Home જનક પુરોહિત બાપુ છેડા છુટકો કરે , તો ખબર પડે કે કેટલી ટિકીટો બચશે

બાપુ છેડા છુટકો કરે , તો ખબર પડે કે કેટલી ટિકીટો બચશે

732
0

રાજીવ ગાંધી ભવનના બીજા માળે મુલાકાતીઓ માટેના સ્ટીલના બાકડા પર બેસી દોઢડાહ્યો કોંગ્રેસના કેટલાંક કાર્યકર મિત્રો સાથે સંવાદ કરી રહ્યો હતો. એક કાર્યકરે નિઃસાસો નાખતા કહ્યું “ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ફરી પાછી ઠેલાઈ ગઈ છે હવે ચેક છેલ્લી ઘડીએ ટિકીટો ફાઈનલ થશે. ઉઘરાણા કરવાની પુરતી તક જ નહિ મળે ”. અન્ય કાર્યકરે કહ્યું “ જાણે તારી ટિકિટ પાકી હોય એમ તૂતો વાતો કરે છે જો તને ખાતરી જ હોય કે ટિકિટ મળવાની જ છે તો અત્યારથી જ ઉઘરાણું ચાલુ કરીદે ને ”.
દોઢડાહ્યા એ પૂછ્યું કે આટલો વિલંબ કેમ થઇ રહ્યો છે ? તો જવાબ મળ્યો “ અરે ભાઈ , આ બાપુ છેડા છુટકો કરે તો ખબર પડે ને કે કેટલી ટિકીટો બચશે જ્યાં સુધી નક્કી ના થાય કે બાપુ જવાના છે , રોકવાના છે , જવાના છે તો એકલા જશે કે આખું ટોળું લઇ જશે , ટોળા માં કાર્યકરો હશે કે ધારાસભ્યો. આ બધા પ્રશ્નો અત્યારે અનુત્તર છે. જો પાંચ દસ ધારાસભ્યો બાપુ સાથે જવાના હોય તો એટલી ટિકીટો પક્ષના અન્ય ટિકિટ વાંછું ને આપી શકાય અને થોડી નારાજગી દુર પણ કરી શકાય.”
એક નિરાશાવાદી કાર્યકરે કહ્યું “ રાહ જોયા કરો નારાજગી દુર થાય તો એ કોંગ્રેસ પાર્ટી નહિ. ”
મકાન – દુકાનનું વાસ્તુ કરવું છે ? તો મુહુર્ત ભાજપ પાસે કાઢવો
પ્રગતિનગર ગાર્ડનમાં સવારની કવાયત – યોગ બાદ બાકડા પરિષદ શરુ થઇ. વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાના સમાચાર ઉપર એક નિવૃત અધિકારીએ કહ્યું “ સત્તાધારી પક્ષને સરકારી ખર્ચે પ્રચાર કરવા કેટલી વ્યાપક તકો મળે છે તેનું આ ઉદાહરણ છે ચુંટણી જાહેર થયાં બાદ પણ વડાપ્રધાન ગુજરાતના ચુંટણી પ્રવાસે તો આવશે જ , પણ તેમાં બધો ખર્ચ ભાજપ પાર્ટીએ કરવો પડશે અત્યારે આપના નરેન્દ્રભાઈ દર મહીને બે દિવસ ગુજરાતમાં આવે છે આ પણ ચુંટણી પ્રચારનો જ એક ભાગ છે આમ છતા કરોડો રૂપિયાનો તમામ ખર્ચ સરકાર કરે છે. ”
એક શિક્ષક મિત્રે કહ્યું “ એટલે તો કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન ના પ્રવાસ દરમિયાન વિરોધના કાર્યક્રમ કરે છે. ”
તો અન્ય મિત્ર એ કહ્યું “ હવે તો આપણા નરેન્દ્રભાઈ દર શનિ રવિ ગુજરાતમાં આવવા લાગે તો પણ નવી નહિ. ”
દોઢડાહ્યા એ પૂછ્યું “ દર શનિ રવિ આવીને કરશે શું ? ” તો જવાબ મળ્યો તમારે મકાન કે દુકાનનું વાસ્તુ કરાવવું હોય તો ભાજપ કાર્યાલયને જાણ કરજો આપણા નરેન્દ્રભાઈ ના મુહુર્ત મુજબ તેવો તારીખ આપશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉદઘાટન કરી જશે અને આખો દેશ જાણશે કે તમે પણ ગુજરાતના વિકાસ માં બહુ મોટું યોગદાન આપ્યું છે.”
આશ્વાસન અને આશિર્વાદ આપવા જ સંજય જોશી આવે છે
ખાનપુર ભાજપ કાર્યાલયની સામે ચોળાફળી અને તિખ્ખી ચટણીની લહેજત માણતા એક કાર્યકરે સીસકારા સાથે પુછ્યું “ અલ્યા, આ સોશિયલ મીડિયાના સમાચાર સાચા હશે ? ” અન્ય કાર્યકરો એ સાથે પૂછ્યું “ કયા સમાચાર ? ” જવાબ મળ્યો “ કે નેક્ષ્ટ સી.એમ. સંજય જોશી હશે ? ”
એક પીઢ કાર્યકરે કહ્યું “ મને સંજય જોશી માટે ઘણો આદર છે. પણ આટલા વર્ષ સુધી ભાજપ નેતાગીરીએ જે પ્રકારે તેમને કિનારાથી પણ દુર રાખ્યા છે, તે જોતા આ સમાચાર માત્ર સંજયભાઈના કોઈ પરમભક્તનું ગતકડું જ છે. ”
દોઢ ડાહ્યા એ કહ્યું “ એમતો ગુજરાતમાં સંજયભાઈ જોષીના સમર્થક કાર્યકરો બહુ મોટી સંખ્યામાં છે. અને સંજયભાઈ અવાર નવાર સમર્થકોને મળવા માટે આવે છે. ૨૦૧૯ ની લોકસભા ચુંટણીમાં ફરી તમામ બેઠકો જીતવી હોય તો સંજય જોષી ને મુખ્યમંત્રી બનાવવામાં કશું ખોટું નથી. ”
અન્ય કાર્યકરે કહ્યું “ ઈ બધું જવાદો ઈ તો ક્યારેય શક્યા બનવાનું નથી. હા, સંજય જોષી ગુજરાતમાં જ નહી, દેશના તમામ રાજ્યોમાં જાય છે. પણ તેમને એક જ કામ હોય છે આશ્વાસન અને આશિર્વાદ આપવાના. કોઈ કાર્યકરના ઘરે સ્વજનનું અવસાન થયું હોય તો તે પરિવારને આશ્વાસન આપવા જવાનું અને કોઈ પરિવારમાં લગ્ન પ્રસંગ આવ્યો હોય અને સંજયભાઈ ને કંકોત્રી મોકલી હોય તો ગમે ત્યારે આશિર્વાદ આપવા આવી જાય છે. ”
ભાજપમાં કોઈ સભ્ય સીટીંગ હોતા નથી, મોટાભાગના સ્ટેન્ડિંગ, કોઈ કોઈ સ્લીપિંગ અને બે નેતા ફ્લાઈંગ હોય છે
સચિવાલયની લોબીમાં સૌરાષ્ટ્રના એક ભાજપી ધારાસભ્ય સાથે દોઢ ડાહ્યા એ રાજકીય સંવાદ કર્યો. ચુંટણીની તૈયારી અને ટિકિટ અંગે વાત નીકળી. દોઢ ડાહ્યા એ પૂછ્યું કે “ કોંગ્રેસ તો સીટીંગ ધારાસભ્યોને ટિકિટ મળશે જ એવી ખાત્રી આપી છે. ભાજપમાં સીટીંગ માંથી દરેકને ટિકિટ મળે જ એવું નથી ? આ વખતે તો કાપકૂપ ની જ ચર્ચા ચાલે છે. ”
ધારાસભ્ય એ તેમના કાઠીયાવાડી લહેકામાં કહ્યું “ જુઓ ભાઈ, અમારા ભાજપમાં કોઈ સભ્ય સીટીંગ હોતો જ નથી.  મોટાભાગના સ્ટેન્ડિંગ હોય છે અને એકાદ બે અમારા આદરણીય નેતા શ્રી ફ્લાઈંગ હોય છે. હું હમજ્યા ? કોંગ્રેસમાં ધારાસભ્યો સીટીંગ હોય છે. ઉભા થતાં જ નથી અને જેવાં ઉભા થઇ જાય કે રાઘવજી પટેલ જેવાં થાય એટલે કોંગ્રેસના સ્લીપિંગ નેતા જાગી જાય છે. એટલે મારું કેવું ઈ છે કે કોંગ્રેસના સ્લીપિંગ નેતા ઊંઘમાં કહી દે કે તમતમારે ચિંતા નો કરતાં હવ ને ટિકિટુ મળી જશે. પણ ભાઈ અમારે ભાજપમાં એવું નથી. જેમણે ટિકિટુ આપવાની છે ને એ નેતાઓ તો ઉંઘતા જ નથી હોતા. અને સ્ટેન્ડિંગ ધારાસભ્યોને ગમે ત્યારે માર્ચપાસ્ટ , રનીંગ કે લાંબા કુદકા ના આદેશો આપીને જાગતા જ રાખે છે . એમાં જે સભ્યએ હુકમ મળતાં જ માર્ચપાસ્ટ શરુ કરી દીધી હોય એને ટિકિટ મળી જશે. જેને વાર લાગી હશે ઈ કપાઈ જાહે. એટેલે સીટીંગ બીટિંગ છોડો અમારે એવું કાંઈ નથી. ”
‘ બાપુ સામે શિસ્ત ભંગના પગલા લેવાની માંગણી ’ તો તો બાપુ બે ચુંટણીઓ સુધી કોંગ્રેસમાં જ હશે ….
છાપામાં એક સમાચાર આવ્યા , કે શંકરસિંહ બાપુના ઉચ્ચારણો હાઈ કમાન્ડને અપમાનિત કરનારા છે. આ ઉચ્ચારણોને શિસ્તભંગ ગણી ને તાકીદે પગલા લેવા કેટલાંક અગ્રણી કાર્યકરોએ હાઈ કમાન્ડ ને મેઈલ કાર્ય છે.
આ સમાચાર અંગે કોંગ્રેસના એક નેતા સાથ ફોન પર સંવાદ થયો. કોંગ્રેસના નેતા એ પ્રથમતો લાંબુ ખડખડાટ હાસ્ય વેર્યું. પછી કહ્યું જો આખો મુદ્દો શિસ્તભંગ ઉપર કેન્દ્રિત થઇ જાય, તો બાપુ ૨૦૧૭ , ૨૦૧૯ અને ૨૦૨૨ ની ચુંટણી સુધી કોંગ્રેસમાં જ રહેશે એ નિશ્ચિત થઇ જશે. દોસ્ત , કોંગ્રેસમાં ક્યારેય કોઈ નેતા સામે શિસ્તભંગ ના પગલા લેવાયાનું યાદ છે ખરૂં ! અરે જામનગરના ધારાસભ્યો આ મુદ્દે તો પક્ષ છોડવા તૈયાર થઇ ગયા છે. જામનગરના એક સીનીયર નેતા દરેક ચૂટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે. ધારાસભ્યો ત્રણ વર્ષથી રજૂઆત કરે છે છતા કોઈ પગલા લેવાતા નથી આ રોષના કારણે તો તેઓ પક્ષ છોડવા તૈયાર થઇ ગયા છે. હવે જો બાપુ સામે શિસ્તભંગના પગલા ભરવાની કોઈ માંગણી કરતુ હોય તો સમજી લેવાનું કે રજૂઆત કરનારા ઈચ્છે છે કે બાપુ કોંગ્રેસમાં જ રહે. અમારા કોંગ્રેસ પક્ષની આંતરિક લોકશાહી બહુ મજબુત છે કઈ પણ બોલો, કઈ પણ કરો તમને બધોજ અધિકાર છે. અચ્છા ત્યારે જય માતાજી”. આટલું કહી નેતા એ ફોન મૂકી દીધો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાસ ક્ન્વીનર હાર્દિક પટેલ સહિત ૫૧ પાટીદારોએ મુંડન કરાવી ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો
Next articleમોદીજી ગુજરાતમાં..રાજકોટ, અરવલ્લી-ગાંધીઆશ્રમની લેશે મુલાકાત