(જી.એન.એસ),તા.30
નવીદિલ્હી
દેશભરમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. કેટલીક જગ્યાએ વરસાદ, ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગાઢ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ ઠંડીના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દિલ્હીમાં 2 દિવસના વરસાદને કારણે રાજસ્થાનના અજમેરમાં 101 વર્ષ અને 14 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. શુક્રવારે દિલ્હીમાં 41.2 મીમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા વર્ષ 1923માં દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં 24 કલાકમાં 75.7 મીમી વરસાદ નોંધાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીથી દોડતી 14 ટ્રેનો મોડી પડી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 અને 31 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં તીવ્ર શીત લહેર આવવાની સંભાવના છે. 29 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી હરિયાણા, ચંદીગઢ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને રાજસ્થાનમાં પણ શીત લહેર રહેશે. હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં ઠંડી વધી શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસ છવાયેલો રહેશે. જ્યારે બીજી તરફ 2 દિવસ પછી નવા વર્ષની શરૂઆત થવાની છે અને તેની પહેલાં તમામ પહાડી રાજ્યોમાં બરફનો અટેક થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પહાડો પર જબરદસ્ત બરફવર્ષા થઈ રહી છે. જેને નિહાળવા અને તેનો લુત્ફ ઉઠાવવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ પહાડી રાજ્યોમાં પહોંચી રહ્યા છે. કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સુધી બરફની ચાદર છવાઈ ગઈ છે. જેણે સ્થાનિકોની મુશ્કેલીમાં મોટો વધારો કર્યો છે. તો પ્રવાસીઓને લીલા લ્હેર થઈ ગયા છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. કેમ કે કાશ્મીરથી લઈને ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સુધી કુદરતે સફેદ શણગાર કર્યો છે. ત્રણેય રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. અહીંયા સોલંગ વેલીમાં મન મૂકીને બરફ વરસ્યો છે. રસ્તા પર અનેક ફૂટ સુધી બરફ જમા થઈ ગયો છે. ચારેબાજુ બરફની સફેદ ચાદર જોવા મળી રહી છે. જેનો લુત્ફ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં પહોંચી રહ્યા છે. બરફ વર્ષાને પોતાની આંખોની સામે જોઈને પ્રવાસીઓના દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયા છે. આ તરફ ઉત્તરાખંડમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. જેમાં કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં પણ પુષ્કળ બરફ વરસ્યો છે. મંદિરના પ્રાંગણથી લઈને આજુબાજુ અનેક ફૂટ સુધી બરફ જામી ગયો છે. જ્યારે જમ્મુ કાશ્મીરના અનંતનાગ ભારે ઠંડી અને હિમવર્ષાના કારણે અહીંયા રસ્તા, મકાન, ગાડીઓ બધું બરફમાં ઢંકાઈ ગયું છે. જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, નાના બાળકોને તો બરફમાં રમવાની મજા પડી ગઈ. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જમ્મુ કાશ્મીરના શ્રીનગર અને જોઝિલા પાસ વિસ્તારમાં અનેક ફૂટ સુધી બરફના થર જામી ગયા. જો કે, વાહન વ્યવહારને અસર ન થાય તે માટે સ્થાનિક તંત્ર તરફથી રસ્તા પરના બરફને દૂર કરવાની કામગીરી કરવામાં રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાના કારણે પ્રવાસીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ કેટલાંકની ફ્લાઈટ પણ કેન્સલ થઈ ગઈ. પરંતુ કુદરતના મનોરમ્ય નજારાને જોઈને તેમની મુશ્કેલી ખુશીમાં બદલાઈ ગઈ છે. પહાડી રાજ્યોમાં બરફવર્ષાથી મેદાની વિસ્તારોમાં શીત લહેર ફેલાઈ ગઈ છે. તેની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા દિવસોમાં ઠંડીનું પ્રચંડ રૂપ જોવા મળશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.