Home ગુજરાત દ્વારકા હાઇવે પર અકસ્માત,  લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં, 15થી વધુ ઈજાગ્રસ્ત

દ્વારકા હાઇવે પર અકસ્માત,  લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં, 15થી વધુ ઈજાગ્રસ્ત

15
0

ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો

(જી.એન.એસ),તા.29

દેવભૂમિ દ્વારકા,

દેવભૂમિ દ્વારકાના પાદરમાં આજરોજ ઢળતી સાંજે એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઈક્કો મોટરકાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત મુસાફરોના કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં મૃતકોમાં બે માસૂમ બાળક પણ સામેલ છે. મળતી વિગતો મુજબ મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી છે. આ ઘટનાના પગલે સમગ્ર દ્વારકા જિલ્લાની રેસ્ક્યૂ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ, દ્વારકા-ખંભાળિયા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર બરડીયા ગામ પાસેથી આજરોજ રાત્રે આઠેક વાગ્યાના સમયે પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની એક બસ (નંબર એન.એલ. 01 બી. 2207) આડે કોઈ પશુ ઉતરતાં તેને બચાવવા માટે બસના ચાલકે કાવો માર્યો હતો. જેના કારણે આ બસ ડીવાઈડર ટપીને રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ સમયે દ્વારકા તરફથી આવી રહેલી એક સ્વીફ્ટ મોટરકાર (નંબર જી.જે. 11 બી એચ 8988) અને તેની સાથે એક ઈક્કો મોટરકાર (નંબર જી.જે. 18 બી.એલ. 3159) વચ્ચે ત્રિપલ અકસ્માત બાદ પાછળ આવી રહેલું એક મોટર સાઇકલ પણ આ અકસ્માતગ્રસ્ત વાહન સાથે ટકરાયું હતું. આ ઘટનામાં અન્ય એક રાહદારી પણ આ અકસ્માતની અડફેટે ચડી ગયા હતા.

આ અકસ્માતમાં જુદા જુદા વાહનોમાં સવાર સાત મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય આશરે 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી 108 એમ્બ્યુલન્સ તેમજ સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને હોસ્પિટલ તેમજ ખંભાળિયા ખસેડવાની તાકીદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આટલું જ નહીં, આ ગમખ્વાર અકસ્માત થતાં અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ વિગેરે પણ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં મદદરૂપ થયા હતા. ખંભાળિયાની સરકારી હોસ્પિટલોમાં ઘવાયેલાઓને તાકીદે તમામ સારવાર મળી રહે તે માટે જામનગરથી જી.જી. હોસ્પિટલના ડોક્ટરોની ટીમનું પણ અત્યારે આગમન થયું હતું. જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ ડોક્ટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પ્રાંત ઓફિસર અનમોલ અવટેએ જણાવ્યું હતું કે, ફર્ન હોટેલ પાસે એક રોડ અકસ્માત થયો છે. જેમાં એક બસ, બે કાર અને એક મોટર સાઈકલ વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. જેમાં 7લોકોના મોત અને 15 લોકો ઘાયલ છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે. મૃતકોમાં પાંચ લોકો કલોલ ગાંધીનગરના રહેવાસી છે. જેમાં હેતલબેન ઠાકુર (28 વર્ષ), પ્રિયાંશી ઠાકુર (18 વર્ષ), તાન્યા ઠાકુર (3 વર્ષ), રિયાજી ઠાકુર (2 વર્ષ) અને વિરેન ઠાકુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બરડીયાના રહેવાસી 26 વર્ષીય ચિરાગ રાણાભાઇ અને અન્ય એક મહિલાનું પણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવના પગલે અહીંના ઇન્ચાર્જ જિલ્લા પોલીસવડા હાર્દિક પ્રજાપતિ તેમજ દ્વારકાના ડી.વાય.એસ.પી. સાગર રાઠોડની ટીમે હાઈવે માર્ગ પર જરૂરી બંદોબસ્ત ગોઠવી, વાહન વ્યવહાર તેમજ ઘવાયેલાઓ માટે વ્યવસ્થાઓ કરી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતકની સંખ્યા વધે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં મૃતક હતભાગીઓના પોસ્ટમોર્ટમ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ બનતા અહીંના પ્રાંત અધિકારી મામલતદાર પણ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિશ્વ હૃદય દિવસ: હૃદયરોગના દર્દીઓ માટે આશાની કિરણ બની ગુજરાતની યુ.એન. મહેતા હોસ્પિટલ
Next articleરાહુલ ગાંધી વિપક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે, દેશનું પણ નેતૃત્વ કરશે : સચિન પાયલટ