(જી.એન.એસ)અમદાવાદ,તા.૧૧
શહેરના નરોડા રોડ પર ગત રાતે ઉઘરાણીના પૈસા લઇ ઘરે પરત ફરતા કાપડના દલાલ પાસેથી રોકડ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી બે શખ્સો ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાઈક પર આવેલ બે શખ્સોએ દલાલને એક્ટિવા પરથી નીચે પાડી બેગની લૂંટ કરી હતી.
મળતી માહિતી મુજબ નરોડા વિસ્તારમાં આવેલી નવદુર્ગા સોસાયટીમાં અશોકભાઈ કિશનચંદાની તેમના પરિવાર સાથે રહે છે. તેઓ કાપડની દલાલીનો વ્યવસાય કરે છે. દર મંગળવારે તેઓ સુરત ખાતે ઉઘરાણી માટે જાય છે. ગઈ કાલે સવારે તેઓ ટ્રેન મારફતે સુરત ઉઘરાણી માટે ગયા હતા. સુરતમાં વેપારીઓ પાસેથી ઉઘરાણી કરી રાતે દસ વાગ્યે ટ્રેનમાં અમદાવાદ પરત ફર્યા હતા. એક્ટિવામાં આગળના ભાગે ઉઘરાણીના રૂપિયા અને અન્ય કાગળો, ચેક ભરેલો થેલો ભરાવી ઘરે જવા નીકળ્યા હતા.
નરોડા રોડ પર કુબેરેશ્વર મહાદેવ પાસે તેઓ પહોંચ્યા ત્યારે બાઈક પર આવેલ બે શખ્સોએ અશોકભાઈના એક્ટિવાને લાત મારી હતી, જેથી તેઓ નીચે પડી ગયા હતા. એક લૂંટારુએ બેગની લૂંટ કરી અને બાઈક પર બેસી નાસી ગયા હતા. ઘટના બનતાં લોકોનાં ટોળાં ભેગા થઇ ગયાં હતાં. શહેરકોટડા પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.