(જી.એન.એસ) તા.૨૩
જામનગર,
ધ્રોલમાં એસટી ડેપોમાં ફરજ બજાવતા અને લતીપુરમાં રહેતા એસટી બસના ચાલક પોતાનું બાઈક લઈને ધ્રોળ એસ.ટી. બસ ડેપો એ ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન રસ્તામાં તેમના બાઈકના આડે રોઝડું ઉતરતાં અકસ્માત નડયો હતો. અને ગંભીર ઇજા થવાથી મૃત્યુ નીપજ્યું છે. કાલાવડમાં રણુજા રોડ પર પાણી ભરવા માટે જઈ રહેલા દસ વર્ષના એક બાળકને પુર ઝડપે આવી રહેલી એક કારના ચાલકે હડફેટ માં લઇ કચડી નાખતાં બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં રહેતા અને ધ્રોળ એસ.ટી. ડેપોમાં એસ.ટી. બસના ચાલક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ દેવાણંદભાઈ જીલરીયા કે જેઓ ગત ૪ ડિસેમ્બરના રાત્રિના સમયે પોતાના ગામથી બાઈક પર નીકળીને ધ્રોળના એસટી ડેપો પર ફરજ પર જઈ રહ્યા હતા, જે દરમિયાન ધ્રોળ નજીક પિયાવા ગામના પાટીયા પાસે રસ્તામાં એક રોજડું આડું ઉતરતાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું, અને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી.તેઓને સારવાર માટે સૌ પ્રથમ જામનગર અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પ્રતકના વૃદ્ધ પિતા દેવાણંદભાઈ જીલરીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એસ. દલસાણીયાએ મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર – કાલાવડ હાઇ-વે પર રણુજા નજીક નવઘણ ઉર્ફે કરમશી પંડત(ઉ.વ. ૧૦) પગપાળા ચાલીને પાણી ભરવા જઈ રહ્યો હતો, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે તેને હડફેટમાં લઈ લીધો હતો, આથી તેને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સૌ પ્રથમ જામનગરની અને ત્યારબાદ રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે બાળકના પિતા રઘુભાઈ પંડતે કારના ચાલક સામે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.