Home ગુજરાત નર્મદા નદી ઉપર માલસર પાસે બનેલા રૂ. ૨૨૫ કરોડના બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર...

નર્મદા નદી ઉપર માલસર પાસે બનેલા રૂ. ૨૨૫ કરોડના બ્રિજનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે

36
0

(G.N.S) dt. 23

વડોદરા

વડોદરા જિલ્લાને ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડવા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર ૧૩૧૨ કિ. મિ. લાંબી નર્મદા નદી પર ૫૬મો બ્રિજ બન્યો ૦૦૦ વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે, જંગલની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે.

વડોદરા જિલ્લાને બે જિલ્લા, ભરૂચ અને નર્મદાને ટૂંકા અંતરથી જોડતા ડભોઇ, શિનોર, માલસર, અશા રોડ પર નર્મદા નદી ઉપર રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા પૂલનું આગામી તા. ૨૭ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં છોટા ઉદેપુર ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન લોકાર્પણ થશે.

આ બ્રિજ બનતા વડોદરાથી નેત્રંગ ઉપરાંત ડેડિયાપાડ, મહારાષ્ટ્ર જવા માટે ૨૦ કિલોમિટરનું અંતર ઓછું થઇ ગયું છે. પૂલ બનવાથી બીજો મોટો લાભ એ થશે કે કપરા ચઢાણ, ડુંગરાળ વિસ્તારનો માર્ગ એક તરફ થઇ જશે. એક રસપ્રદ વાત એ પણ છે કે, છેક મધ્યપ્રદેશના અમરકંટકથી પ્રગટી ખંભાતની ખાડીમાં સાગરને મળતા મા નર્મદાના ૧૩૧૨ કિલોમિટરના લાંબા પ્રવાહના ઉપરથી વાહનો પસાર કરવા માટે અત્યાર સુધી કૂલ ૫૫ બ્રિજ બનાવવામાં આવ્યા છે. તેમાં આ માલસર પાસે વડોદરા માર્ગ અને મકાન વિભાગ (ગ્રામ્ય) દ્વારા નિર્માણાધિન આ પૂલ ૧૩૧૨ કિલોમિટર લાંબી આ નદી ઉપર બાંધવામાં આવેલો ૫૬મો બ્રિજ બન્યો છે. નર્મદા નદી ઉપર મહત્તમ પૂલ મધ્યપ્રદેશમાં છે. સેટેલાઇટ તસવીરોનો અભ્યાસ કરવાથી આ બાબતનો સારી રીતે ખ્યાલ આવી શકે છે. સ્વેર ટાઇપ આ બ્રિજની માહિતી આપતા કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ થોરાટે કહ્યું કે, ડભોઇ, શિનોર, માલસર અને અશા તરફના રાજમાર્ગ ઉપર નર્મદા નદી પર પીએસસી ગર્ડર ડેક પૂલ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ છે. બ્રિજ માટે ૧૬ પિલ્લર બનાવવામાં આવ્યા છે.

બીજી એક રસપ્રદ વાત તો એ છે કે રૂ. ૨૨૫ કરોડના ખર્ચથી બનેલા આ પૂલ માટે કૂલ ૧૨ હજાર ટન વિવિધ પ્રકારનું લોખંડ વાપરવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં, બ્રિજ બનાવવા માટે ૨૦ હજાર ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આટલી સામગ્રીથી તો ત્રણ બેડરૂમ હોલ કિચનની સુવિધાવાળા અને ૭ માળના ૧૫થી વધુ એપાર્ટમેન્ટ બની શકે ! એના ઉપરથી બ્રિજની કામગીરીનો ખ્યાલ આવી શકે છે.

કૂલ ૩.૫ કિલોમિટરની લંબાઇ અને ૧૬ મિટરની પહોળાઇ ધરાવતા આ બ્રિજનો ૯૦૦ મિટરનો હિસ્સો નદી ઉપરથી પસાર થયો છે. બાકી અશા તરફ ૬૦૦ મિટર અને માલસર સાઇડ ૨ કિલોમિટરનો ભાગ છે. બ્રિજ બનતા શિનોર તાલુકાને નર્મદા જિલ્લાના નાંદોદ તથા ભરૂચ જિલ્લાના ઝગડિયા જવા માટે વીસેક કિલોમિટરનું અંતર ઓછું થશે. વડોદરાથી નેત્રંગ, ડેડિયાપાડા ઉપરાંત મહારાષ્ટ્ર બાજું જતાં વાહનવ્યવહારને સરળતા થશે. તદ્દઉપરાંત, રાજપીપળા, ડેડિયાપાડાની ઘાટીઓના ચઢાણ ચઢવામાંથી ભારે વાહનોને મુક્તિ મળશે. સમય અને ઇંધણમાં બચત થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો વિધિવત પ્રારંભ
Next articleઅંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલના હસ્તે વર્ચ્યુઅલ રિયાલિટી કેન્દ્ર ઉદ્ઘાટન કરાયું