પાંડેસરામાં રાજસ્થાની પરિવારની મહિલાનું રહસ્યમય સંજોગોમાં ગળાના ભાગ ઈજા બાદ મોત નિપજ્યું હતું. બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા બાદ મૃત જાહેર કરાયેલી મહિલાના ગળાના ભાગની ઈજા શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં મહિલાના ગળામાંથી એલ્યુમિનીયમનું પતરૂ મળી આવતા પોલીસે તપાસ કરી હતી. જેમાં બાથરૂમમાં ગીઝરનો પાઈપ ફાટી જતા પાઈપ સાથે જોડાયેલુ એલ્યુમિનીયમનું પતરૂ મહિલાને ગળામાં વાગ્યા બાદ મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પાંડેસરા આવિર્ભાવ સોસાયટી ખાતે રહેતા ચુંકીદેવી કાલુરામ જૈન(50)ના પતિનું 15 વર્ષ અગાઉ અવસાન થયું હતું .તે બે પુત્રો સાથે રહેતા હતા.
તેમના બન્ને પુત્રો ઈલેક્ટ્રિકની દુકાન ચલાવે છે. ત્રણ ચાર દિવસ પહેલા મોટો પુત્ર વતન રાજસ્થાન ગયો હતો. ગુરૂવારે સવારે તેમનો નાનો પુત્ર પંકજ અને દુકાને કામ કરતો અન્ય કર્મચારી દુકાને જવા માટે ઘરેથી નીકળ્યા હતા અને દુકાને પહોંચ્યા દરમિયાન ચુંકીદેવી તેમના ઘરમાંથી બહાર આવી પટકાયા હતા અને તેમને ગળાના ભાગે ઈજા થઈ હોવાની પાડોશીએ પુત્રને જાણ કરી હતી. જેથી પુત્ર ઘરે દોડી ગયો હતો અને ચુંકીદેવીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ચુંકીદેવીના ગળાના ભાગે ઈજા શંકાસ્પદ જણાતા મેડિકલ ઓફિસરે પોસ્ટમોર્ટમ ફોરેન્સીક વિભાગને રિફર કર્યું હતું. જેથી ફોરેન્સીક વિભાગના તબીબોએ પોસ્ટમોર્ટમ હાથ ધર્યુ હતું. જેમાં તબીબોને ચુંકીદેવીના ગળાના ભાગની ઈજામાંથી એલ્યુમિનિયમના પતરાનો ટુંકડો મળી આવ્યો હતો. તબીબોએ આ ટુંકડાની જાણ પોલીસને કરતા પોલીસે તેમના ઘરે તપાસ કરી હતી.
જેમાં બાથરૂમમાં ગીઝરનો પાઈપ ફાટી જતા પાઈપને લગાડેલો એલ્યુમિનીયમનો ટુકડો ઉડીને તેમના ગળાના ભાગે ધસી ગયો હોવાનું અને ગળાના ભાગે ઈજા થયા બાદ બચવા માટે તેઓ બહાર દોડી આવ્યા બાદ પડી ગયા હોવાનું સામે આવ્યું છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.