Home ગુજરાત નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રી...

નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી ‘વન સેતુ ચેતના યાત્રા’નો ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

27
0

(G.N.S) dt. 18

નવસારી

જંગલ અને જમીનના છોરૂ આદિજાતિઓને વિકાસના અવસરો આપી વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા સશક્ત વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ બનાવ્યા

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,

  • વન સેતુ ચેતના યાત્રા વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે*
    *• વડાપ્રધાનશ્રીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે • વન બંધુને વિશ્વબંધુ બનાવવા સરકારે વન બંધુ કલ્યાણ યોજના- ૨.૦માં ૨૦૨૩-૨૪ સુધીમાં રૂ. ૪૭,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે
  • આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી

*રાજ્ય સરકારે વન અધિકાર અધિનિયમ હેઠળ ૧ લાખથી વધુ લાભાર્થીઓને જંગલની જમીન ફાળવણી કરી સનદો આપી: વન મંત્રી મૂળુભાઈ બેરા

અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાંથી પસાર થનારી યાત્રા ત્રણ લાખ આદિવાસી બંધુઓને સરકારની સિદ્ધિઓ અને વિકાસકાર્યોની ઝાંખી કરાવાશે

પાંચ દિવસીય વન સેતુ ચેતના યાત્રા ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓને આવરી લેશે

રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટને આવરી લેતી ‘વન સેતુ ચેતના યાત્રા’નો નવસારી જિલ્લાના વાંસદાથી ભવ્ય શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વન બંધુ વિશ્વબંધુ બને એ માટે રાજ્ય સરકારે વન બંધુ કલ્યાણ યોજના- ૨.૦ હેઠળ ૨૦૨૩ ૨૪ ના વર્ષમાં ૪૭,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે.

આદિજાતિઓના વિકાસની નવી પરિભાષા અંકિત કરવાના ધ્યેય સાથે નવસારી, ડાંગ, અરવલ્લી, છોટા ઉદેપુર અને મહીસાગર જિલ્લામાં નવી મેડિકલ કોલેજ સ્થાપવાની દિશામાં કામગીરી આરંભી છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોએ અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ શ્રદ્ધાપૂર્વક શીશ ઝૂકાવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓએ આ અભિયાન રૂપે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફ-સફાઈ કરી હતી. તેમણે ઉનાઈ મંદિર પરિસરમાં રૂ.૧.૭૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગની વિવિધ યોજનાકીય લાભો, સહાયના ચેકોનું વિતરણ આ યાત્રા પ્રારંભે કર્યું હતું.

તા.૧૮ થી ૨૨ જાન્યુ. સુધીની પ દિવસની આ વન સેતુ ચેતના યાત્રા ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ ૧૩ જિલ્લાના ૫૧ તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ-બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ, વિકાસકાર્યોની ઝાંખી કરાવશે.

વન સેતુ ચેતના યાત્રામાં ઉપસ્થિત વિશાળ જનસમુદાયને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા બે દાયકાથી મળી રહ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા વિકાસની મુખ્યધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાતનો ડાંગ જિલ્લો અને શબરી ધામ આદિવાસી અસ્મિતાના પ્રતિક હોવાનું જણાવી કહ્યું કે, શ્રી રામના પાવન પગલાં જે ભૂમિ પર પડ્યા એ ગુજરાતની ભૂમિ પર આપણને વિકસવા અને વસવા મળ્યું એ આપણું સૌભાગ્ય છે.

મહાભારતના પૌરાણિક કાળમાં ડાંગપ્રદેશનો દંડકારણ્ય નામે ઉલ્લેખ છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આદિવાસીઓના આરાધ્ય માતા શબરી વિના રામાયણ અધૂરી છે. શબરીજીના એંઠા બોર ખાઈને ભગવાન શ્રીરામે આદિજાતિ માતાના સ્નેહ, વાત્સલ્ય અને મમતાની અનુભૂતિ કરી હતી.

વન રક્ષક અને પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્યો છે એમ જણાવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આદિજાતિ બાંધવોના પ્રકૃતિ પ્રેમ અને વન્ય જીવો પ્રત્યેની સંવેદનાને બિરદાવી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, વન સેતુ ચેતના યાત્રા રાજ્યના નાગરિકોમાં વન્ય જીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે.

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય અને પવિત્ર ઉત્સવ દેશભરમાં ઉજવાશે તે સમગ્ર દેશવાસીઓ માટે વિકાસની દિપાવલી સમાન લોકોત્સવ બની રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહ દિવસે જ આદ્યશક્તિ ધામ અંબાજીમાં વન સેતુ ચેતના યાત્રા પૂર્ણ થશે અને તે પણ વનવાસી વિસ્તારમાં વિકાસની નવી ઉર્જા-ચેતના જગાવશે એમ તેમણે કહ્યું હતું.

લોકસભા સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલે જણાવ્યું કે, વિકાસ પુરૂષ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનહિતની યોજનાઓનો લાભ લઈ દેશના ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. ‘આદિવાસી અને શ્રી રામ’ને એકબીજાથી ક્યારેય અલગ ન કરી શકાય. કારણ કે, ભગવાન રામે ૧૪ વર્ષ સુધી જંગલના આદિવાસીઓ, પ્રકૃતિ જીવો સાથે રહી કઠિન જીવન વિતાવ્યું હતું. આગામી તા.૨૨મીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની વડાપ્રધાનશ્રી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે ત્યારે પ્રત્યેક નાગરિકો ઘરઆંગણેથી જ અયોધ્યામાં માનસિક ઉપસ્થિતિ સાથે જોડાય તેવું આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે વન મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ યાત્રાની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા સાથે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી ક્ષેત્રમાં વસતા આદિવાસી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, અભિયાનોથી વાકેફ કરવા અને સાંકળવાનો ક્ષેત્ર; વિશેષત: આદિમ જૂથના લાભાર્થીઓને પાકા મકાનની સુવિધા, પાકી સડકો, આરોગ્ય, વીજળી, શિક્ષણ, ઘર આંગણે જ આતુષ્માન ભારત યોજનાનો લાભ આપવાનો આશય છે. વન વિભાગ દ્વારા આદિજાતિ બાંધવો સહિત આદિમ જૂથો વંચિત, જરૂરિયાતમંદ લાભાર્થીઓમાં ચેતનાનો સંચાર કરી મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ છે.
વન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં સહભાગી વન વ્યવસ્થા મંડળીઓમાં રૂ.૧૬.૨૫ કરોડના ૯૫ લાખ જેટલા વાંસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું એમ જણાવી શ્રી બેરાએ ઉમેર્યું કે, રાજ્યમાં ૨૦૦ જેટલા વન ધન વિકાસ કેન્દ્ર અને ૨૧ જેટલા આદિમ જૂથ વિકાસ કેન્દ્રની સ્થાપના થકી આશરે ૬૦ હજાર જેટલા લાભાર્થીઓને જોડવામાં આવ્યા છે. વન અધિકાર અધિનિયમ હેઠળ ૧ લાખથી વધુ લાભાર્થીઓને જંગલની જમીન ફાળવણી કરી સનદો આપી છે. માળખાકીય સુવિધા માટે કુલ ૨૧૦૦ જેટલા કામો પણ આદિજાતિ વિસ્તારોમાં મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઘાસની ઉપલબ્ધતા ધ્યાને રાખતા હાલમાં જ સ્થાનિક સ્તરે લોકોને વિનામૂલ્યે ઘાસ કાપી લઇ જવા મંજૂરી રાજ્ય સરકારે આપી છે.

આ અવસરે આદિજાતિ વિકાસ, શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આદિવાસીઓને વિકાસની મુખ્યધારામાં જોડવા કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી છે. રાજ્યની આશ્રમશાળાઓમાં ૨.૧૬ લાખ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેનો ખર્ચ રાજ્ય સરકાર વહન કરે છે. મેડિકલ કોલેજોમાં હવે તમામ આદિવાસીઓની સીટો ભરાય છે. આદિવાસીઓ વિદ્યાર્થીઓ માટે ફ્રિશીપ કાર્ડ યોજના આશીર્વાદરૂપ નીવડી છે.

વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિવાસી બાંધવોના વિકાસ થાય તે માટે પૂર્ણ પ્રયાસો કરી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ નાગરિકોના વિકાસને નવો આયામ આપ્યો છે. જેના મીઠા ફળો લાખો આદિવાસી બંધુઓ, યુવાનો, મહિલાઓને મળી રહ્યા છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, તાજેતરમાં દેશની ૭૫ જેટલી આદિમજુથની જાતિઓના કલ્યાણ માટે રૂ.૨૪ હજાર કરોડનું બેજટ ફાળવી પી.એમ.જનમન યોજના હેઠળ ૧૧ જેટલા યોજનાકીય લાભો મળી રહે તે માટેની ઉમદા પહેલ કરી છે. ગુજરાતની આદિમ જૂથની ૫ જાતિના ૭ લાખ પરિવારોના ૨૮ લાખ નાગરિકોને લાભાન્વિત કરવાનું બીડું ઝડપ્યું છે.

મુખ્યમંત્રીશ્રીનું અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ અને વૃક્ષનો છોડ આપી સ્વાગત કરાયું હતું.

પ્રારંભે અગ્ર વન સંરક્ષકશ્રી સંજીવ કુમારે સ્વાગત પ્રવચનમાં વન સેતુ ચેતના યાત્રાની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, સાંસદ સર્વશ્રી પ્રભુભાઈ વસાવા, ડૉ. કે.સી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ, દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય સર્વશ્રી અરવિંદ પટેલ, ભરત પટેલ, ગણપતસિંહ વસાવા, સંદીપ દેસાઈ, નરેશ પટેલ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ વડા સુશીલ અગવાલ, દક્ષિણ ગુજરાત વનવિભાગના વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી પુનિત નૈયર, આનંદ કુમાર, ડો.કે. શશી કુમાર, એસ. મનિશ્વર રાજા સહિત મોટી સંખ્યામાં આદિજાતિ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકમિશનરશ્રી, ટેકનિકલ શિક્ષણની કચેરીએડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) ડિપ્લોમાથી ડીગ્રી (D to D) ઈજનેરીમાં પ્રવેશ માટેની પરીક્ષા(DDCET)ના અભ્યાસક્રમમાં સુધારો
Next articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાકીય અને પુણ્યકાર્યોમાં જન્મદિવસ વિતાવ્યો