રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા આક્ષેપો- પ્રતિ આક્ષેપો પણ વધુ તેજ બની રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે તાલુકામાં તાજેતરમાં ઝડપાયેલા સસ્તા ભાવના અનાજના કૌભાંડ બાદ અહીંના આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ અંગે અંગત રીતે છાન-બિન કરી, રાજ્યમાં મોટા પાયે કોભાંડ હોવા અંગેના આક્ષેપો કર્યા છે. તેના અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનો દ્વારા યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ફક્ત ભાણવડ તાલુકામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં ચોક્કસ વર્ગને મળવા પાત્ર સસ્તા અનાજના રેશનકાર્ડમાં વ્યાપક કૌભાંડો આચારવામાં આવ્યા છે.
જેના અનુસંધાને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. આશરે અઢી વર્ષના સમયગાળા દરમિયાન કૌભાંડી તત્વોએ રાશનકાર્ડમાં બોગસ નામ ચડાવવાનું કૌભાંડ આચરી, છેલ્લા 36 મહિનામાં રૂ. 720 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તેમના દ્વારા નિવેદનમાં જણાવાયું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગાંધીનગરથી ખાસ આવેલા પાર્ટીના કાર્યકર સામતભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની સવિસ્તૃત માહિતી આપતા શેઢાખાઈ ગામના જગદીશભાઈ ચેતરીયાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં સસ્તા અનાજના રેશનકાર્ડમાં ખૂબ મોટી સંખ્યામાં અનઅધિકૃત રીતે નામો ચડાવી અને તેઓને મળવાપાત્ર સરકારી અનાજ ઉપાડી લેવામાં આવ્યું હતું. આ અંગે અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા તેમજ સ્ટાફ દ્વારા જવાબદારો સામે પોલીસ ફરિયાદ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
તેના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. આ મુદ્દે તેમના દ્વારા સરકારી વેબસાઈટમાંથી લીધેલા આંકડાઓ મુજબ મે મહિનામાં 12,390 રેશનકાર્ડ સાથે 1.18 લાખ લોકોનો, જ્યારે જૂન મહિનામાં માત્ર 2505 રેશનકાર્ડના વધારા સાથે 43,100 લોકોનો ઉમેરો થયો હતો. બાદમાં ભાણવડ તાલુકામાં થયેલી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહીના પ્રત્યાઘાત રૂપે જુલાઈ મહિનામાં વધેલા 20,140 રેશનકાર્ડ સામે ઉલટી પરિસ્થિતિમાં 5,86,701 લોકોનો નોંધપાત્ર ઘટાડો થયો હતો.
આમ કૌભાંડ પછી સમગ્ર રાજ્યમાં ડરી ગયેલા તત્વો દ્વારા અનઅધિકૃત રીતે દાખલ કરવામાં આવેલા નામો રદ કરાયા બાદ કડક કાર્યવાહી ન થતા અને પરિસ્થિતિ કાબુમાં જણાતા ગત ઓગસ્ટ તથા સપ્ટેમ્બર માસમાં અનુક્રમે 1.48 લાખ અને 1.05 લાખ નવા વ્યક્તિઓનો ઉમેરો કરવામાં આવ્યો હોવાની માહિતી જગદીશભાઈ ચેતરીયાએ આપી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.