પ્રતિવર્ષે યોજાતી વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા. 16 ડિસેમ્બરે ન્યાય મંદિર કોર્ટ ખાતે યોજાઈ હતી. આ ચૂંટણીમાં મતદાન પૂરું થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મત ગણતરી દરમિયાન બેલેટ પેપર ગુમ થતાં પરિણામ ઘોંચમાં પડ્યું છે. જોકે, સમર્થકો દ્વારા પ્રમુખ પદે નલિન પટેલ સહિત અન્ય હોદ્દાના ઉમેદવારોને વિજેતા જાહેર કરી વિજયોત્સવ મનાવવાનું શરૂ કરી દીધું હતું. બીજી બાજુ પ્રમુખના ઉમેદવાર હસમુખ ભટ્ટે બેલેટ પેપર ગુમ થયા હોવાનો આક્ષેપ મૂકી પ્રમુખ પદની ચૂંટણી રદ્દ કરવાની માંગણી કરતી લેખિતમાં રજૂઆત ચૂંટણી કમિશનરને કરી હતી. મુખ્ય ચૂંટણી કમિશનરે જ્યાં સુધી બેલેટ પેપર વેરીફાઈ નહીં થાય ત્યાં સુધી પ્રમુખ સહિત અન્ય હોદ્દાના પરિણામ જાહેર ન કરવાનો નિર્ણય લીધો હતો.
વડોદરા વકીલ મંડળમાં 3200 જેટલા વકીલ મતદારો છે. વડોદરા વકીલ મંડળની યોજાનાર ચૂંટણીમાં પ્રમુખ, ઉપ-પ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ટ્રઝરર, લાઇબ્રેરીયન તેમજ 10 કમિટી સભ્યો માટે 35 જેટલા વકીલ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. તા. 16મીના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી હરીભક્તીની દેખરેખ હેઠળ મતદાન થયું હતું. 3200 વકીલો પૈકી 2423 વકીલ મતદારોએ મતદાન કર્યું હતું. મતદાન બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતદાન બાદ મુખ્ય ચૂંટણી કમિશનર હરીભક્તીની દેખરેખ હેઠળ મતગણતરી શરૂ કરવામાં આવી હતી. મતગણતરી દરમિયાન પ્રમુખના ઉમેદવાર નલિન પટેલ સહિત અન્ય હોદ્દાના ઉમેદવારોના સમર્થકોએ અધૂરી મતગણતરીએ વિજેતા જાહેર કરી વિજયોત્સવ મનાવવાની શરૂઆત કરી દીધી હતી.
બીજી બાજુ ચૂંટણી કમિશનર સત્તાવાર પરિણામ જાહેર કરે તે પહેલાં પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટે મતગણતરી દરમિયાન બેલેટ પેપર ગુમ થયા હોવાનો આક્ષેપ મુકીને પ્રમુખ પદનું પરિણામ સ્થગિત કરવા માટે ચૂંટણી કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટે ચૂંટણી કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, ચૂંટણી કમિશનરે પક્ષપાત કરીને બેલેટ પેપર ગુમ કરાવી દીધા છે. મતગણતરી પૂરી થાય તે પહેલાં જ મતગણતરી સ્થળ છોડીને ચાલ્યા ગયા છે. ચૂંટણી કમિશનરને ખુદ કેટલું મતદાન થયું છે તેની ખબર નથી, ત્યારે આ ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતી કરવામાં આવી છે.
જેથી પ્રમુખ પદની ચૂંટણી રદ્દ કરવા માંગણી છે. મુખ્ય ચૂંટણી કમિશનરે પ્રમુખ પદના ઉમેદવારે આપેલી લેખિત ફરિયાદને ગંભીરતાથી લઇ એવો ઓર્ડર કર્યો હતો કે, જ્યાં સુધી બેલેટ પેપર વેરીફાઈ ન થાય ત્યાં સુધી પ્રમુખ સહિત તમામ હોદ્દાઓનું પરિણામ જાહેર કરવામાં આવશે નહીં. જોકે, ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા ચૂંટણી કમિશનર સમક્ષ પુનઃ ચૂંટણી કરવાની માંગ કરવામાં આવી હતી. પરિણામને લઇ આક્ષેપો-પ્રતિઆક્ષેપો પણ થયા હતા.
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખના હોદ્દા માટે વર્તમાન પ્રમુખ નલિન પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ, ઉપ-પ્રમુખના એક હોદ્દા માટે રાહુલ ભટ્ટ, નિલકરાવ ભાસ્કર, રાજેશ ધોબી, જનરલ સેક્રેટરીના એક હોદ્દા માટે હર્ષદ પરમાર, રીતેષ ઠક્કર અને બિરેન શાહ, જોઇન્ટ સેક્રેટરીના હોદ્દા માટે નેહલ સુતરીયા અને મયંક પંડ્યા, ટ્રેઝરરના હોદ્દા માટે નિમીષા ધોત્રે અને અનીલ પૃથ્વી, લાઇબ્રેરીયનના હોદ્દા માટે દક્ષય ભટ્ટ, જેમ્સ મેકવાન અને પરવેઝ વોરા ચૂંટણી મેદાનમાં હતા. જ્યારે 10 કમિટી સભ્યોના હોદ્દા માટે 20થી વધુ વકીલ ઉમેદવારો સહિત આ ચૂંટણી જંગમાં 35 જેટલા વકીલ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.