Home ગુજરાત નડિયાદમાં પ્રશ્નનુ નિરાકરણ ન થતાં કલેક્ટર કચેરીની સામે રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

નડિયાદમાં પ્રશ્નનુ નિરાકરણ ન થતાં કલેક્ટર કચેરીની સામે રહીશોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

32
0

વિધાનસભા ચૂંટણી નજીક છે તેવામાં રાજકારણીઓ બે હાથ જોડીને મત માગવા વિસ્તારમાં આવે છે. ત્યારે ત્યાંના રહીશો પણ પાયાની સુવિધાઓનો અભાવ કહી આવા નેતાઓનો હુરીઓ બોલાવે છે અને ચમત્કાર દેખાડે છે. મહુધા વિધાનસભા મત વિસ્તારમા સમાવિષ્ટ નડિયાદ તાલુકાના યોગીનગર ગ્રામ પંચાયત સીમમા આવેલ 3 સોસાયટીના રહીશોએ આ વિધનાસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ગટરના પ્રશ્નનુ નિરાકરણ ન થતાં સોસાયટીના રહીશો અકળાયા છે. નડિયાદ શહેરના સેવા માર્ગ તરીકે જાણીતો બનેલ ડભાણ રોડ પર કલેકટર કચેરીની સામે જીઈબીની બાજુમાં આવેલ શ્રીજી પૂજન બંગ્લોઝ, પદ્માવતી અને પુષ્પવિહાર સોસાયટી યોગીનગર ગ્રામ પંચાયતની હદ લાગે છે. અને આ તમામ મત વિસ્તાર મહુધા વિધાનસભામા સમાવિષ્ટ છે.

છેલ્લા કેટલાય માસથી ઉપરોક્ત ત્રણેય સોસાયટીની અંડર ગ્રાઉન્ડ કોમન ગટર ચોક-અપ થઇ જતાં મળ, મુત્ર બહાર રોડ પર આવતાં ખુબજ દુર્ગંધ ફેલાઈ રહી છે. સોસાયટીના રહીશો ન છુટકે પગપાળા આવી ગંદકીમાથી પસાર થવું પડે છે. ગટરના ગંદા પાણીએ તો હવે તમામ સીમાઓ ઓળંગી દીધી છે અને અહીયા એટલી હદે પારવાર ગંદકી સર્જાઈ છે કે ચાલીને જવાતુ નથી. આ ઉપરાંત મચ્છર સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં રોગચાળાની ભારે દહેશત સર્જાઇ છે. આ મામલે અનેક વાર યોગીનગર ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, કલેકટરને લેખિત રજૂઆતો કરી છે. તો કલેકટર કચેરી ખાતે જિલ્લા લોક ફરિયાદમાં પણ આ સંદર્ભે રજૂઆત કરી છે. પણ જાડી ચામડીના આ સરકારી અધિકારીઓ કોઈ નિરાકરણ ન લાવતાં અંતે લોકશાહીના પર્વનો બહિષ્કાર કરવાનો નિર્ણય સ્થાનિક રહીશોએ કર્યો છે.

સોસાયટીના રહીશોએ રોષ પૂર્વક જણાવ્યું છે કે, લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમમા રજૂઆત કરતાં તલાટી હિનુબેન ગઢવીના રૂબરૂ નિવેદન 20મી સપ્ટેમ્બરના રોજ લીધા બાદ આજ દિન સુધી ગટરના પ્રશ્ને ઉચિત કાર્યવાહી હાથ ધરી નથી. ધારાસભ્ય, સાસંદ તથા ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ તથા લોક ભાગીદારીથી કરી આ કામનો નિકાલ લાવવા માંગ કરાઈ છે. યોગીનગરના ગટરના પાણીનો નિકાલ જ્યાં થતો હોય તેમાં ગટર જોડાણ કરી આપવા માંગ ઉઠી છે. જોકે અગાઉ કલેકટરમા રજૂઆત કરતા ટીડીઓએ દિન 7મા આ અંગે તત્કાલીન નિકાલ કરવા આદેશ આપ્યો હતો. પરંતુ ગામના સરપંચે અમારી સોસાયટી પ્રત્યે ઓરમાયું વર્તન રાખી ગોળ ગોળ જવાબ આપી હાલ સુધી આ સમસ્યાનું નિરાકરણ કર્યું નથી.

સોસાયટીના બહાર અમે જાતે એક ખાડો ખોદી પ્રાથમિક રીતે આ સમસ્યાનુ નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો છે પણ સમસ્યા હજી ઠેરની ઠેર છે. જોકે આ ખાડો પણ અમને જતા આવતા જોખમી બન્યો છે. આ સોસાયટીના તમામ રહીશોએ 5મી ડીસેમ્બરના રોજ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે કલેકટર, જિલ્લા ચૂંટણી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, નડિયાદ ગ્રામ્ય મામલતદાર અને યોગીનગર તલાટીકમ મંત્રીને લેખિત જાણ પણ કરી છે. અને આ મામલે વહેલામાં વહેલી તકે કોઈ ઉકેલ લાવી આપે તેવી માંગ પ્રબળ બની છે. સમગ્ર મામલે યોગીનગરના સરપંચ પ્રદીપ વસાવાએ જણાવ્યું હતું કે, હાલ સુધી ગામમાં ગટર યોજના આવી નથી. જેના કારણે અમે ગટરનો વેરો પણ ઉઘરાવતા નથી.

ગામમાં મોટેભાગે ખારકુવા છે અને ઘરવપરાશનુ પાણીનો પણ નીકાલ છે. વાત રહી આ સોસાયટીઓની તો આ સોસાયટીના લોકોએ ડભાણથી નગરપાલિકાની લાઈનમાં જોડાણ કર્યું છે અને અમે ગટરનું જોડાણ પરમીશન આપી નથી. આ ઉપરાંત જે જોડાણ કર્યું છે તે નગરપાલિકાની લાઈન છે. આ ઉપરાંત તે સોસાયટીના રહીશોએ દટણ ખારકુવાના પાણી પણ ગટર લાઇનમા જોડ્યા છે જેના કારણે સફાઈ કર્મચારીઓને પણ સફાઈ કરવામાં મુશ્કેલી પડે છે. ગટર યોજના મામલે સરકારમા રજૂઆત કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article50 વર્ષથી કોંગ્રેસમાં રહેલા અને પૂર્વ ધારાસભ્ય કલજી કટારાના પુત્ર ભાજપમાં જોડાયા
Next articleચાલુ વર્ષે વિશ્વના કુલ ક્રુઝ જહાજોમાંથી 25% જહાજો અલંગમાં ભંગાણ માટે આવ્યા