(જી.એન.એસ) તા.૨૦
ગાંધીનગર,
ગુજરાતમાં 11,160 ગ્રામીણ મહિલા ખેડૂતોને પદ્ધતિસરની તાલીમ આપીને તેમને ‘પ્રાકૃતિક કૃષિ સખી’ તરીકે તૈયાર કરાઈ : પ્રાકૃતિક કૃષિ સખી પોતપોતાના ગામમાં અન્ય મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા અને પ્રશિક્ષણ આપશે. રાજભવનમાં પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પવિત્ર મિશનમાં સક્રિયતાથી સહભાગી થવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો છે. ગુજરાતમાં 11,160 ગ્રામીણ મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિસરની સઘન તાલીમ આપીને તેમને ‘પ્રાકૃતિક કૃષિ સખી’ તરીકે તૈયાર કરવામાં આવી છે. પ્રાકૃતિક કૃષિ સખી પોતપોતાના ગામમાં અન્ય મહિલાઓને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપશે. મધ્ય ગુજરાતના 10 જિલ્લાની 700 જેટલી પ્રશિક્ષિત પ્રાકૃતિક કૃષિ સખી મહિલાઓને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ પરમાત્માની પ્રકૃતિના પોષણનું અભિયાન છે. પ્રકૃતિના તત્વો પ્રદૂષિત થઈ ગયા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી ધરતી ઝેરીલી અને બિન ઉપજાઉ બની ગઈ છે. પાણી પ્રદૂષિત અને અપૂરતું છે. હવા લેવા લાયક રહી નથી. ઝેરી તત્વોવાળા અન્નને કારણે સ્વાસ્થ્ય સામે ગંભીર સંકટ સર્જાયું છે, ત્યારે પ્રાકૃતિક ખેતી અનેક સમસ્યાઓનો એકમાત્ર ઉપાય છે. ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ સાચી પૂજા છે. રાજભવનમાં મહર્ષિ દયાનંદ સભામંડપમાં ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ અને એસ.પી.એન.એફ.- સતત પ્રગતિશીલ પ્રાકૃતિક કૃષિ સંગઠનના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રાકૃતિક કૃષિ સખી પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પ્રોત્સાહન તથા ગુજરાત સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં અત્યારે દસ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. પ્રાકૃતિક ખેતી કરવાની સાચી પદ્ધતિ સમજાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ખેડૂતો બીજામૃતથી બીજ સંસ્કારિત કરે, જમીનખેડીને તેમાં શરૂઆતમાં એક એકરે 10 ક્વિન્ટલ ઘન જીવામૃત નાખીને જમીન વાવણી માટે તૈયાર કરે, વાવેતર પછી પ્રત્યેક પાણી આપતી વખતે સાથે જીવામૃત આપે, દર 15 દિવસે એક વખત જીવામૃતનો સ્પ્રે કરે, જીવાત દેખાય તો ત્યાં જરૂર પ્રમાણે નીમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, સૂંઠાસ્ત્ર, દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક નિયંત્રણ પદાર્થોનો ઉપયોગ કરે અને આચ્છાદન તથા એકી સાથે અનેક પાક (મલ્ટી ક્રોપ) લેવાની પદ્ધતિ અપનાવે. જો આ પાંચ આયામો પ્રમાણિકતાપૂર્વક અપનાવીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ખેત ઉત્પાદન અચૂક વધશે અને ખેતી ખર્ચ પણ સાવ નહિવત્ થઈ જશે. ખેડૂતો પોતાના ખેતરમાં થોડા ભાગમાં પણ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરે એવી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી. રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, જે ધરતી મા આપણને ભોજન આપે છે તેને આપણે યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાઓ નાખીને ઝેરી બનાવી દીધી છે. ફળ, શાકભાજી, અનાજ, દૂધમાં પણ યુરિયા આવી ગયું છે. એટલે, લોકો બીમાર બની રહ્યા છે. આ બધાથી બચવા માટે આપણે ખેતી પદ્ધતિ બદલવી પડશે, પ્રાકૃતિક ખેતી જ અપનાવી પડશે.પાણીના સ્તર સતત નીચે જઈ રહ્યા છે. પાણીની સાથે સાથે આપણે હવાને પણ એટલી જ પ્રદૂષિત કરી છે. આપણે જમ્યા વગર ચાર પાંચ દિવસ જીવી શકીશું, પરંતુ હવા વગર પાંચ મિનિટ પણ નહીં ચાલે. આપણે માનીએ છીએ કે, હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણનો સૌથી ખરાબ વાયુ છે, પરંતુ જ્યારે યુરિયા અને ડીએપી જેવા ખાતર ખેતરમાં નાખીએ છીએ, ત્યારે તેમાં રહેલો નાઇટ્રોજન હવાના ઓક્સિજન સાથે ભળીને નાઈટ્રસ ઓક્સાઈડ નામનો વાયુ બનાવે છે, જે કાર્બન ડાયોક્સાઇડ કરતાં 312 ગણો વધુ ખતરનાક છે. શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું હતું કે, જળવાયુ પરિવર્તનથી ખેતીવાડી બરબાદ થઈ જશે, ખર્ચ વધશે ઉત્પાદન ઘટશે. આ તમામથી જો બચવું હોય તો તેનો રસ્તો ફક્ત એક જ છે પ્રાકૃતિક કૃષિ. દેશી ગાય વિના પ્રાકૃતિક કૃષિ ના થઈ શકે તેમ જણાવી રાજયપાલશ્રીએ જણાવ્યું કે, સારી નસલનીવાછરડીઓની સંખ્યા વધારવા ગુજરાત સરકારે સેક્સ સોર્ટેડ સીમેન તૈયાર કરીને ફક્ત રૂપિયા 50 માં આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે, જેનાથી હવે વાછરડીયો વધુ જન્મશે. આ વાછરડીઓ તેની મા કરતાં વધુ દૂધ આપનારી ગાય બને છે. દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડથી વધુ સૂક્ષ્મ જીવાણુ હોય છે અને ગૌમુત્ર ખનીજનો ભંડાર છે. દેશી ગાયનું છાણ અને ગૌમુત્ર જમીનની ઉત્પાદકતા, ફળદ્રુપતા અને ગુણવત્તા વધારે છે પરિણામે ઉત્પાદન વધે છે. જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી-નેચરલ ફાર્મિંગ બંને અલગ છે, તેમ જણાવી રાજયપાલશ્રીએ ઉમેર્યું કે, જૈવિક ખેતીમાં ઉત્પાદન વધતું નથી અને ખર્ચ વધુ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતી બિન ખર્ચાળ છે, સૂક્ષ્મ જીવાણું અને અળસિયાથી થતી ખેતી છે. આ ખેતી કરશો તો ધરતીમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણુ વધશે, અળસિયા પણ વધશે, જે માટીની ગુણવત્તા વધારે છે. ખેતીની જમીન જંગલની જમીન જેવી ઉપજાઉ બને છે, તેમાં યુરિયા ડીએપી નાખવાની જરૂર નથી પડતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી.કે. ટીંબડીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીની ઝુંબેશ શરૂ કરી છે, જે અંતર્ગત આજે મધ્ય ગુજરાતના 10 જિલ્લાની જે મહિલાઓએ પાંચ દિવસની પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલી છે તેઓ અહીં ઉપસ્થિત છે. આ તમામ મહિલાઓ પ્રાકૃતિક કૃષિનો ફેલાવો વધારવામાં મહત્વનું પરિબળ સાબિત થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિના રાજ્ય સંયોજક શ્રી મહાત્મા પ્રફુલભાઈ સેંજલીયા એ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રસાયણ યુક્ત ખેતીરૂપી રાક્ષસોના વિનાશ માટે બહેન દુર્ગા બનીને પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરૂરી છે. આ પરિસંવાદ અંતર્ગત રાજ્યભરમાંથી આવેલી મહિલાઓને નિષ્ણાતો દ્વારા એફ.પી.ઓ. અને પ્રાકૃતિક કૃષિમાં વધુ ઉત્પાદન મેળવવા માટેની પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નિશા ચૌધરી, એસ.પી.એન.એફ. સંગઠનના સંયોજકો, આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ સખી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.