Home જનક પુરોહિત ભાજપ જેવાં મોટા મોલને પણ નફા માટે ગલ્લાની મદદ લેવી પડે !

ભાજપ જેવાં મોટા મોલને પણ નફા માટે ગલ્લાની મદદ લેવી પડે !

1113
0

સક્રિય રાજકારણ માંથી નિવૃત્તિ જેવી જાહેરાત કરી મુકેલા ગુજરાતના વરિષ્ઠ નેતા પૂર્વ મુખ્યમંત્રી ફરી પ્રથમ નવરાત્રીથી સક્રિય થઇ રહ્યા છે . તેમણે વચન નિભાવ્યું કહેવાય કે ના તો કોંગ્રેસમાં કે ન ભાજપમાં અને નહિ કોઈ નવો પક્ષ , કારણકે બાપુએ ‘ જન વિકલ્પ ’ નામના મોરચાની જાહેરાત કરી છે . જે રાજકીય પાર્ટી નથી . તેમાં કોઈ પણ પક્ષની વ્યક્તિ કોઈ પણ પક્ષના નિશાન કે અપક્ષના કોઈ પણ નિશાન પર ચુંટણી લડી શકે છે . માત્ર બાપુના આશિર્વાદ જેને મળે તે જન વિકલ્પનો ઉમેદવાર ગણાશે .
કોંગ્રેસના ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતને જયારે બાપુ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “ ભાજપ ‘ એ ’ બ્રાંચ , જન વિકલ્પ ભાજપની ‘ બી ’ બ્રાંચ અને એન.સી.પી. ભાજપની ‘ સી ’ બ્રાંચ છે .”
કોંગ્રેસના એક કાર્યકરે ભોજન સમારંભ પ્રસંગે પૂછ્યું કે ભાજપ જેવાં મોટા મોલને પણ જન વિકલ્પ કે એન.સી.પી. જેવાં ગલ્લાઓની મદદની જરૂર પડે ! અમારા એક બોલકા પત્રકારે કહ્યું “ ભાજપનું ‘ ઓનેસ્ટ ’ ભાજી પાવ જેવું છે . આખા ગુજરાતમાં જ નહિ હવે તો અમેરિકામાં પણ તમને ઓનેસ્ટની રેસ્ટોરન્ટ જોવા મળે . પરંતુ તેના માલિક વિજય ગુપ્તાની પોતાની કહી શકાય એવી અર્ધો ડઝન જ રેસ્ટોરન્ટ હશે . બાકીની તમામ ફ્રેન્ચાઈઝી આપેલ હોય છે . ભાજપ પોતાની ૧૮૨ દુકાનોને નફો કરાવવા બાજુમાં એન.સી.પી અને જન વિકલ્પના ગલ્લાએ ખોલાવે છે. આ ભાજપની ફ્રેન્ચાઈઝી જ હોય છે . ભાજપની દુકાનનો માલ સારો ન લાગે તો બાજુના ગલ્લા માંથી ખરીદી થાય પણ કોંગ્રેસની દુકાને ન જાય . આ માટે ફ્રેન્ચાઇઝી આપવી પડે છે . આ ગલ્લાનો બધો જ ખર્ચ ભાજપ ભોગવે માલ પણ પૂરો પડે ગલ્લો ખોલનારને માત્ર નફો જ મળે .” પત્રકારની વાત કાર્યકરને શીરાની જેમ ગળે ઉતરી ગઈ .
ગુજરાતના ખાડામાં ભાજપના ઉમેદવારોના હાડકા ભાંગી જશે.
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે ભાજપના ઉત્તર ગુજરાતના એક પાટીદાર ધારાસભ્યનો ભેટો થઇ ગયો . પત્રકારોએ તેમને પૂછવા જેવાં જ સવાલો પૂછ્યા . મૂળવાત તો આ વખતે ભાજપની બેઠકો બહુ ઓછી થવાની છે ? એવા સવાલનો જવાબ મળ્યો “ તે તમે વળી એમાં નવું શું કહ્યું ભાજપનું કુતરું એ જાણે છે .” ફરી એક મિત્ર એ પૂછ્યું પાટીદારો ભાજપને મત ન આપે તો શું કોંગ્રેસને આપશે ? તો જવાબ મળ્યો “ અલ્યા ભાઈ , આ વખતે પાટીદારો કાળા ચોરને મત આપશે , પણ ભાજપને નહિ .” આ રસ્તાઓના ખાડા ચુંટણી પહેલાં પૂરી દેવાશે . છતાં ચૂટણીમાં નડે એવું લાગે છે ? ધારાસભ્ય ગુસ્સે થયાં “ તમને પત્રકાર કોણે બનાવ્યા ? લોકોના હાડકા ભાંગ્યા હોય , વહાણો ભંગાર થઇ ગયા હોય ઈં હંધુય ભૂલી જવાના ? આ વખતે ભાજપના ભ્રષ્ટાચારના ખાડા ભાજપના તમામ ઉમેદવારોના હાડકા ભાંગી જાય એટલી મહેનત કરાવશે . લોકો એવા વાહે દોડવાના છે કે ઉમેદવાર હાંફી રેવાનો .”
ધારાસભ્ય વાત પુરીકરી રવાના થયાં .
આશ્ચર્ય વ્યક્ત કરતાં એક મિત્રએ કહ્યું ભાજપને હવે વિરોધ પક્ષની જરૂર જ નથી . કોંગ્રેસની બેઠકો સાવ ઓછી આવે તો પણ ભાજપની અંદર જ સબળ વિરોધ પક્ષ જામી ચુક્યો છે .
સાહેબ અમરેલી આવ્યા તો ખબર પડી કે પાક વિમાની રકમનો પ્રશ્ન છે .
ખાનપુર ભાજપ કાર્યાલય પાસે ચાની ચૂસકી લઇ રહેલા કાર્યકરો પૈકી એક કાર્યકર અમરેલી જીલ્લાનો વતની હતો . જેથી અન્ય કાર્યકરે પૂછ્યું “ અલ્યા , સાહેબ ( વડાપ્રધાન ) અમરેલી આવ્યા ત્યારે ગયો હતો કે નહિ ?” જવાબ મળ્યો “ હું ચાર દિવસ મારા વતનમાં રહ્યો . અમારા ગામને ચાર એસ.ટી. ની બસો ફાળવવામાં આવી હતી . ચારે બસમાં અમે ૧૦ – ૧૦ સગા – સબંધી – મિત્રોને આગ્રહ કરીને બેસાડ્યા , જમાડ્યા , અને મજા કરાવી .”
ફરી સવાલ આવ્યો કે “ સાહેબ આવ્યા , તો ચૂટણીમાં કેટલો ફાયદો થવાનો ?”
અમરેલીના મિત્રએ કહ્યું “ અમારા જિલ્લામાં છેલ્લા એક વર્ષથી પાક વિમાની રકમના મુદ્દે આ કોંગ્રેસ વાળા આંદોલનો અને રજુઆતો કરતાં હતા . આ વખતે ભાજપની હારનું કારણ જ એ નીકળે એમ હતું કે પાક વીમાના મુદ્દે ભાજપ હાર્યું . એક વર્ષમાં ગુજરાતના આપણા મોટા નેતા રૂપાલાજીએ એક પણ વાર આપણા નરેન્દ્રભાઈને કહ્યું નહિ કે સાહેબ આ પાક વીમા નો પ્રશ્ન પતાવો નહિ તો આપણે પતિ જઈશું . એતો સાહેબ અમરેલી આવ્યા ને વળી એમના કાને કોઈએ વાત નાખીકે આમરો બધું સારું છે પણ જો આ પાક વિમાની રકમ છૂટી થાય તો આપણે મત માંગવા જઈ શકીએ . સાહેબે દિલ્હી પહોચીને તરત જ ૯૦૦ કરોડ ની રકમ આખા ગુજરાત માટે છૂટી કરી દીધી .”
એક મિત્ર એ સવાલ કર્યો “ તો પછી હવે તો ભાજપ જીતી જશે ને ?” તો જવાબ મળ્યો “ નાં આ તો મત માંગવા જવા નો રસ્તો ખુલ્લો થયો . મત મળી જશે એવું ક્યાં કહ્યું હતું .”
દેશમાં ભલે મંદી હોય , આ વખતે ગુજરાતનું નવું વર્ષ ખુબ સારું જવાનું .
બાપુના એક ખાસ સમર્થક મિત્રનો ફોન આવ્યો “ શું લાગે છે! બાપુના ફાઈનાન્સર કોણ હોઈ શકે ? અત્યારે મંદીના માહોલમાં કોઈ કોર્પોરેટ હાઉસ તો આટલું મોટું ફાઈનાન્સ કરે નહિ . મને તો લાગે છે કે આ ભાજપના રૂપિયા જ ફરતા થયા લાગે છે .”
પ્રશ્ન પૂછીને જાતે જ જવાબ આપનાર મિત્રને કહ્યું “ તમને જે લાગે તે સાચું . રૂપિયા ગમે તેના હોય આપણે ટપટપ થી શું કામ રોટલો મળે છે ને !”
તો મિત્રએ કહ્યું “ એ તમે સાચી અને સારી વાત કરી . આ વખતે દેશમાં ભળે ગમે તેટલી મંદી આવે , પણ ગુજરાતનું નવું વર્ષ ખુબ સારું જવાનું છે . ભાજપ કરોડો રૂપિયા ઠાલવશે એટલે કોંગ્રેસને પણ દોરવાવું પડશે . આ બધું ગુજરાતના વેપાર ધંધા ને પુષપ આપનારું સાબિત થશે . જોકે કેટલુક ધન નેતાઓની તિજોરી માં બંધ પણ થઇ જશે . છતાં રૂપિયો ફરતો પણ થવાનો .”

Previous articleમોદી કેબિનેટમાંથી ઉમા, રાધા, રુડી આઉટ..શિવરાજ, વસુંધરા, રમણસિંહ ઇન…!!?
Next articleહું કોઇને કાંઇ આપવાનો નથી, જેને ચૂંટણી લડવી હોય તે પૈસા લઇને આવે ઃ બાપુ