Home ગુજરાત પાંજરાપોળ અકસ્માતનો બોધપાઠઃ-શું શહેરીજનોને 108 સેવાએ પંગૂ બનાવ્યાં….?

પાંજરાપોળ અકસ્માતનો બોધપાઠઃ-શું શહેરીજનોને 108 સેવાએ પંગૂ બનાવ્યાં….?

462
0

108 સેવા નહોતી ત્યારે ઘાયલોને જે સાધન મળે તેમાં નાંખીને બચાવવાની માનસિક્તા કુંઠિત થઇ ગઇ છે….!
108ના વાહનને પાંજરાપોળ અકસ્માત સ્થળે પહોંચવામાં કેમ મોડુ થયું….? તપાસ થશે…?
અકસ્માતના વિડિયો બનાવવાની માનસિક્તા પણ ઘાયલોને મારવાનું કામ કરે છે…!
બે ભાઇમાંથી ઘાયલ યુવકને 20 મિનિટ પમ્પિંગ કરનાર એ ડોક્ટર મહિલાને સલાંમ…..!

(જી.એન.એસ., પ્રવિણ ઘમંડે) તા.22
અકસ્માત આખરે તો અકસ્માત છે. ક્યારે શું થાય તે કહી શકાતું નથી. પરંતુ જ્યારે કોઇ એવા અકસ્માતો થાય છે કે જે જોઇને કે સાંભળીને મનમાં અરેરાટી ઉપજે. કુદરત તરા ખજાને ખોટ શું પડી કે એક પરિવારના બે સગા ભાઇઓને લઇ લીધા….કોઇ વળી આવુ પણ કે કરૂણરસમાં તો તે તેની માનવતા કહી શકાય. અમદાવાદમાં બીઆરટીએસનો અમલ થયો ત્યારથી તેની સામે વિરોધ હતો. પરંતુ સત્તાના જોરે ધરાર સાંકડા રસ્તાઓમાં બીઆરટીએસ ઘૂસાડીને રસ્તા વધુ સાંકડા કર્યા અને ટ્રાફિકની સમસ્યા વધારે વકરી છે,.
બીઆરટીએસના ડ્રાઇવરો પોતાને સરકાર માને છે. અમને પૂછનાર કોણ…..અમને કહેનાર કોણ…..અમે મન ફાવે તેમ ચલાવીશું….ટ્રાફક સિગ્નલની ઐસી કી તૈસી….બેફામ….બેફામ….અને તેનો ભોગ બન્યા બાઇક પર પાંજરાપોળ ચાર રસ્તેથી જઇ રહેલા બે સગા ભાઇઓ. પરિવારમાં આ બે ભાઇઓ જ હતા. માળો વિખરાઇ ગયો. કરૂણતા વ્યાપી ગઇ પરિવારમાં. પણ આ અકસ્માતના પગલે જે કેટલીક વિગતો બહાર આવી છે તેના પર જો ધ્યાન આપવામાં નહી આવે તો 108 ઇમરજન્સી સેવા પર પાંગળા અને પંગૂ બની ગયેલા શહેરીજનો વધુ પાંગળા થઇ શકે તેમ છે. અકસ્માત વખતે હાજર નાગરિકોની કામગીરી વખાણવા લાયક તો છે જ તેમ છતાં એવી વાત બહાર આવી છે કે બેમાંથી એક ભાઇ અકસ્માત પછી જિવિત અવસ્થામાં હતો. તેને બચાવવા માટે એક મહિલા ડોક્ટરે તાત્કાલિક સારવાર પણ આપી. પરંતુ જેના વખાણ કરતા લોકો થાકતા નથી તે 108ની ઇમરજન્સી ગાડી તેના નિયત સમય કરતાં ખાસ્સી મોડી આવી પરિણામે જિવિત એક ભાઇને ઇમરજન્સી સારવારના અભાવે બચાવી ન શકાયા. 108નું વહન 20 મિનિટે આવ્યું. જે તેની પ્રતિબધ્ધતાની વિરૂધ્ધ છે.
અમદાવાદમાં 108ના વાહનો એટલી નજીક નજીક અને અકસ્માત ઝોનની એટલી નજીક રાખવામાં આવે છે કે કોલ મળ્યા બાદ 2 કે 3 મિનિટમાં તે સાયરન વગાડતા વગાડતા પહોંચીને જીવ બચાવે છે. ઘાયલે નજીકની હોસ્પિટલમાં પહોંચાડે છે. અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા વિસ્તારમાં અનેક અકસ્માતોના બનાવો બન્યા છે. લોકોની ઉતાવળ, એમએમટીએસ અને બીઆરટીએસની બેફામગીરી અને વાહનચાલકોની પણ ઉતાવળને કારણે અકસ્માતો થતાં હોય છે. 108ના આંકડા જોઇએ તો તેણે સમયસર પહોંચીને હજારોના જીવ બચાવ્યાં છે. પણ જે સગાભાઇના મોત થયા તે અકસ્માત વખતે ઘટના સ્થળે પહોંચવામાં કેમ મોડુ થયું તેની તપાસ થાય તો કારણો બહાર આવે પણ એક બાબત જે બહાર આવી રહી છે તે ચોંકાવનારી છે અને તે છે કે શહેરીજનો અકસ્માત વખતે 108 પર આધાર રાખતાં થઇ જતાં પંગૂ થઇ ગયા છે. અકસ્માત થાય કે તરત જ મોબાઇલ કાઢીને નંબર લગાવે 108. ઇમરજન્સી વાહન તરત આવે. પણ તેની રાહ ક્યાં સુધી જોવાની…? 108 જલ્દી ના આવે તો ઘાયલને ત્યાં જ પડ્યો રહેવા દેવાનો….? 108 સેવા નહોતી ત્યારે શહેરમાં થતાં માર્ગ અકસ્માતમાં લોકો જે વાહન હાથવગુ હોય જેમ કે ઓટોરીક્ષા કે કોઇની કાર વગેરે.માં નાંખીને ઇજાગ્રસ્તને નજીકના દવાખાને પહોંચતા કરતા હતા. પરંતુ 108 સેવા આવ્યાં બાદ ગાયલની સામે જોવાને બદલે ફોન કરીને એમ્બ્યુલન્સની રાહ જોવાની આદત પડી ગઇ છે અને કદાજ તેના કારણે પાંજરાપોળની ઘટનામાં જિવિત ભાઇનો જીવ ગયો હશે.
108ના વાહનને પાંજરાપોળ ઘટના સ્થળે પહોંચવામાં 20 મિનિટ લાગ્યા. તે પહેલાં જો તેને રીત્રામાં કે કોઇની કારમાં નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો હોત તો બેમાંથી એક તો બચી શક્યો હોત, એમ પણ ઘણાનું માનવુ છે. તેમની વાતમાં સત્ય છે. કેમ કે પાંજરાપોળ ચાર રસ્તાની આજુબાજુ સંખ્યાબંધ દવાખાના અને ખાનગી હોસ્પિટલો આવેલી છે. તેમાંથી કોઇ એકમાં તેને લઇ જવાયો હોત. પરંતુ તેના બદલે 108ની રાહ જોવાઇ અને એક મહિલા ડોક્ટરે ઘટના સ્થળે જે ઘાયલની સારવાર કરીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો તે કાબિલેતારિફ છે અને માનવતાનું કાર્ય છે. આ બેન તેને મોઢા દ્વારા શ્વાસ આપવાનો પ્રયાસ કરી રહ્યાં હતા ત્યારે મોડે આવેલા 108ના એક પેરા મેડિકલ સ્ટાફે કહ્યું કે તેનો શ્વાસ બંધ થઇ ગયો છે. શું આ સ્ટાફે તેને બચાવવાનો કોઇ પ્રયાસ કર્યો હતો ખરો…?
108ની સેવા આવકાર્ય છે. હજારોને બચાવ્યાં છે. પણ શહેરીજનોએ પાંજરાપોળની ઘટનામાંથી બોધપાઠ લઇને હવે તેની રાહ જોવાને બદલે અકસ્માત બાદ તરત જ ઘાયલને તાકીદે જે વાહન ઉપલબ્ધ હોય તેમાં ઘાયલને નાંખીને જેમ બને તેમ વહેલી તકે સારવાર માટે પહોંચાડવાની અગાઉની માનસિક્તા કેળવવી પડશે. 108 સેવા ખરાબ છે એમ નહીં પણ તેને પણ ઘટના સ્થળે પહોંચવામાં મોડુ થઇ શકે. તેનું વાહન કોઇ ભારે ટ્રાફિકમાં અટવાઇ ગયું તો…? તે કઇ રીતે 2-3 મિનિટમાં પહોંચે…? ઘટના સ્થળે જવા નિકળેલ 108 વાહન ક્યાંય ફસાઇ ગયું હોય તેની જાણ ઘટનાસ્થળના લોકોને હોતી નથી કે તેમને જાઁણ કરવાની પણ કોઇ સીસ્ટમ નથી. 108 આવે તે પહેલા કોઇ ગંભીર રીતે ઘાયલ થયેલાને બીજા વાહનમાં લઇ જવાની કોઇ મનાઇ નથી. કોઇ ફરમાન નથી. શહેરીજનોએ સમયસૂચકતા અને 108નું વાહન પણ મોડુ પડી શકે તેવું મનમાં રાખવુ પડશે.
ઘટનાની જાણ થયાં પછી સ્થાનિક ટીવી મિડિયા પણ ત્યાં પહોંચ્યુ અને કેટલાકે લાઇવ પણ બતાવ્યું. સામાન્ય રીતે ટીવી મિડિયા પાસે ફોર વ્હીલની સુવિધા હોય છે. તેમાંથી કોઇ પેલા ઘાયલને પોતાની કારમાં નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હોત તો પરિવારમાં એક તો બચી શક્યો હોત.
આવા અકસ્માત વખતે હવે સ્માર્ટ ફોનથી વિડિયો ઉતારીને સૌથી પહેલા સોશ્યલ મિડિયામાં મૂકવાની એક વિચિત્ર માનસિક્તા પેદા થઇ ગઇ છે. ઘટના સ્થળે જઇને વિડિયો ઉતારશે પણ ઘાયલને તાકીદે દવાખાને લઇ જવાનું માનવતાભર્યું કામ નહીં કરે…..! કેટલાક તો સીધા ફેસબુક લાઇવ કરે છે. પણ જેનો જીવ જઇ રહ્યો છે તેને લાઇવ-જીવતો રાખવાના પ્રયાસો નહીં કરે. આવી માનસિક્તા યોગ્ય નથી.
પાંજરાપોળ ચાર રસ્તાની આજુબાજુની ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકી હોત….? શું તેમની ફરજ નથી કે આટલા મોટા અકસ્માતની જાણ થતાં જ માનવતાના ધોરણે પોતાનું વાહન બચાવ માટે મોકલી શકે…?
આવા ઘણા સવાલો આ દર્દનાક અને ભલભલાને રડાવી મૂકે તેવા બીઆરટીએસ માર્ગ અકસ્માતની ઘટનામાંથી નિકળે છે. પણ એક મહત્વાનો મુદ્દો એ પણ છે અને તેના પર શહેરીજનોએ વિચાર કરવો પડશે કે શું 108 ઇમરજન્સી સેવાએ નાગરિકોને પોતાના પર જ આધારિત અને પરાવલંબી કે પાંગળા કરી નાંખ્યા છે….? નવુ સૂત્ર કદાજ એ હોઇ શકે કે “108 આવે તે પહેલા પહોંચાડો…..કોકનો જીવ બચે…..”!
બે ભાઇમાંથી ઘાયલ યુવકને 20 મિનિટ પમ્પિંગ કરનાર એ ડોક્ટર મહિલાને સલાંમ…..! ‘સોરી, ભલે તમે ન બચાવી શક્યા પણ તમારા પ્રયાસોને સો-સો સલામ…! અમદાવાદ તમારો આભારી છે….!

Previous articleગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું
Next articleGNS BREAKING : મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પહેલાં જ વિધાનસભા થશે ભંગ….?