(જી.એન.એસ),તા.૦૧
મુંબઈ,
ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે દેશના ક્રિકેટર્સ માટે કેન્દ્રીય કરારની જાહેરાત કરી તેમાંથી ઇશાન કિશન અને શ્રેયસ ઐયરને બાકાત રાખ્યા હતા અને તમામ ક્રિકેટરે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમનું જોઇએ તેમ કારણ આપ્યું હતું. જેની સામે દેશભરમાંથી ભૂતપૂર્વ ક્રિકેટરના અલગ અલગ પ્રતિભાવ આવ્યા છે. જેમાં 1983ની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સદસ્ય કિર્તી આઝાદ અને ઓળરાઉન્ડર ઇરફાન પઠાણનો સમાવેશ થતો હતો.
ઇશાન કિશન અને ઐયરની બાદબાકીથી દેશના યુવાન ક્રિકેટર્સને એક આકરો સંદેશ મળ્યો છે કે તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું ફરજિયાત બની જશે. ઇરફાન પઠાણએ ઐયર અને કિશનને બાકાત રાખવાના નિર્ણય સામે સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે આ જ માપદંડ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સામે પણ અપનાવવો જોઇએ.
જ્યારે કિર્તી આઝાદે દરેક ક્રિકેટરે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઇએ તેવા બીસીસીઆઈના આદેશને ટેકો આપ્યો હતો પરંતુ સાથે સાથે જણાવ્યું હતું કે જો એમ જ હોય તો રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે પણ આ નિયમનો અમલ કરાવવો જોઇએ. બીસીસીઆઈએ બુધવારે જારી કરેલા કરારબદ્ધ ખેલાડીઓની યાદીમાંથી શ્રેયસ ઐયર અને ઇશાન કિશનને બાકાત રાખ્યા હતા પરંતુ 2018 પછી એકેય ટેસ્ટ નહીં રમેલા હાર્દિક પંડ્યાએ એ ગ્રેડનો કરાર આપ્યો હતો.
આ અંગે બોર્ડના નિર્ણય સામે સવાલ ઉઠાવતા ઇરફાન પઠાણે ટ્વિટર પર જણાવ્યું હતું કે જો હાર્દિક પંડ્યા જેવો ક્રિકેટર રેડ બોલમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવા માગતો ન હોય તો તેણે જ્યારે ભારત માટે રમતો ન હોય ત્યારે બોર્ડની લિમિટેડ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવો જોઇએ. જો આ નિયમ તમામ માટે લાગું પડતો ન હોય તો ભારતીય ક્રિકેટ ક્યારેય ઇચ્છીત પરિણામ હાંસલ કરી શકશે નહીં.
25 વર્ષીય ઇશાન કિશન ભારત માટે રમતો ન હતો તેમ છતાં તે સમગ્ર સિઝન દરમિયાન ઝારખંડ માટે એકેય રણજી મેચ રમ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાના પ્રવાસેથી પરત ફર્યા બાદ અંગત કારણ દર્શાવીને તે એકેય ડોમેસ્ટિક મેચ રમ્યો નથી. આમ કરવાને બદલે તે આઇપીએલની તૈયારી માટે ફોકસ કરી રહ્યો છે. તે હાલમાં મુંબઈ ખાતે ડી વાય પાટિલ ટી20 ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે અને હવે સીધો જ આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમનારો છે.
પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ બાદ ઇજાના કારણસર શ્રેયસ ઐયર ભારતીય ટીમમાં નથી અને હાલમાં તે બરોડા સામેની રણજી ટ્રોફી ક્વાર્ટર ફાઇનલ મેચમાં મુંબઈ તરફથી પણ રમ્યો ન હતો. જોકે તેની બીજી માર્ચથી શરૂ થઈ રહેલી રણજી સેમિફાઇનલ માટેની મુંબઈની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને ત્યાર બાદ તે આઇપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમશે.
ઇરફાનનું માનવું છે કે બંને ઇશાન કિશન અને ઐયર મજબૂત પ્રદર્શન સાથે પરત ફરશે. તેઓ પ્રતિભાશાળી ક્રિકેટર છે. મને આશા છે કે તેઓ વળતો પ્રહાર કરશે અને સફળ પુનરાગમન કરશે. કિર્તી આઝાદે બોર્ડના પગલાને વધાવી લીધું હતું. તેણે જણાવ્યું હતું કે આ પગલું ખૂબ સારું છે. દરેક ક્રિકેટરે રણજી ટ્રોફીમાં રમવું જોઇએ પરંતુ હાલમાં તેઓ આઇપીએલ પર વધારે ફોકસ કરી રહ્યા છે. આઇપીએલ મનોરંજક છે પરંતુ રિયલ ક્રિકેટ તો પાંચ દિવસીય મેચો જ છે.
આમ ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવું જોઇએ. જોકે ખેલાડી ભારત માટે રમતો ન હોય ત્યારે તેણે ડોમેસ્ટિકમાં તેમના રાજ્ય માટે રમવું જોઇએ અને આ નિયમ એકાદ બે ખેલાડી પૂરતો મર્યાદિત રહેવો જોઇએ નહીં કેમ કે વિરાટ કોહલી કે રોહિત શર્માએ પણ તેમાં રમવું જોઇએ તેમ કહીને આઝાદે ઉમેર્યું હતું કે માત્ર ઇશાન કિશન અને ઐયરને બાકાત રાખવા યોગ્ય નથી. દરેક ખેલાડીને સજા થવી જોઇએ કેમ કે દરેક માટે એક સમાન માપદંડ રાખવા જોઇએ.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.