અમદાવાદ હાટ ખાતે તા.૧૫ થી ૧૯ નવેમ્બર, ૨૦૨૪ સુધી ‘પરંપરાગત
આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળો’ યોજાશે
(જી.એન.એસ)તા.૧૨
અમદાવાદ,
ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર દેશના આદિવાસી સમાજના મસીહા – ભગવાન બિરસા મુંડાની ગુજરાત સહિત દેશભરમાં તા.૧૫મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી વિવિધ સ્વરૂપે ઉજવાઈ રહી છે. બિરસા મુંડાનો જન્મદિવસને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ નિમિત્તે અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લાના હસ્ત કલાકારો તેમણી અમૂલ્ય હસ્તકલા-કૃતિઓને એક સાથે પ્રદર્શિત કરશે. જે અંતર્ગત અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે તા. ૧૫ થી ૧૯ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આદિજાતિ વિસ્તાર સર્વાંગી વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના સતત પ્રયાસો થકી આદિજાતિ વિસ્તારમાં પરિણામલક્ષી પરિવર્તન લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં આદિવાસી વિસ્તારની હસ્તકલા-કૃતિઓ, પરંપરાગત આદિવાસી આહાર સ્ટોલ્સ, સાથે જ ખેત ઉત્પાદન, ગૌણવન પેદાશોને તેમજ વન ઔષધિઓને વેચાણ-પ્રદર્શન માટે મુકવામાં આવશે, જે આ મેળાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે. ગુજરાતના પૂર્વ પટ્ટામાં આવેલા આદિજાતિના ૧૪ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કુલ ૫૪ તાલુકાઓના હસ્ત કલાકારો અમદાવાદ ખાતે યોજાનાર આ વેચાણ અને પ્રદર્શન મેળામાં સહભાગી થશે. નાગરિકો આ મેળાની બપોરે ૦૨ થી રાત્રિના ૧૦ કલાક સુધી મુલાકાત લઇ શકશે. ઉપરાંત દરરોજ રાત્રિના ૮:૩૦ થી ૯:૩૦ કલાકે પ્રસિદ્ધ આદિવાસી નૃત્ય કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.