવ સમિતિના અધ્યક્ષ પદ્મશ્રી ડૉ. મિલિંદ કામ્બલેએ કહ્યું હતું કે, આજના ઉદ્યોગ સાહસિકો દૂરદર્શી અને પરિવર્તનનું નેતૃત્વ કરનારા છે. આવા સમયે ઈડીઆઈઆઈની ભૂમિકા વધુ મહત્વની છે. આ સંસ્થાએ યુવાનોમાં ક્ષમતાના નિર્માણની સાથે સાથે આત્મવિશ્વાસ અને કૌશલ્યનું સિંચન પણ કર્યું છે.

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાનના મહાનિદેશક ડૉ. સુનિલ શુક્લએ સ્વાગત ઉદબોધન કર્યું હતું. ડૉ. રમણ ગુજરાલે આભારદર્શન કર્યું હતું.