નડિયાદ તાલુકાના વનીપુરા ગામના યુવાને અન્ય ગામમાં રહેતા BSF જવાનની પુત્રીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેથી BSF જવાન અને તેમના પરિવારજનો ઠપકો આપવા ગયા હતા. આ દરમિયાન મામલો બિચકતાં યુવાનના કૌટુંબિક 7 વ્યક્તિઓએ ઠપકો આપવા આવેલા BSF જવાન અને તેમના પરિવારજનો પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો છે. લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં BSF જવાનનું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. નડિયાદ તાલુકાના એક ગામે રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા પોતે BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા. તેમની ગામની બાજુમાં આવેલા વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ આ મેલજીભાઈની દિકરીનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.
જે બાબતે મેલજીભાઈ અને તેમની પત્ની તથા તેમનો દીકરો તેમજ મેલજીભાઈનો ભત્રીજો આ તમામ લોકો રાત્રે ઠપકો આપવા આ શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા. શૈલેષ ઉર્ફે સુનિલ તો ઘરે હાજર નહોતો પણ તેમના પરિવારજનો ઘરના આંગણામાં તાપણું કરી રહ્યા હતા. આ દરમિયાન મેલજીભાઈએ ઠપકો આપતા શૈલેષ ઉર્ફે સુનિલના માવતર અકળાયા અને જણાવ્યું કે, તમે મારા દિકરાને ખોટો વગોવો છે. જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લેતાં શૈલેષ ઉર્ફે સુનિલના પિતા દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ આ તમામ લોકો લાકડી, ધારીયા, પાવડા લઈને BSF જવાન અને તેમના દિકરા તથા ભત્રીજા પર તૂટી પડ્યા હતા.
આ ભાવેશ ચીમનભાઈ જાદવે તેના હાથમાનું ધારીયુ મેલજીભાઈને માથાના ભાગે તથા તેમના દિકરા નવદીપને માર્યું હતું. જેના કારણે આ બંને લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઉપરાંત અન્ય લોકોએ પણ લાકડી લઈ આવી મંજુલાબેન તથા અન્ય લોકો પર હુમલો કરી દીધો હતો. આ બાદ હુમલાખોરો ખેતરાળુ રસ્તે થઈ પલાયન થઈ ગયા હતા. જોકે, 108 એમ્બ્યુલન્સ વાહન મારફતે ઘાયલ થયેલા BSF જવાન મેલજીભાઈને તથા તેમના દિકરાને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
જ્યાં ફરજ પરના તબીબે જવાન મેલજીભાઈનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે નવદીપને વધારે ઇજા હોવાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ બનાવ સંદર્ભે મરણજનાર મેલજીભાઈ વાઘેલાની પત્ની મંજુલાબેને ચકલાસી પોલીસમાં મોતને ઘાટ ઉતારનાર દિનેશભાઈ છબાભાઈ જાદવ, કાકા અરવિંદભાઈ છબાભાઈ જાદવ, દાદા છબાભાઈ ચતુરભાઈ જાદવ, સચિન અરવિંદભાઈ જાદવ, ભાવેશ ચીમનભાઈ જાદવ, કૈલાશબેન અરવિંદભાઈ જાદવ અને શાંતાબેન ચીમનભાઈ જાદવ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આઈપીસી 302, 307, 323, 504, 143, 147, 149 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. BSF જવાનની હત્યાની જાણ તેમના મિત્ર વર્તુળમાં થતા મિત્ર વર્તુળો પણ ઘેરા શોકમાં ડૂબી ગયા છે અને મેલજીભાઈના પરિવારજનોના પડખે ઊભા રહ્યા છે. મેલજીભાઈના મૃતદેહને પોલીસની જરૂરી કાર્યવાહી કરાયા બાદ તેમના પરિવારજનોને સોંપ્યો છે.
રવિવારે તેમના વતન ખાતે મેલજીભાઈ વાઘેલાના મૃતદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા છે. નોંધનીય છે કે, આ બનાવના કારણે એક પત્નીએ પોતાનો સુહાગ તો 3 દિકરા અને એક દિકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.