નવસારી જિલ્લામાં સવારે ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં વર્ષનો છેલ્લો દિવસ 9 લોકો માટે જિંદગીનો છેલ્લો દિવસ બની ગયો હતો. વલસાડથી ભરૂચ જતી ફોર્ચ્યુનરના ચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઈડર કૂદી ગઈ હતી અને અમદાવાદના પ્રમુખસ્વામીનગરમાંથી પરત ફરી રહેલી બસ સાથે જોરદાર અથડાઈ હતી, જેથી બસના મુસાફરને હાર્ટ-એટેક આવી ગયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 લોકોનાં તેમજ બસમાં સવાર એક મુસાફરનું મોત થતાં કુલ 9 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 30 જેટલા લોકોને ઈજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું તેમજ આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50-50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતને નજરે જાનાર બસના ચાલકે કહ્યું- સવારે શાંત માહોલમાં અચાનક ગાડી સામે આવી અને બૂમાબૂમ શરૂ થઈ હતી. પ્રમુખસ્વામીનગરમાંથી અમે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. પ્રમુખસ્વામીના આશીર્વાદથી અમે બચી ગયા હતા. વહીવટી તંત્રના અંદાજ મુજબ, સવારે ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકને ઝોકું આવી ગયું હોઈ શકે છે, જેને કારણે અમદાવાદ તરફ જતા ટ્રેક પરથી કાર સીધી મુંબઈ તરફ ડિવાઈડર કૂદી જતી રહી હતી. એને કારણે અમદાવાદથી આવી રહેલી લક્ઝરી બસ સાથે એ અથડાઈ હતી, જેથી અકસ્માત સર્જાયો હતો.
એને કારણે ફોર્ચ્યુનરમાં સવાર 8નાં મોત નીપજ્યાં હતાં અને અન્ય એકને મલ્ટીપલ ફ્રેક્ચર થયું હોવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર હતો કે લક્ઝરી બસ સાથે કાર અથડાતાં બસમાં સવાર મુસાફરને હાર્ટ-એટેક આવ્યો હતો. બસમાં સવાર 30 લોકોને નાનીમોટી ઈજા થતાં નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલા લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સામાન્ય ઈજા પામનારા લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર લોકો વલસાડના કોલક ગામના વતની છે, જેઓ અમદાવાદ ખાતે બાપ્સના પ્રમુખસ્વામીનગર કાર્યક્રમમાંથી વલસાડ પરત ફરી રહ્યા હતા.
ફોર્ચ્યુનરમાં સવાર મૃતક યુવાનો અંકલેશ્વરની પ્રો લાઈફ કેમો ફાર્મા નામની કંપનીના કર્મચારી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. કારમાં સવાર એકને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધીક્ષક, જિલ્લા અધિક કલેકટર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખડે પગે હાજર રહીને ઇજાગ્રસ્તને સારવાર અપાવી હતી.
અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનો મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી છે અને દવાની કંપનીમાં કામ કરે છે. પોતાની કંપનીના સ્ટાફની સગાઈમાં શુક્રવારે સવારે વલસાડ ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માત થયો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.