Home મધ્ય ગુજરાત અમદાવાદ પ્રેમલગ્ન બાદ HCની વકીલ પત્ની છોડી જતાં આડાસંબંધની શંકામાં ક્લાર્કને ઉડાવવા પાર્સલ...

પ્રેમલગ્ન બાદ HCની વકીલ પત્ની છોડી જતાં આડાસંબંધની શંકામાં ક્લાર્કને ઉડાવવા પાર્સલ મોકલ્યું

6
0

(જી.એન.એસ) તા.૨૩

અમદાવાદ,

છેલ્લા ચાર મહિનાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બોમ્બ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી મેલ ઈગો હર્ટ થતા ત્રણને ઉડાવવા ષડ્યંત્ર રચ્યું. પ્રેમલગ્ન બાદ HCની વકીલ પત્ની છોડી જતાં આડાસંબંધની શંકામાં ક્લાર્કને ઉડાવવા પાર્સલ મોકલ્યું, બે બોમ્બ સાળા-સસરા માટે રાખ્યા હતા. ગતરોજ હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતી પત્નીના તેના સહ કર્મચારી મદદનીશ ક્લાર્ક સાથે અનૈતિક સંબંધ હોવાથી પોતાના છૂટાછેડા થઈ રહ્યા હોવાની શંકા રાખી બુટલેગર પતિએ ક્લાર્કની હત્યા માટે ઘરે પાર્સલમાં બોમ્બ મોકલ્યો હતો. જોકે, ડિલિવરી આપવા આવેલા બુટલેગર સાગરીતના હાથમાં ફૂટ્યો હતો, જેમાં પાર્સલ આપવા આવેલા વ્યક્તિને અને ક્લાર્કના પિતરાઈ ભાઈને ઈજા થઈ હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી રૂપેન બારોટ, પાર્સલ ડિલિવરી કરવા આવેલા ગૌરવ ગઢવી અને રોહનને ઝડપી પાડ્યા છે. પોલીસે જ્યારે રૂપેન બારોટ અને રોહનને ઝડપ્યાં ત્યારે તેની ક્રેટા કારમાંથી બે જીવતા બોમ્બ, દેશી તમંચો અને કારતૂસ મળી આવ્યાં હતાં. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, મુખ્ય આરોપી રૂપેનના પ્રેમલગ્ન થયા હતાં અને તેની વકીલ પત્ની તેને નાકારો કહીને છોડીને જતી રહી હતી. આ ઉપરાંત સસરા-સાળો પણ નિર્બળ કહેતા તેનો મેલ ઈગો હર્ટ થયો હતો અને તમામને બોમ્બથી ઉડાવી દેવા તેણે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થતાં ત્રણ પાર્સલ બોમ્બ બનાવ્યાં હતાં. જેમાં પહેલો બોમ્બ પત્ની સાથે ક્લાર્કની આડાસંબંધની હોવાની શંકાએ બ્લાસ્ટ કરાવ્યો હતો.આ સમગ્ર મામલે ઝોન-2ના ડીસીપી ભરત રાઠોડે જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં સાબરમતી વિસ્તારમાં આવેલ IOC રોડ પર ગત એક પાર્સલમાં વિસ્ફોટ થયો હતો. જેમાં પાર્સલ લઈને આવનાર ગૌરવ ગઢવી નામના વ્યક્તિને લોકો દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પાર્સલ મોકલનાર અને બનાવનાર મુખ્ય આરોપી રૂપેન બારોટ તથા તેના સાગરીત રોહનને પણ ગતરાત્રે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા અનેક સીસીટીવી ફૂટેજ અને વિવિધ સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.વધુમાં ઉમેર્યું કે, સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાર્સલ દ્વારા બ્લાસ્ટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, જેથી જેસીપી સેક્ટર વન સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિવિધ તપાસને આધારે ગતરાત્રે બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની ક્રેટા ગાડીમાંથી ડોગ સ્કવોર્ડ, બોમ્બ સ્કવોર્ડ તથા FSLની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી મુખ્ય આરોપી રૂપેન બારોટ દ્વારા જ બનાવવામાં આવેલા બોમ્બ અને દેશી તમંચો મળી આવ્યા હતા. મુખ્ય આરોપી રૂપેન બારોટ દ્વારા છેલ્લા ચાર મહિનાથી ઇન્ટરનેટનો ઉપયોગ કરીને બોમ્બ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તેની સાથે રોહન ઉર્ફે રોકી રાવળ પણ તેની મદદ કરી કરતો હતો, જેથી તેને પણ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી રૂપેન બારોટ દ્વારા બળદેવ સુખડિયાના ઘરે પાર્સલ મોકલીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. કારણ કે, તેને આશંકા હતી કે બળદેવભાઈ તેની પત્ની અને બાળકને તેનાથી દૂર કરીને તેને એકલો પાડવા ઈચ્છે છે. સાથે એક વર્ષથી તેની પત્ની અને બળદેવ સુખડિયા વચ્ચે આડા સંબંધો હોવાની પણ આરોપી રૂપેનને આશંકા હતી અને તેના કારણે અવારનવાર પત્ની સાથે ઝઘડા થતા હોવાનું તે માનતો હતો.ઉલ્લેખનીય છે કે, આરોપી રૂપેન બારોટ દ્વારા વર્ષ 2014માં તેની પત્ની હેતલબેન સાથે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતાં, જે આરોપી રૂપેન બારોટના બીજા લગ્ન હતા.પરંતુ છેલ્લા એક વર્ષથી પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતાં, જેમાં વકીલ પત્ની પોતાના પતિ રૂપેન બારોટને નાકારો કહેતી હતી. ઉપરાંત રૂપેનને પેટના રોગની તકલીફ હોવાથી તેના સસરા અને સાળા દ્વારા તેને નિર્બળ કહેવામાં આવતો હતો. પત્ની અને સસરા-સાળાની વાતથી રૂપેનનો મેલ ઈગો દુભાતા બોમ્બ બનાવીને બળદેવ સુખડિયા, સસરા અને સાળાને જીવથી મારી નાખી પત્નીને એકલતાનો અનુભવ કરાવવાનું ઈચ્છતો હતો. રૂપેને બોમ્બ બનાવીને પત્ની સાથે આડા સંબંધની આશંકા રાખીને બળદેવ સુખડિયાને જીવથી મારી નાખવાનું કાવતરું રચ્યું હતું. જેના માટે છેલ્લા ચાર મહિનાથી ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ સામગ્રીઓ એકઠી કરીને બોમ્બ બનાવવાનું શરૂ કર્યું હતું.છેલ્લા ચાર મહિનાથી ધોરણ 12 સાયન્સનો અભ્યાસ કરેલ રૂપેન બારોટ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગંધક પાવડર, બેટરી, બ્લેડ, ચારકોલ, ફટાકડાનો ગન પાવડર જેવી વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરીને બોમ્બ તથા દેશી તમંચો બનાવતા શીખ્યો હતો. મહત્વનું છે કે, પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રૂપેન બારોટ પોતે ટેકનિકલ ક્ષેત્રમાં થોડા અંશે જાણકાર હતો, જેથી જાતે જ રિમોટ કંટ્રોલથી સંચાલિત બોમ્બ બનાવવાનું નિર્ણય કર્યો હતો. જેમાં ગતરોજ બળદેવ સુખડિયાના ઘરે દુર બેસીને રિમોટથી બટન દબાવતા વિસ્ફોટ થયો હતો. આ ઉપરાંત અન્ય બે જીવતા બોમ્બથી તે પોતાના સાળા અને સસરાનો જીવ લેવા ઇચ્છતો હતો, પરંતુ તેના ગુનાહિત કૃત્યોને અંજામ આપે તે પહેલા જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસ દ્વારા જ્યારે ગતરાત્રિએ આરોપી રૂપેન બારોટ અને રોહન રાવળને ક્રેટા ગાડીમાંથી ઝડપી લેવામાં આવ્યા, ત્યારે તેમની ગાડીમાંથી જ બે જીવતા બોમ્બ તથા જીવતા કારતૂસ સહિત દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસની ટીમ દ્વારા એફએસએલ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની મદદ લેવામાં આવી હતી. તો જીવતા બે બોમ્બને ડિસ્પોઝ કરવા માટે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને લગભગ ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. આરોપી રૂપેન બારોટ દ્વારા અગાઉ રિમોટ ચાલે છે કે નહીં? તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ બોમ્બનું ટેસ્ટ કરવામાં આવ્યું ન હતું અને તેણે બળદેવ સુખડિયાનો બે વખત જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો.અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ IOC રોડ પાસેની સોસાયટીમાં ગતરોજ  સવારના 10:30 કલાકની આસપાસ એક વિસ્ફોટ થયો હતો. જેમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા પાર્સલ લઈને આવ્યા બાદ તેમાંથી અચાનક ધુમાડો નીકળ્યો અને વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના ફરિયાદી બળદેવ સુખડિયાએ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે અજાણ્યા શખસ કે જે પાર્સલ લઈને આવ્યો હતો, તેના વિરુદ્ધ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.ચાંદખેડાના શિવમ રોહાઉસમાં રહેતા 56 વર્ષીય બળદેવ સુખડિયા કે જેમને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગુજરાત હાઇકોર્ટમાં 6 વર્ષથી મદદનીશ ક્લાર્ક તરીકે નોકરી કરે છે.તેમની સાથે કામ કરતાં મહિલા વકીલ સાથે તેઓના આડા સંબંધોની શંકામાં મહિલા વકીલના પતિ રૂપેન બારોટ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું છે, પરંતુ હું તે મહિલા વકીલને મારી દીકરી સમાન માનું છું. મહિલા વકીલના પતિ રૂપેન બારોટ દ્વારા તેની પત્ની અને મારા વચ્ચે આડા સંબંધો હોવાની આશંકા રાખીને અવારનવાર તેની પત્ની સાથે એટલે કે, મહિલા વકીલ સાથે ઝઘડા કરવામાં આવતા હતા. જેથી માર્ચ 2024થી મહિલા વકીલ તેના પિતાના ઘરે પોતાના 10 વર્ષના દીકરા સાથે રહેવા જતી રહી છે અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી પણ દાખલ કરેલી છે. આ ઉપરાંત રૂપેન બારોટ દ્વારા અવારનવાર મને ફોન કરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. ત્યારે હવે 20થી 25 વર્ષના યુવક ગૌરવ ગઢવી પાસે આ પ્રકારે પાર્સલ મોકલીને તેમાં બ્લાસ્ટ કરીને જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટમાં ગૌરવ ગઢવી સહિત મારા પાડોશમાં રહેતા કાકાના દીકરાને પણ ઇજાઓ પહોંચી છે. મારા ડાબા પગમાં પણ સામાન્ય ઇજા પહોંચી છે.વધુમાં બળદેવ સુખડિયાએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, આ પાર્સલ મારા દ્વારા કે મારા પરિવારના અન્ય કોઈ સભ્ય દ્વારા ઓર્ડર કરવામાં આવ્યું ન હતું, તેથી 20 ડિસેમ્બરની રાત્રે લગભગ 9:45 વાગ્યાની આસપાસ જ્યારે આ વ્યક્તિ ઘરે પાર્સલ પહોંચાડવા આવ્યો હતો, ત્યારે હું ઘરે હાજર ન હતો, જેથી મારી પત્નીએ તેનો સ્વીકાર કર્યો ન હતો. ત્યારબાદ 21 ડિસેમ્બરે સવારે 10:30 કલાકની આસપાસ આ વ્યક્તિ ઘર નીચેથી જ મારા નામે બૂમો પાડતો હતો. જ્યારે હું નીચે પહોંચ્યો તો તેણે કહ્યું કે, સુરેશભાઈએ તમારા માટે પાર્સલ મોકલાવ્યું છે. પરંતુ હું કોઈ સુરેશભાઈને જાણતો ન હોવાથી અને કોઈપણ પ્રકારે પાર્સલનો ઓર્ડર ન કર્યો હોવાથી તે સ્વીકારવાની મનાઈ કરી હતી.થોડીક જ વારમાં તેમાં બ્લાસ્ટ થયો હતો, જેથી પાર્સલ લઈને આવેલ ગૌરવ ગઢવીને ઇજાઓ પહોંચી હતી અને તેના હાથમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે રોહને મોકલ્યું છે, તેમ જણાવ્યું હતું. પરંતુ હું કોઈ પણ સુરેશભાઈ કે રોહન ન જાણતો હોવાથી આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ વિસ્ફોટક પાર્સલમાંથી ગંધક, ચિનાઈ માટીના ટુકડા, દાઢી કરવાની બ્લેડના ટુકડા, ખીલી અને કાગળ-પૂઠાના ટુકડા સહિત બેટરી સાથે જોડાયેલા વાયરો પણ નજરે પડ્યા હતાં. આ અંગે બળદેવ સુખડિયાએ સાબરમતી પોલીસમાં મહિલાના પતિ રૂપેન બારોટ સામે ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે આ મામલે પાર્સલ આપવા આવેલા ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે.પત્નીની સાથે કામ કરતાં ક્લાર્કના ઘરે પાર્સલમાં બોમ્બ મોકલનાર બુટલેગર રૂપેન વિરુદ્ધ અગાઉ પણ દારૂના કેસ નોંધાયા હતા અને તે જેલમાં પણ જઈ આવ્યો છે. વર્ષ 2011થી 2020 સુધીમાં રૂપેન સામે અલગ અલગ જગ્યાએ દારૂના 5 કેસ થયેલા છે તેમ જ તે પાસા હેઠળ જેલવાસ ભોગવી આવ્યો છે. આ ઉપરાંત રૂપેન વિજાપુરમાં દેશી દારૂ બનાવવાની ફેક્ટરીના ગુનામાં પણ પકડાયો હતો તેમ જ ભાભરમાં પણ દારૂના કેસમાં પકડાયો હતો.સાબરમતી પાર્સલ બોમ્બમાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી હતી. ગૌરવ જ પાર્સલ લઈને બળદેવ સુખડિયાના ઘરે ગયો હતો. ગૌરવે તેમના નામનું પાર્સલ આવ્યું હોવાનું કહ્યું હતું, પરંતુ તેમણે કોઈ પાર્સલ મંગાવ્યું ન હોવાથી શંકા જતા તેમણે પાર્સલ હાથમાં પકડ્યું ન હતું. બંને વાત કરતા હતા ત્યારે પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ગૌરવના હાથમાં જ પાર્સલ બોમ્બ ફૂટી ગયો હતો. પ્રાથમિક સારવાર બાદ પોલીસે ગૌરવની ગત સાંજે ધરપકડ કરી હતી. જ્યારે બીજી બાજુ ક્રાઈમ બ્રાંચની ટીમે ગૌરવના મિત્ર તેમજ આ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર રૂપેન બારોટના ઘરે સર્ચ કર્યું હતું, જેમાં બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ, ફટાકડા બનાવવા માટે વપરાતું ગંધક, ખીલીનું બોક્સ, બ્લેડ, સર્કિટ, બેટરી સહિતની સામગ્રી મળી આવી હતી. દેશી બનાવટના કટ્ટા બનાવવાના ઓજાર અને મટીરિયલ પણ મળ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field