(જી.એન.એસ)તા.૧૫
નડિયાદ,
વડતાલમાં સ્વામિનારાયણના દ્વી-શતાબ્દી મહોત્સવમાં આવેલા ચાર યુવકો ગોમતી તળાવમાં નહાવા માટે ગયા હતા. ત્યારે અમદાવાદનો એક યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહતો. અમદાવાદના મેમનગર ગુરુકુળમાં વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ રમેશભાઈ ભીમાણી સહિત ચાર યુવકો વડતાલમાં આયોજીત દ્વિશતાબ્દી મહોત્સવમાં ગયા હતા. જ્યાંથી ચારેય યુવકો ગોમતી તળાવમાં સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. દરમિયાન ઘનશ્યામ તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકો બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતાં વડતાલ પોલીસ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, રાત્રે ૮ વાગ્યા સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહતો. ફાયર બ્રિગેડની ટીમે બોટ અને અન્ય સાધનોની મદદથી શોધખોળ તેજ બનાવી છે. ડૂબી ગયેલા યુવકનું મૂળ વતન અમરેલીનું ધારી ગામ હોવાનું જાણવા મળ્યું છે. ગોમતી તળાવની ચોમેર ઉંડાઈ અંગે બોર્ડ માર્યા હોવા છતાં યુવકો સૂચનની અવગણના કરી સ્નાન માટે પહોંચ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.