(જી.એન.એસ,હર્ષદ કામદાર)
દેશભરના સામાન્ય લોકોની મોંઘવારીએ કમર વાળી દીધી છે, તો બેરોજગારી એ પણ માઝા મૂકી છે, દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે, નોટ બંધી ને લઈને આજે પણ લોકો તેની પીડા ભોગવી રહ્યા છે, દેશમાં મોટા-મધ્યમ, નાના ઉદ્યોગો ઠપ થઈ ગયા છે, નવા ઉદ્યોગો આવતા નથી,વિદેશનાં રોકાણો આવતા અટકી ગયા છે. ત્યારે કેન્દ્ર સરકાર આમ પ્રજાને તેના સળગતા પ્રશ્નો જે રીતે આધારકાર્ડ ફરજીયાત કરવા સાથે તેને વિવિધ લીન્કમા જોડવાનું ફરજિયાત કર્યું એ જ રીતે કેન્દ્રની ભાજપાની મોદી સરકાર સીએએ લાવી અને તેના પછી એનસીઆર સાથે જવું જરૂરી છે તેવી સ્પષ્ટતા ગૃહ પ્રધાનશ્રીએ કરી જેનાથી દેશભરની પ્રજામાં મોટા પ્રમાણમાં ભારે અસંતોષ ફરી વળ્યો છે. અનેક રાજ્યોમાં દેખાવો થયા તો ક્યાક તોફાનો પણ થયા. આ બધાની વચ્ચે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ- પેટા બેઠકોની ચૂંટણી યોજાઈ પરંતુ ભાજપાની મમતને કારણે એક પછી એક રાજ્ય ભાજપાએ ગુમાવવાનો વારો આવ્યો અને જે ભાજપા એમ કહેતો હતો કે કોંગ્રેસ મુક્ત ભારત પરંતુ સ્થિતિ એવી બનવા તરફ જઈ રહી છે કે લોકો જ ભાજપા મુક્ત ભારત કરી દેશે…..! ભાજપાની સફળતાનો મુખ્ય કારણ એ રહ્યું છે કે દેશમાં વિરોધ પક્ષો એક નેજા હેઠળ કે બેઠકોની સમજુતીથી ચૂંટણી લડવા તૈયાર ન હતા. દરેક પક્ષ પોત પોતાનો અલગ ચોકો કરી ચૂંટણી લડતા હતા. તેનું પરિણામ પણ તેઓને મળી ગયું. પ્રજાએ દેશના વિપક્ષોને હાંસિયામાં ધકેલી દીધા…..! ત્યારે તેઓની આંખો ખુલી. પરંતુ આજે પણ કેટલાક પક્ષો પોતાનો જ કક્કો ઘુટી રહ્યા છે. દરમ્યાન વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવા લાગી ત્યારે 2016માં કોંગ્રેસના હાથમાંથી આસામ સરકી ગયું અને ભાજપાએ સત્તા હાંસલ કરી. 2017માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, ગોવા, હિમાચલ પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડમાં ભાજપાએ સત્તા મેળવી. પંજાબમાં તેને ધોબી પછાડ મળી અને કોંગ્રેસને સત્તા મળી. 2018માં ભાજપાએ ત્રિપુરા જીતી લીધું. કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીયુ સરકાર બની. જો કે ગઠબંધન તૂટી ગયુ અને ભાજપાએ સત્તા મેળવી. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે સત્તા મેળવી ત્યારે આંધ્રપ્રદેશમાં વાયઆરએસ કોંગ્રેસની, ઓરિસ્સામાં બિજુ જનતાદળની સરકાર બની, અરુણાચલ, સિક્કિમ અને હરિયાણામાં ભાજપા ગઠબંધન સરકાર બની, પરંતુ મોંઘવારી સહિતના સળગતા પ્રશ્ને મહારાષ્ટ્રમાં ભાજપાને વધુ બેઠકો મળવા છતાં ભાજપે સત્તા ગુમાવી. અહી શિવસેના,એનસીપી, કોંગ્રેસના ગઠબંધન વાળી સરકાર બની જે ભાજપા માટે મોટો ફટકો હતો. પરંતુ ભાજપાના રાજનેતાઓ તેમાંથી કશું શીખ્યા નહી કે બોધપાઠ લીધો નહીં….! પરંતુ કોંગ્રેસે તેમાંથી બોધપાઠ લીધો અને પ્રાદેશિક પક્ષોનું મહત્વ સમજતો થઈ ગયો.જેનુ ફળ તેને ઝારખંડમાં ચાખવા મળ્યું છે….!
એક સમયે કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોને મહત્વ આપતો ન હતો. પરંતુ ભાજપા પ્રાદેશિક પક્ષોનું મહત્વ સમજી જે તે પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરીને ૨૧ રાજ્યોમાં સત્તા મેળવી હતી. જેમાં પછીથી જે તે રાજયો ગુમાવવા પડયા છે. પણ મહારાષ્ટ્ર રાજ્ય ગુમાવવાનો ફટકો તેને મોંઘો પડી ગયો છે. દરમિયાન ભાજપાના નેતાઓ પણ લોકસભામાં સ્પષ્ટ બહુમતી હોવાથી ગુમાનમા આવી ગયો કે હવામાં ઊડવા લાગ્યો છે.અને પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસની જેમ જ ઠુકરાવવાનું શરૂ કર્યું. તો સીએએ બીલ લાવીને પોતાના પગ પર કુહાડો મારવાનું કામ કર્યું છે.સીએએ લાવવા સાથે એનસીઆર લાવવાની વાત ગૃહમંત્રીએ કરી તેના દેશ ભરમા ઘેરા પ્રત્યાઘાત પડયા. મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્ને ત્રાહીમામ પ્રજાને ભડકાવી દીધી હતી જેને કારણે દેશભરમાં ભાજપાની કેન્દ્ર સરકાર સામે વિરોધ વંટોળ શરૂ થઇ ગયો. તો વડાપ્રધાન મોદીએ જાહેરમાં કહ્યું કે દેશમાં ડિટેન્શન છે જ નહીં અને આ વાત ખોટી સાબિત થઈ. કારણ કે તે અંગેનો પત્ર જાહેર થઈ ગયો હતો. એટલે લોકો વધુ ભડકી ગયા કારણ કે લોકોએ મોદીજી ઉપર વિશ્વાસ મૂક્યો હતો. જે વિશ્વાસમાં છેહ થયો છે તેવું લોકો માનવા લાગ્યા છે. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપા અને તેના નેતાઓએ આપેલા વચનોથી તદ્દન વિપરીત કાર્યો કર્યા છે જેના કારણે વડાપ્રધાનશ્રીની એક જ ખોટી વાતથી પ્રજામાં ભાજપા પ્રત્યે અવિશ્વાસ થઇ ગયો છે. જીડીપીનો દર ઘટ્યો છે તે રીતે ભાજપાનો દર ઘટવા લાગ્યો છે. તો આ સમય દરમ્યાન જ ઝારખંડની ચૂંટણી ચાલી રહી હતી જેમાં ભાજપાએ એક પ્રાદેશિક પક્ષને ઠુકરાવતા ભાજપાને ભારે હાર મળી છે અને પ્રજાએ પણ પોતાનો વિરોધ દર્શાવી દીધો છે. ભાજપાના નેતાઓ આ બાબતને સમજશે કે કેમ….?
એક સમયે દેશમાં ભાજપા માટે પ્રજાકિય ગ્રાફ 68% ધરાવતો હતો તે ભાજપાનો ગ્રાફ નીચે ઊતરી જતાં 43 ટકા સુધી જ મર્યાદિત થઈ ગયો છે. જે હજુ પણ નીચે ઉતરશે તેવું રાજકીય તજજ્ઞોનું માનવું છે. સીએએ અને એનસીઆર મુદ્દે સરકારે લોકોને સમજાવવા અભિયાન શરૂ કર્યું છે. તો બીજી તરફ વિરોધને કચડી નાખવા ધરપકડનો દોર શરૂ કરી દીધો છે જેથી આમ પ્રજામાં ડર પેસી જાય….! ત્યારે બીજી તરફ ખુદ મોદીજી સહિતના વિવિધ રાજ્યોના ભાજપાના નેતાઓએ આ કાયદા તરફી રેલીઓ શરૂ કરી દીધી છે. પરંતુ રેલીમાં જોડાનાર અનેક લોકો રેલીમાં જોડાવાનું કારણ જાણતા નથી…..! તે પણ હકીકત છે. ત્યારે એનઆરસી વિરુદ્ધ આંદોલન લાંબુ ચાલશે તો જ પરિણામ મળશે તેવું સામાન્ય લોકોનું માનવું છે. પરંતુ આંદોલન લાંબુ ચાલશે કે કેમ….? એ મોટો સવાલ છે. કારણ કે વિરોધ પક્ષમાં દેશની પ્રજામાં મોદીજીની જેમ કોઈ સર્વ સ્વિકૃત નેતા નથી… હવે આવનાર સમય બતાવશે એનસીઆરનું ભવિષ્ય…..!?!
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.