Home ગુજરાત પત્રકાર બીજા માટે લડે પણ તે ભગવાન નથી કે બધાની સમસ્યાનો ઉકેલ...

પત્રકાર બીજા માટે લડે પણ તે ભગવાન નથી કે બધાની સમસ્યાનો ઉકેલ લાવી દે….

412
0

(જી.એન.એસ.,પ્રશાંત દયાળ) તા.18
આપણી આસપાસ મનને તકલીફ આપનારી જે કઈ ઘટના ઘટે ત્યારે આપણે પરિસ્થિતિને જવાબદાર ગણીએ છીએ, ક્યારેક આપણે અપેક્ષા રાખી છીએ કે અખબાર અને અન્ય માધ્યમો આપણી મદદ માટે આવે અને આપણી તમામ સમસ્યાનો ઉકેલ માધ્યમો પાસે છે તેવું આપણે માનવા લાગીએ છીએ. આ બહુ સારી સ્થિતિ નથી, છેલ્લાં ત્રણ દાયકાથી પત્રકારત્વમાં હોવાને કારણે મારો અનુભવ છે. અસંખ્ય વખત મને પત્રકાર તરીકે ઓળખતા મિત્રો વિવિધ સમસ્યાને લઈ કહે છે, અરે તમે કંઈ કેમ કરતા નથી… આ અંગે તમે તો કંઈ લખો. શરૂઆતના વર્ષોમાં જ્યારે મને કોઈ મિત્ર આવું કહેતા ત્યારે હું તેમને કહેતો કે જરૂર હું તે અંગે લખીશ અને લખતો પણ હતો, પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સમજાયું કે સામાન્ય માણસ તો એવું જ માને છે કે માધ્યમો પાસે તેની તમામ સમસ્યાનો ઉકેલ છે અને પહેલા તો હું પણ પત્રકાર તરીકે માનતો કે હું લોકોના પ્રશ્નનો વાચા આપીશ એટલે તેમની સમસ્યા ઉકેલાઈ જશે અનેક કિસ્સામાં તે વાત સાચી પણ હતી. તો પણ તે યોગ્ય સ્થિતિ નથી.
આપણને ક્રમશઃ ટેવ પડી ગઈ છે કે આપણી લડાઈ કોઈ બીજા લડે, જેના કારણે આપણા જીવનમાં જ્યારે પણ કોઈ સમસ્યા આવે ત્યારે આપણે આપણી લડાઈ લડવા માટે કોઈક ઉભો થશે તેની રાહ જોતા બેસી રહીએ છીએ, જેના કારણે આપણી સમસ્યા તો ત્યાં જ રહે છે ધીરે ધીરે આપણને સમસ્યા સાથે જીવવાની ટેવ પડી જાય છે અને થોડા સમય પછી આપણને તે સમસ્યા જ લાગતી નથી, જ્યારે ફરી કોઈ નવી સમસ્યા આપણી સામે આવે ત્યારે ફરી કોઈક આપણી લડાઈ લડવા આવશે તેવી અપેક્ષામાં આપણે બેસી રહીએ છીએ. જ્યારે કોઈ આપણી લડાઈ માટે નજરે પડતુ નથી ત્યારે આપણને લાગે છે કે અખબારમાં સમાચાર આવશે અથવા ટીવીમાં કવરેજ થશે એટલે તેમની સમસ્યાનો અંત આવશે. કેટલાંક કિસ્સામાં પરિણામ મળતુ હોવાને કારણે બહોળો વર્ગ તેવું માનવા લાગે છે કે પત્રકાર જ તેમની લડાઈ લડી શકે તેમ છે. આમ હવે તો દરેક બાબત માટે પત્રકાર જ કંઈક કરશે તેવી અપેક્ષા સાથે લોકો અખબારો અને ટેલીઝન ચેનલોની ઓફિસમાં પહોંચી જાય છે.
પહેલા તો મારા જે મિત્રો સાર્વત્રીક સમસ્યા લઈ આવતા ત્યારે હું તેમને અકળાયા વગર સમજાવી શકતો હતો, પણ હવે ધીરે ધીરે મારી અકળામણ પણ વધી ગઈ છે, જ્યારે મને કોઈક કહે તમે કંઈક કરો, ત્યારે હું તરત તેમને સામો સવાલ પુછી નાખુ છું કે તમારી સમસ્યા માટે તમે પોતે શું કર્યું? તમારી સમસ્યા સંબંધીતે સાંભળી નહીં તો તમે ઉપરી અધિકારી પાસે તે રજૂઆત કરવા ગયા? તમે આ મામલે કોઈ લીખિત રજૂઆત કરી તો મોટા ભાગના કિસ્સામાં ખબર પડે છે કે આપણે આપણી સમસ્યા માટે કોઈની પાસે રજૂઆત કરવા જતાં જ નથી અને આપણી સમસ્યા જ કોઈ સાંભળતું નથી તો આપણી વ્યવસ્થા પ્રમાણે તેમના ઉપરી પાસે આપણે રજૂઆત પણ કરતા નથી. આવી પ્રાથમિક ફરજ પણ આપણે અદા કરતા નથી. જેના કારણે જે સમસ્યા છે તે વધુ વિકરાળ બને છે અને તંત્ર માનવા લાગે છે કે આપણી સમસ્યા સાથે જીવવા માટે આદી થઈ ગયા છીએ. આપણે સાર્વત્રીક સમસ્યા માટે માધ્યમો પાસે જવું જોઈએ પણ માધ્યમો પાસે જતા પહેલા આપણાથી જે કઈ પ્રયત્ન થઈ શકે તે કરવા જોઈએ નહીંતર એકાદ દિવસ માટે આપણી સમસ્યા અખબારોમાં સ્થાન લેશે પણ તેનું પરિણામ આવશે નહીં.
ક્યારેક તો હું મારી સામે ફરિયાદ લઈ આવનારને પુછું કે તમે તમારી સમસ્યા માટે શું કર્યું તો મને આધાત લાગે તેવો જવાબ મળે, અમારી પાસે ક્યાં ટાઈમ છે, નોકરી ધંધો કરીએ કે સરકારી ઓફિસમાં ધક્કા ખાઈએ. મને ત્યારે બહું ગુસ્સો આવે છે પણ હવે સમજાય છે કે આપણા દેશમાં આવી માનસીકતા ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે જન આંદોલનો થતાં નથી, આપણને ડુંગળીના ભાવ વધે ત્યારે તકલીફ પડતી નથી, આપણને પેટ્રોલના ભાવ વધે તો વાંધો પડતો નથી, આપણા ઘરમાં કોઈ શિક્ષીત બેરોજગાર હોય તો આપણને ગુસ્સો આવતો નથી, પાનના ગલ્લે અને ચાની લારી ઉપર આપણે આપણી સમસ્યાની ચર્ચા કરીએ છીએ અને ત્યાં જ આપણે સમસ્યાને છોડી આપણા કામ ધંધા ઉપર જતા રહીએ છીએ, જે પ્રજા લડતી નથી તેને કંઈ જ મળતું નથી. આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડશે, આપણે કહીએ છીએ ન્યાય મફત મળે છે પણ આખા વિશ્વમાં કોઈને ન્યાય મફત મળ્યો નથી, જેણે કિંમત ચુકવી છે તેમને જ ન્યાય મળે છે.
અખબારો અને માધ્યમો ક્યારેય ન્યાય અપાવી શકતા નથી, જે લડે છે તેની જ વાત માધ્યમો લખે છે. જે લડાઈ લડતા નથી તેની નોંધ ક્યારેય માધ્યમો લેતા નથી. એટલે આપણી લડાઈ માધ્યમો લડશે તેવી અપેક્ષા રાખવી વાજબી નથી, હવે પહેલા જેવું પત્રકારત્વ રહ્યું નથી. તેવો આરોપ થાય છે. તેમાં તથ્ય પણ છે પણ જ્યારે બધુ જ બદલાઈ રહ્યું છે અને આપણે પોતે પણ બદલાઈ ગયા છીએ ત્યારે આપણે માત્ર પત્રકાર પાસે જ અપેક્ષા રાખવી કે તું બદલાતો નહીં તે વાજબી નથી. વિશ્વભરમાં નાના મોટા પત્રકારો પોતાની રીતે પોતે કિંમત ચુકવી પોતાનું કામ કરે છે પણ બધા જ પત્રકારો તેવા હશે તેવું ક્યારે બનવાનું નથી. આપણો બધો જ ભાર પત્રકારના ખભા ઉપર મુકી દેવો તે પણ વાજબી નથી. પત્રકાર કાયમ બીજા માટે લડે ત્યારે આપણે આપણા માટે તો લડવુ પડશે, બોલવુ પડશે, આપણા કંફર્ટ ઝોનમાંથી બહાર આવું પડશે, કારણ પત્રકાર ભગવાન નથી જ્યારે પત્રકાર માનવા લાગે છે કે તે ભગવાન છે ત્યારે તે પોતે પણ એટલો જ દુઃખી થાય છે કારણ તેને સમજાય છે કે બધાની સમસ્યાનો ઉકેલ તે લાવી શકતો નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગિફ્ટસિટીમાં 5 સ્ટાર હોટલ ‘ગ્રાન્ડ મરક્યુરી’નું સીએમ રૂપાણીનાં હસ્તે ઉદ્ઘાટન
Next articleજાન્યુઆરીમાં ત્રણ દિવસીય સમસ્ત બ્રહ્મ સમાજનો મેગા બિઝનેશ સમિટ-૨ યોજાશે, કેટલાક ઉદ્યોગકારો લેશે ભાગ