સુરતની લાજપોર મધ્યસ્થ જેલ, બની શિક્ષણ મંદિર
બંદીવાનો દ્વારા દર મહિને આશરે ૨૨૦૦ થી ૨૫૦૦ પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે
(જી.એન.એસ) તા. 9
સુરત,
ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરીક શિક્ષણથી વંચિત ન રહે તેવું રાજ્ય સરકારનું હરહંમેશ આયોજન રહ્યું છે. તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બંદીવાન કેદીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે. જેલમાં પાકા કામના કેદીઓ જે ભણવાની જિજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મહાત્મા ગાંધી વિધાલય બનાવવામાં આવી છે. જેમાં અશિક્ષિત કુલ ૨૬૭ બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે, સાથોસાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ ૧૬ બંદીવાનોનું કાઉન્સેલીંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે.
મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ – ૨૦૨૪માં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી રૂ.૧૮ લાખના ખર્ચે “ડિજિટલ સ્માર્ટ ક્લાસ રૂમ” તૈયાર કરવામાં આવ્યા. ડિજિટલ સ્માર્ટ ક્લાસનું અનાવરણ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ જેલ ખાતે વર્ષ – ૨૦૨૪-૨૫માં ધો-૧૦ના ૧૬, ધો- ૧૨ના ૯ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટીફીકેટ કોર્ષમાં ૩૨ કેદીઓઓ મળીને કુલ ૫૭ બંદીવાનોએ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ જેલની શાળામાં વર્ષ ૨૦૨૨-૨૩ અને વર્ષ ૨૦૨૩-૨૪માં ધો ૧૦માં અને ધો ૧૨માં પરીક્ષાનું પરિણામ ૧૦૦% આવ્યું હતું.
આ વિદ્યાલયમાં બંદીવાન ભાઇ-બહેનોના સર્વાગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરૂષ અને મહિલા વિભાગ માટે અલગ-અલગ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લાઇબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઇસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં બંદિવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે, તે અંગેનું રેકર્ડ રાખવામાં આવે છે. વિદ્યાલયની લાઇબ્રેરીમાં કુલ ૧૮ હજારથી વધુ પુસ્તકો તેમજ કુલ ૮૬૪ મેગઝીન ઉપલબ્ધ છે. આ શાળામાં અભણ- નિરક્ષર અને વૃધ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવાં બંદિવાનો માટે જેલ ખાતે ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં કુલ-૨૦૬૨ જેટલાં બંદીવાનોએ ઓડીયો લાઇબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે.
ઉલ્લેખનીય છે કે, દર મહિને આશરે ૨૨૦૦ થી ૨૫૦૦ પુસ્તકોનું સરેરાશ વાંચન બંદીવાનો દ્વારા કરવામાં આવે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.