(જી.એન.એસ) તા.૫
નડિયાદ,
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર નડિયાદના બિલોદરા ગામ નજીક કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કુદીને સામેની લેનમાંથી આવતી ટ્રકમાં ઘુસી ગઈ હતી. અકસ્માતમાં કાર ચાલક સહિત કારમાં સવાર મહિલા મળી ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતાં. જ્યારે બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા. રાજસ્થાનથી દીકરાનો લગ્ન પ્રસંગ પુરો કરીને સુરત પરત ફરી રહેલા સુરતના પરિવારને ગોજારો અકસ્માત નડયો હતો. સુરતના વરાછામાં રહેતા પ્રહલાદજી પુરોહિતના દીકરા કપિલના લગ્ન રાજસ્થાન ખાતે હોવાથી તેઓ પોતાના પરિવાર સાથે તા.૩૦ નવેમ્બરની રાત્રે ગાડી લઈ રાજસ્થાન ગયા હતા. લગ્ન પુરાં કરીને તેઓ તા.૩ ડિસેમ્બરને મંગળવારે રાત્રે રાજસ્થાનથી પરત સુરત જઈ રહ્યાં હતાં. તેઓ રાત્રે ૧૦ વાગ્યે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નડિયાદ નજીક બિલોદરા ગામ નજીક ગાડીનું ટાયર ફાટયું હતું. જેથી ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડ કુદીને રોંગ સાઈડની લેનમાં વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રકમાં ઘુસી ગઈ હતી. પરિણામે ગાડીના ફુરચેફુરચા ઉડી ગયા હતા. તેમજ ગાડી ચાલક દલપતભાઈ ચમાનાજી પુરોહીત તેમના માતા સુભઢીદેવી ચમનાજી પુરોહીત અને દિનેશ પરભારામ પુરોહિત નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે મનિષાબેન દિનેશભાઈ પુરોહિત અને ફુલારામ છોગાજી પ્રજાપતિને ઈજા પહોંચી હતી. ગાડી ટ્રકમાં ઘુસ્યાનો અવાજ ૫૦૦ મીટર સુધી સંભળાયો હતો. જેથી સ્થળ પર સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા કારના કાટમાળને હટાવ્યો હતો. ત્રણ લાશને બહાર કાઢી હતી અને બે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડયાં હતાં. બનાવની જાણ થતાં નડિયાદ ગ્રામ્ય પોલીસ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ માટે મોકલ્યા હતા. આ અંગે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, અકસ્માત બન્યાની તુરંત જાણ થઈ હોવા છતાં લગભગ ૧૨ વાગ્યા સુધી એક્સપ્રેસ-વે ઓથોરીટી દ્વારા બંને લેનમાં વાહનોની એન્ટ્રી ચાલુ રાખતા હજારોની સંખ્યામાં બંને તરફની લેનમાં વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. અમદાવાદ તરફ ૨૦થી ૨૫ કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હોવાનું જાણવા મળ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.