Home ગુજરાત ભાઇશ્રી ટ્રમ્પ, તમે દર મહિને ભારતની મુલાકાતે આવો તો કેવું…?!

ભાઇશ્રી ટ્રમ્પ, તમે દર મહિને ભારતની મુલાકાતે આવો તો કેવું…?!

522
0

ટ્રમ્પભાઇને સવાલ એટલા માટે કે તેમની મુલાકાતથી સૂકાભઠ રણ સમાન વિસ્તારમાં રાતોરાત વન ખીલી ઉઠે છે…!
3 કલાકના કાર્યક્રમના પાછળ 130 કરોડનો ખર્ચ તો માત્ર રોડ-રસ્તા-વૃક્ષો માટે ખર્ચાશે…
ભાજપત્રસ્ત લોકો કહે છે- ટ્રમ્પ મેડલ આપવાના છે….?!
દર મહિને ટ્રમ્પ આવે તો દર મહિને એકાદ શહેર તો રળિયામણું બને….!!
અમેરિકામાં આવું કંઇ થયું હતું ખરૂ હાઉડી મોદી વખતે…..? ત્યાંના રોડ-રસ્તા-ગટરો સાફ સુથરી કરવામાં આવી હતી ખરી..
(જી.એન.એસ,પ્રવિણ ઘમડે,ધવલ દરજી),તા.૧૫
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પાવરફુલ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી મોટી લોકશાહી ધરાવનાર ભારતની 24-25 ફેબ્રુઆરીએ બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. 24 ફેબ્રુઆરીની આ મુલાકાત આમ તો અમેરિકામાં આ વર્ષે યોજાનાર પ્રેસિડન્ટની ચૂંટણીમાં અમેરિકામાં રોજી-રોટી માટે ગયેલા એનઆરઆઇ અને એનઆરજીના મતો મેળવવા માટેની હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને ત્યાં વસતા ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે હોવાથી તેઓ ગુજરાતના અમદાવાદમાં પણ આવી રહ્યાં છે. એક પંથ દો કાજની જેમ સાથોસાથ દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું પણ તેઓ ઉદઘાટન કરશે અને આ જ સ્ટેડિયમમાં આયોજિત કેમ છો ટ્રમ્પ…..એટલે કે હાઉડી ટ્રમ્પ……કાર્યક્રમમાં ખાસ મહેમાન બનવાના છે. ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે( આમ તો પેલા મતો મેળવવા માટે) તાજેતરમાં અમેરિકામાં હાઉડી મોદી….નો કાર્યક્રમ યોજ્યો હતો. પહેલા હાઉડી મોદી અને હવે હાઉડી ટ્રમ્પ…..!!
ભલે પધાર્યા ડોનાલ્ડભાઇ……ગાંધીના ગુજરાતમાં આપનું ભાવભીનુ સ્વાગત છે. પધારો મારા દેશ…..! પણ ટ્ર્મ્પભાઇ, તમને એક વિનંતી કરીએ તો….? શું તમે દર મહિને ભારતની મુલાકાતે ના આવી શકો….? શું કહ્યું…..? કેમ….? તો એનું કારણ એ છે કે જે તંત્ર રસ્તા પર પડેલા સામાન્ય દબાણો દૂર કરવામાં મહિનાઓ અને વર્ષો લગાવતા હતા તેઓ હવે રાતોરાત રણમાં મહેલ ઉભુ થઇ જાય એ ઝડપે જ્યાં જ્યાંથી ટ્રમ્પભાઇ પસાર થવાના છે એ તમામ રસ્તાઓને અરીસાની જેમ ચકાચક અને રંગરોગાન સાથે એવા બનાવ્યાં કે મોટેરાની આસપાસ રહેતા અને નાગરિક સુવિધાથી વંચિત લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ભગવાન માની રહ્યાં છે. કેમ કે તેમના આખા વિસ્તારમાં રસ્તાઓ- ફૂટપાથ-ટ્રાફિક વ્યવસ્થા-રસ્તાની હન્ને તરફ લીલોતરી-હરિયાળી અને ટ્રમ્પભાઇ ભારતની સોરી…વાયબ્રન્ટ ગુજરાતની ગરીબી જોઇ ના જાય એટલે તેમના પસાર થવાના રસ્તાની બાજુમાં આવેલા ઝૂંપડાઓની વસાહતને ઉંચી દિવાલો બાંધીને ઢાંકવાનો જે પ્રયાસ થયો તેની ભલે ટીકાઓ થતી હોય પણ આ ગરીબો પાકી દિવાલ બનાવી આપવાની માંગણી ક્યારનાય કરતાં હતા તે માંગણી ટ્રમ્પને કારણે પૂરી થઇ….!!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ પ્રથમ ભારતીય મુલાકાત છે પરંતુ અમદાવાદ અને અમદાવાદની બહાર વસતા લોકોને નવાઈ પમાડે તેવી ઘટનાઓ આજકાલ ટ્રમ્પ ઇફેક્ટને કારણે અમદાવાદમાં બની રહી છે….! જે રીતે બીજા દેશના રાષ્ટ્રપતિની આગતા-સ્વાગતા માટે રાજ્યની ભાજપ સરકાર અને તેનું આખું તંત્ર ખડેપગે રહીને રાતોરાત ટ્રમ્પને સ્વચ્છ ગુજરાત અને સમૃદ્ધ ગુજરાત બનાવવાની જે બનાવટી કલાના દર્શન કરાવ્યાં તે ખરેખર સલામને પાત્ર છે…..બિચ્ચારા નાગરિકો જે રોડ-રસ્તાઓ માટે આંદોલનો કરે…. કલેકટર મહાશયને આવેદન પત્રો આપતા આપતા થાકી જાય છતાં પણ તેનો કોઈ નિકાલ નથી આવતો અને પ્રજામાં આક્રોશ ફેલાય તો પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. અને સરકારી અધિકારીઓ પોતાનો રૂઆબ બતાવી પ્રજાને ધમકાવે છે પરંતુ ખરેખર બીજા દેશના રાષ્ટ્રપતિ કે જેઓ આપણા મહેમાન તો છે પણ તેના માનપાનમાં આટલી બધી કાળજી શા માટે? શું ટ્રમ્પ સારી કામગીરી માટેનો મેડલ આપવાના છે….? શું ખરેખર આ ભાજપ સરકાર માટે રાજ્યના સાડા છ કરોડ કરતાં પણ વધારે મુલ્યવાન છે ડોનાલ્ડ ટ્રમ્પ? ભાઇ, થોડીક તો શરમ કરવી જોઈએ કે નહીં પ્રજા થકી ચૂંટાયેલી સરકારે અને સ્થાનિક વહીવટી તંત્રે….?
ભારતના વડાપ્રધાન હાઉડી માટે ગયા અથવા વિશ્વના કોઇપણ દેશના મહાનુભાવ અમેરિકાની મુલાકાત લે ત્યારે અમદાવાદની જેમ ત્યાં રાતોરાત નવા રસ્તા થાય છે….? રંગરોગાન થાય છે કે કર્યા હતા….? કે રાતોરાત નવા વૃક્ષો ઉગાડ્યા હતા ખરા….? આવા કોઇ અહેવાલ ત્યાંના મિડિયાએ આપ્યા હતા ખરા….?
જો ડોનાલ્ડ ટ્રંપના આગમનથી અમદાવાદના ગંદા-ગોબરા, બિસ્માર, તૂટેલા ફૂટેલા રોડ- રસ્તા- ગટર વગેરે.. વગેરેની લાઈનો છૂમંતર…..ખુલ જા સીમ…સીમ…ની જેમ સ્વચ્છ થઈ જતી હોય તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દર મહિને ગુજરાત સહિત દેશના એક-એક રાજ્યની મુલાકાત લેવી જોઈએ જેથી કરીને ત્યાં સ્થાનિક કક્ષાએ જે તે શહેર એકદમ સ્વચ્છ હરીયાળુ અને રોશનીથી ઝળહળી ઉઠે તો સ્થાનિક લોકોને પણ સ્વચ્છતાના દર્શન થાય અને સ્થાનિક લોકો પણ ટ્રમ્પભાઇને કહે-વેલકમ….ભલે પધાર્યા….વડકમ….ઓયે બલ્લૈ….હાઉડી ટ્રમ્પ…..!! ટ્રમ્પભાઇની અમદાવાદની 3 કલાકની મુલાકાત પાછળ 130 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઔડા-અમ્યુકો અને સરકારનો સમાવેશ થાય છે. એટલે એક કલાક પાછળ અંદાજે 40 કરોડ કરતાં વધારે….!
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી માનો તો ગંગા મા અને ન માનો તો બહતા પાની….એવી મેલી ગંગામૈયાને સ્વચ્છ બનાવવાનું અને હાથમાં ઝાડૂ લઇને (જો કે આપ પાર્ટીના ઝાડૂએ ભાજપના સૂપડા સાફ કર્યા એ અલગ વાત છે….!)દેશને સ્વચ્છ બનાવવાનું બીડું ઉઠાવ્યું છે કરોડો રૂપિયા બજેટમાં ફાળવાયા છે પરંતુ તેનું કેટલુ નક્કર પરિણામ મળ્યું એ તો લોકો જોઇ રહ્યાં છે. ન તો ગંગા નદી સાફ થઈ ન તો આપણા ભારત દેશને પાંચ વર્ષમાં સંપૂર્ણ સ્વચ્છ કરવામાં સરકાર સફળ રહી. પરંતુ એક દેશના રાષ્ટ્રપતિ માટે જે રીતે ગુજરાતની ભાજપ સરકાર કરોડો રૂપિયાનો બેફામ ખર્ચ કરી રહી છે ત્યારે મોટેરામાં વસતા કોઇ નાગરિક કે પછી ચકાચક રસ્તા અને રસ્તાની બન્ને બાજુ રાતોરાત ઉગેલા હરિયાળા વૃક્ષોને જોઇને બસ એક જ સવાલ મનમાં થાય છે કે તેમના માટે ડોનાલ્ડ ટ્રમ્પ વધુ મહત્વના કે ભાજપને સત્તાની ખુરશી સુધી પહોંચાડનારા ગરવી ગુજરાતના ગરવા અને ગર્વિષ્ઠ મતદારો…? સમજદાર કો ઇશારા કાફી…જો ના સમજે વો અનાડી…..
વિશ્વમાં દરેક લોકોને ખબર છે કે ભારત એક ગરીબ દેશ છે. આ ગરીબ દેશે 3 હજાર કરોડના ખર્ચે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા બનાવી ત્યારે બ્રિટનના રાજકારણમાં અને ભારતને આર્થિક મદદ કરનારા દેશોમાં તેની ચર્ચા થઇ કે શું ભારત ખરેખર ગરીબ છે….? ભારતમાં ગરીબી રેખા હેઠળ જીવનારા લોકો વધુ છે પરંતુ આશ્ચર્યજનક સમાચાર એ છે કે જે રૂટ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી પસાર થવાના છે તે રૂટ પર અમદાવાદ અને ગાંધીનગરને જોડતા ઇન્દિરા પુલના અમદાવાદ તરફના ખૂણે ઝુંપડપટ્ટી છે. આ વિસ્તારમાંથી આ બંને નેતાઓ પસાર થવાના છે પરંતુ તેમને આ ગરીબોની ઝુંપડી ન દેખાય તે માટે સ્થાનિક તંત્ર એ ઝૂંપડપટ્ટી ઢાંકવા માટે દિવાલ બનાવવાનું શરમજનક કૃત્ય કર્યું છે ત્યારે એક સવાલ ઉભો થાય છે કે આ સરકાર માટે ટ્રમ્પ મહત્વના છે ભાડ માં જાય ગરીબ……? આવી બેવડી નીતિ છે મોદી અને રૂપાણી સરકારની. જો એક બહારના રાષ્ટ્રપતિ માટે તમને ગરીબ અને ગરીબાઇ નડતી હોય તો આ દેશમાંથી ગરીબી હટાવી દો ને….? તમારે ટ્રમ્પના બે થી ત્રણ કલાક ના પ્રવાસ માટે અધધધ…કરોડો રૂપિયા ક્યાં ખર્ચવાની જરૂર છે…..? જો આટલો બધો ખર્ચો એક વ્યક્તિના કાર્યક્રમ પાછળ કરવો એના કરતાં તો મોદી સરકારે સંસદ માં એક બિલ પસાર કરાવે અથવા તો બજેટ માં અલગથી ટ્રમ્પના પ્રવાસ માટે કરોડો રૂપિયા ફાળવે અને સરકાર નક્કી કરે કે કે તેઓ દર મહિને ભારતની મુલાકાતે આવશે અને કોઈ પણ એક રાજ્યની મુલાકાત લેશે જેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. તો જે તે રાજ્યનું શહેર એકદમ સ્વચ્છ અને સુંદર રળિયામણું જેના રોડ,રસ્તા,ગટર લાઈન,રાતો રાત વૃક્ષો ઉગી જાય જેવી તમામ સુવિધાઓ એક અઠવાડિયા માં ઉભી કરી દેવામાં આવે છે જે માટે તંત્ર રાત દિવસ મેહનત કરે છે અને સરકારી અધિકારીઓ થાક્યા વગર આ કાર્યક્રમ ને સફળ બનાવવા મેહનત કરે છે પરંતુ ઉલટાનું જો આ જ રીતે તેઓ નિષ્પક્ષ થઈને પ્રજા ના કામ માટે મેહનત કરો તો શહેર,રાજ્ય તથા દેશ કેટલો પ્રગતિ કરે તેની ફક્ત એક કલ્પના કરવી રહી…..!
ડોનાલ્ડ ટ્રમ્પ ની ભારત મુલાકાતથી આપણાં દેશને શું ફાયદો થશે તે તો સમય જ બતાવશે પણ એક વાત નક્કી છે કે જે રીતે દેશ ની અર્થવ્યવસ્થા કથળી રહી છે, દેશમાં મંદી નો માહોલ છે,દેશના યુવાનો બેરોજગાર થતા જાય છે ત્યારે આ બધું ધ્યાન બીજે-ત્રીજે વાળવા માટે મોદી સરકાર નો કોઇ પ્લાન તો નથી ને?? ટ્રમ્પને સારૂ લગાડવા અમેરિકા સાથેના વેપારમાં ત્યાના ડેરી ઉત્પાદન માટે ભારતના દરવાજા ખોલવાની વાત ચાલે છે. અને જો તેમ થશે તો આણંદથી અમૂલે જે વિદેશી ડેરી કંપનીઓને તેમના દેશ ભેગા કરી દીધી એ અમૂલની સામે વિદેશી પ્રોડક્ટ આવશે ત્યારે ભલે અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા….પણ અન્ય ડેરી ઉત્પાદનોમાં વિદેશને ફાયદો કરાવશે ઇન્ડિયા…..!! તેરા ક્યા હોગા અમૂલ….??
અમેરિકા માં આગામી સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ટ્રમ્પ ફરી એક વાર રાષ્ટ્રપતિ બનવાના સપના જોઇ રહ્યાં છે ત્યારે ભલે જુએ પણ જીત્યા પછી પણ એકવાર પધારજો મારે ગામ……કારણ કે હેં…..ટ્ર્મ્પભાઇ……તમારી એક મુલાકાતથી લોકોને રાતોરાત સારામાં સારી સુખ સુવિધા અમારા જ મતોથી ચૂંટાયેલી સરકાર દ્વારા મળે છે…..જે સુખ સુવિધા માટે તેમને લડતો ચલાવી હોય અને આંદોલનો કર્યા હોય છતાં ન મળી હોય…..!
ટ્રમ્પભાઇની ગુજરાત અને અમદાવાદ મુલાકાતને લઇને સોશ્યલ મિડિયામાં હળવાશથી કેટલાક વ્યંગ ચાલી રહ્યાં છે. એક જણે લખ્યું-અમદાવાદના પિરાણા વિસ્તારમાં કચરાનો મોટો પ્રદૂષિત ડુંગર છે. જો ટ્રમ્પભાઇ એમ કહે કે મારે એ વિસ્તારમાંથી પસાર થવાનું છે કે પિરાણા જોવા જાવુ છે તો આ જ તંત્ર કે જે ફૂટપાથ પરનો એક તગારા જેટલો કચરો પણ ઉઠાવવામાં દિવસો લગાવે તેઓ રાતોરાત કચરાનો ડૂંગર સાફ કરી નાંખે…!! જય હો….પ્રશાસનમાં કામ કરવાની ધગશ નથી એવું નથી પણ કામ કરવુ નથી એટલે પછી બહાનાબાજી ચાલ્યા કરે…….ચાલ્યા કરે…લક્સ કોઝી બનિયાન કી તરહ…..!!
જે રીતે ટ્રમ્પના આગમન – સુસ્વાગતમ્ અને વિદાયમ્ માટે પોલીસને ખડેપગે રાખવામાં આવી છે તે જોતા એવું લાગે છે કે આટલી સુરક્ષા રાજ્ય ના નાગરિકો માટે રાખવા આવે તો…? બળાત્કાર,ચોરી,મર્ડર,લૂંટફાટ સહિત ના ગુનાઓ ઓછા થઇ જાય.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફેબસા-૪ ફેરમાં 300 કરોડ કાપડનો થશે બિઝનેશ, અનેક પ્રસિદ્ધ બ્રાન્ડના વેપારીઓ ઉમટ્યા
Next articleઅલ્પેશ ઠાકોર ફરી બગાવતનાં મુડમાં..?!! આમ આદમી પાર્ટીમાં જોડાવાના એંધાણ