(GNS),27
ઓપનર અબ્દુલ્લાહ શફીકની બેવડી સદી અને આગા સલમાનની સદીની મદદથી પ્રવાસી પાકિસ્તાને અહીં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટમાં બુધવારે શ્રીલંકા સામે મજબૂત સ્થિતિ હાંસલ કરી લીધી હતી. શ્રીલંકાના 166 રનના સામાન્ય સ્કોર સામે રમતાં પાકિસ્તાને ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં પાંચ વિકેટે 563 રનનો વિશાળ સ્કોર નોંધાવી દીધો હતો. આમ પ્રવાસી ટીમ હાલમાં 397 રનની જંગી સરસાઈ ભોગવી રહી છે. તેના પ્રથમ દાવની પાંચ વિકેટ જમા છે. અહીંના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (એસએસસી) ગ્રાઇન્ડ ખાતે રમાતી બીજી ટેસ્ટનો મંગળવારનો બીજો દિવસ વરસાદને કારણે લગભગ ધોવાઈ ગયો હતો પરંતુ ત્રીજા દિવસે સંપૂર્ણ રમત શક્ય બની હતી જેમાં પાકિસ્તાને બે વિકેટે 178 રનના સ્કોરથી તેની ઇનિંગ્સ આગળ ધપાવી હતી. આમ પાકિસ્તાને દિવસ દરમિયાન 385 રન ઉમેરી દીધા હતા. ત્રીજા દિવસની રમતને અંતે આગા સલમાન 132 અને મોહમ્મદ રિઝવાન 37 રનના સ્કોર રમતમાં હતા. અગાઉ પાકિસ્તાને બે વિકેટે 178 રનના સ્કોરથી ઇનિંગ્સ આગળ ધપાવી ત્યારે બેટિંગ કરી રહેલા શફીકે કારકિર્દીની પ્રથમ બેવડી સદી નોંધાવી હતી જ્યારે કેપ્ટન બાબર આઝમ 39 રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો. વર્તમાન સિરીઝની અગાઉની ટેસ્ટમાં 208 રન ફટકારનારા સઉ શકીલે બુધવારે પણ શાનદાર બેટિંગ કરી હતી. તેણે છ ચોગ્ગા સાથે 57 રન ફટકાર્યા હતા.
શ્રીલંકા સામે કોલંબોમાં રમાઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ દરમિયાન પાકિસ્તાનના બેટ્સમેન સઉદ શકીલે બુધવારે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે આ ટેસ્ટના પ્રથમ દાવમાં અડધી સદી ફટકારી તે સાથે તે વિશ્વનો એવો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો જેણે કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ સળંગ સાત ટેસ્ટમાં કમસે કમ એક વાર 50થી વધુનો સ્કોર નોંધાવ્યો હોય. શખીલે ડિસેમ્બર 2022માં ઇંગ્લેન્ડ સામે તેની કારકિર્દીનો પ્રારંભ કર્યો ત્યારે 76 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ ઇંગ્લેન્ડ સામે જ તેણે 63, 94, 53 રનના સ્કોર નોંધાવ્યા હતા. પાકિસ્તાની ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમી ત્યારે શકીલે 22 અને 55, અણનમ 125 અને 32 રનની સળંગ ચાર ઇનિંગ્સ રમી હતી. તાજેતરમાં શ્રીલંકા સામેની ગોલ ખાતેની ટેસ્ટમાં શકીલે કારકિર્દીની પ્રથમ બેવડી સદી સાથે અણમ 208 અને બીજા દાવમાં 30 રનનો સ્કોર નોંધાવ્યો હતો. હવે બુધવારે તેણે 57 રન ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ અગાઉ એવા ચાર બેટ્સમેન હતા જેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ સળંગ છ ટેસ્ટમાં અડધી સદીથી વધુનો સ્કોર નોંધાવ્યો હોય જેમાં ભારતના સુનીલ ગાવસ્કરનો સમાવેશ થતો હતો. કારકિર્દીના પ્રારંભે સૌથી વધુ મેચમાં અડધી સદી કરતાં વધારેનો સ્કોર કરનારા બેટ્સમેન: સાત વખતઃ સઉદ શકીલ (પાકિસ્તાન), છ વખતઃ બર્ટ સટક્લીફ (ઇંગ્લેન્ડ), સઇદ અહેમદ (પાકિસ્તાન), બેસિલ બુચર (વેસ્ટ ઇન્ડિઝ), સુનીલ ગાવસ્કર (ભારત).
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.