Home ગુજરાત દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો...

દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે

33
0

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને સાકાર કરે છે ગુજરાતનો માધવપુર ઘેડ મેળો

ગુજરાત આવતા પ્રવાસીઓ માટે આ મેળો રાજ્યની જીવંત સંસ્કૃતિ, પરંપરાગત રિવાજો અને ધાર્મિક વિધિઓનો અનુભવ કરવાની ઉત્તમ તક

(જી.એન.એસ) તા. 3

ઘેડ,

માધવુપર એ ગુજરાતના ઐતિહાસિક શહેર પોરબંદરમાં આવેલું એક નાનકડું ગામ છે, જ્યાં માધવપુર મેળો આયોજિત કરવામાં આવે છે. આ પરંપરાગત મેળો દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે શરૂ થાય છે અને પાંચ દિવસ સુધી ચાલે છે. આ માધવપુર ઘેડ મેળો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને સાકાર કરે છે, કારણ કે આ મેળો એક એવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જે પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓનું ઐક્ય સાધે છે.

ઉલ્લેખનીય છે કે, માધવપુર ઘેડ મેળો ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની ઉજવણી છે, અને એમ કહેવાય છે કે તેમના આ લગ્ન માધવપુર ગામમાં થયા હતા. આ મેળો ગુજરાત આવતા મુલાકાતીઓ માટે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા તેમજ રાજ્યની ધાર્મિક પરંપરાઓનો અનુભવ કરવાની ઉત્તમ તક છે.

ગુજરાત અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેનો રસપ્રદ સાંસ્કૃતિક સંબંધ

માધવપુર મેળાનો અરૂણાચલ પ્રદેશના મિશ્મી જનજાતિ સાથે રસપ્રદ સંબંધ છે. દંતકથા અનુસાર, મિશ્મી જનજાતિનો વંશ મહાન રાજા ભીષ્મક સાથે જોડાયેલો છે, જેઓ રૂક્ષ્મણીજીના પિતા અને ભગવાન શ્રીકૃષ્ણના સસરા હતા. આ ઉત્સવ રૂક્ષ્મણીજીના ભગવાન શ્રીકૃષ્ણ સાથેના વૈવાહિક સંબંધની યાદ અપાવે છે.

અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજી અને પશ્ચિમ ભારતના કાંઠે બિરાજમાન દ્વારકાના દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા લગ્નની ઉજવણી કરતો માધવપુર મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિનો સંગમ કરે છે. આ મેળાની ઉજવણી દરમિયાન બંને પ્રદેશોના કલાકારો દ્વારા વિવિધ પ્રકારના સંગીત, નૃત્ય અને નાટ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પૂર્વોત્તરના રાજ્યોના કલાકારો ઢોલ, પેપા અને વાંસળી જેવા વાદ્યો સાથે તેમનું પરંપરાગત સંગીત રજૂ કરે છે, જ્યારે પશ્ચિમી પ્રદેશ એવા ગુજરાતના કલાકારો ગરબા, દાંડિયા અને રાસ જેવા લોકનૃત્યોની રજૂઆત કરે છે. આ પાંચ દિવસીય મેળા દરમિયાન બંને પ્રદેશોની હસ્તકલા અને વાનગીઓનું પણ પ્રદર્શન યોજવામાં આવે છે, જે આ મેળાને બંને સંસ્કૃતિઓનું સાચું સંગમ સ્થાન બનાવે છે. આ મેળો ફક્ત ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નની ઉજવણી જ નથી કરતો, પરંતુ ભારતના વિવિધ પ્રદેશોના લોકોમાં એકતા અને ભાઈચારાની ભાવનાને પણ પ્રોત્સાહન આપે છે.

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન

માધવપુર સ્થિત માધવરાયજીનું મંદિર 15મી સદીમાં બાંધવામાં આવ્યું હતું, અને ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્નને લઇને તેનું ઐતિહાસિક મહત્વ છે. લોકકથા મુજબ, ભગવાન શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીને લઇને માધવપુર ગામમાં આવ્યા હતા અને અહીંયા તેમની સાથે લગ્ન કર્યા હતા. આ ઘટનાની યાદમાં માધવરાયજીનું મંદિર બાંધવામાં આવ્યું છે. આ લગ્નની યાદમાં દર વર્ષે સાંસ્કૃતિક મેળા સ્વરૂપે માધવપુર ખાતે પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન ઉપરાંત બીજી અનેક ઘટનાઓને સામેલ કરીને માધવપુર અને તેની આસપાસના ગામના લોકો પરંપરાગત રીતે ઉજવણી કરે છે. વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોમાં ‘ફુલેકા યાત્રા’નો પણ સમાવેશ થાય છે, જે માધવરાયજી મંદિરથી બ્રહ્મકુંડ સુધી કાઢવામાં આવે છે. લગ્નની ઉજવણી બીજા દિવસથી શરૂ કરવામાં આવે છે, જે માધવરાયજી મંદિરથી થઈને લગ્નની ચૉરી સુધી થાય છે અને મોડી રાત સુધી તેની ઉજવણી ચાલે છે.

માધવપુર ઘેડ મેળો દર વર્ષે ચૈત્ર મહિનામાં એટલે કે માર્ચ-એપ્રિલ મહિના દરમિયાન યોજાય છે. આ મેળા દરમિયાન, કલાકારો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ભજવવામાં આવે છે.

આ મેળામાં, ગુજરાતના રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, ભારત સરકારના સંસ્કૃતિ અને પ્રવાસન વિભાગના મંત્રીશ્રીઓ, ગુજરાત પ્રવાસન વિભાગના મંત્રીશ્રીઓ તેમજ રાજ્ય સરકારના અન્ય ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહે છે. પૂર્વોત્તરના રાજ્યોના રાજ્યપાલશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીઓ પણ આ મેળાની ઉજવણીમાં સહભાગી થાય છે.

માધવપુરના મેળા સાથે પ્રવાસીઓ માણી શકે છે પોરબંદર અને ગીર સોમનાથના પ્રવાસન સ્થળોનો આનંદ

માધવપુરના મેળામાં યોજાતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉપરાંત, મુલાકાતીઓ આ પ્રદેશના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. માધવપુર ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું છે, જે તેના મનોહર દરિયાકિનારા અને ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. મુલાકાતીઓ માધવપુર મેળાની મુલાકાત દરમિયાન પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલા નજીકના સ્થળોનો પ્રવાસ કરી શકે છે.

માધવપુર મેળો બાળકોથી માંડીને વૃદ્ધો સુધી સહુ પ્રવાસીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે. ગુજરાતની જીવંત સંસ્કૃતિનો અનુભવ કરવાની તેમજ રાજ્યના પરંપરાગત રિવાજો, ધાર્મિક વિધિઓ વગેરેને માણવા માટે આ મેળો એક ઉત્તમ તક છે, જે તેને ગુજરાતની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે એક આકર્ષક પ્રવાસન સ્થળ બનાવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field