(GNS),14
અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’ છઠ્ઠી ઓક્ટોબરે થીયેટરમાં રીલિઝ થઈ હતી. જોકે એશિયન ગેમ્સ અને ક્રિકેટ વર્લ્ડ કપના ફીવરને કારણે હાલ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ આગળ વધી રહી છે. અક્ષય કુમારની તાજેતરની એક પછી એક ફ્લોપ ફિલ્મોથી નિરાશ થયેલાં તેના ચાહકોને આનંદ પમાડે તેવા અહેવાલમાં, મિશન રાનીગંજ ફિલ્મના નિર્માતાઓ આ ફિલ્મને વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવા ઓસ્કાર એવોર્ડ્ઝમાં મોકલી રહ્યાં છે. આ ફિલ્મ કોલસાની ખાણોમાં કામ કરતાં શ્રમિકોના રેસ્ક્યુની સત્ય ઘટના પર આધારિત છે. જેમાં જશવંત સિંહ ગિલે કેવી રીતે રાણીગંજની કોલસાની ખાણમાંથી 65 ખાણીયાઓને બચાવ્યા હતાં તેની દિલધડક રજૂઆત કરાઈ છે. ફિલ્મ મેકર્સે ‘RRR’ ફિલ્મની જેમ જ મિશન રાનીગંજને સ્વતંત્ર રીતે ઓસ્કાર એવોર્ડ્ઝ માટે મોકલવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઓસ્કાર એવોર્ડ્ઝ માટે ભારતમાંથી સત્તાવાર એન્ટ્રી તરીકે મલયાલમ ફિલ્મ ‘2018’ છે. જેની તાજેતરમાં જ જાહેરાત કરાઈ હતી.
આ ફિલ્મ કેરળમાં આવેલા વિનાશક પૂરની ઘટના પર આધારિત છે. આ ફિલ્મ ઓસ્કારમાં ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ્ઝની સ્પર્ધામાં છે. આ વખતે 96મો એકેડેમી એવોર્ડ્ઝ 10 માર્ચ, 2024માં લોન્સ એન્જેલસ ખાતે યોજાશે. આ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝના નોમિનેશનમાં હોલિવૂડની અને ભારતની કઈ ફિલ્મોને સ્થાન મળ્યું છે તેની જાહેરાત 23 જાન્યુઆરી, 2024ના રોજ કરાશે. 2022માં એસ.એસ. રાજામૌલીએ તેમની ફિલ્મ ‘RRR’ ને ઓસ્કારમાં મોકલી હતી, જેના સુપરહિટ ગીત નાટુ નાટુએ બેસ્ટ સોંગ કેટેગરીમાં ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે જ વર્ષે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને મોકલવામાં આવી હતી, જે ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં ઓસ્કારની શોર્ટ લિસ્ટમાં સામેલ થઈ હતી. દુનિયાભરના અભિનેતાઓ અને ફિલ્મ રસિયાઓ દર વર્ષે ઓસ્કાર એવોર્ડ્ઝની કાગડોળે રાહ જોતાં હોય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.