Home ગુજરાત દિવાળીના તહેવારમાં કડી અને ડીસામાંથી હજારો કિલો શંકાસ્પદ ઘી-તેલ પકડાયું

દિવાળીના તહેવારમાં કડી અને ડીસામાંથી હજારો કિલો શંકાસ્પદ ઘી-તેલ પકડાયું

13
0

(જી.એન.એસ)તા.૨૫

મહેસાણા,

કડીના બુડાસણમાં 10 દિવસમાં બનાવટી ઘીની બીજી ફેક્ટરી પકડાઈ છે દિવાળીના તહેવાર દરમિયાન ખાદ્ય પદાર્થોમાં ભેલશેળ કરતા લેભાગુ તત્વો સક્રિય બન્યા છે.  દરમિયાન ઘી-માફિયાઓ બેફામ બન્યા હોય એવું જોવા મળી રહ્યું છે અને લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા હોય એવું જોવા મળી રહ્યું છે. દિવાળીના તહેવારો પર ભેળસેળ કરીને વધુ નફો મેળવવાની લાલચે મોટા જથ્થાના વેચાણમાં ક્યાંક બનાવટી અને ભેળસેળયુક્ત માલસામાન બનાવીને વેચાણ કરતાં લેભાગુ તત્ત્વો હાલ સક્રિય બન્યાં છે.કડીના બુડાસણમાં 10 દિવસમાં બનાવટી ઘીની બીજી ફેક્ટરી પકડાઈ છે, જેમાં ફૂડ વિભાગે રૂ.13.78 લાખની કિંમતનો 2500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી ફેક્ટરીને સીલ મારી છે તેમજ ડીસામાં મોડીરાત્રે ઓઇલ મિલમાં રેડ કરી રૂ. 2.38 લાખની કિંમતનો 2368 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે બીજી બાજુ મહેસાણા જીઆઇડીસીમાં આવેલી નમન અને ક્રિષ્ણા ડેરીમાં દૂધમાં વેજિટેબલ ઘીની મિલાવટ કરીને પનીર બનાવાતું હતું ત્યાં રેડ પાડી 834 કિલો બનાવટી પનીરનો જથ્થો ઝડપાયો હતો. થોડાક દિવસો અગાઉ બુડાસણ ગામની સીમમાં આવેલી જીઆઇડીસીમાં એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ ઘીનો એક કરોડથી પણ વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એ બાદ કડી પોલીસ એક્શન મોડમાં આવી હતી અને અલગ અલગ ટીમો બનાવીને શંકાસ્પદ ઘીના જથ્થા ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. મારુતિ ફૂડ પ્રોડક્ટ નામની કંપનીમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી મળતાંની સાથે જ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને 100 શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ઘીના નમૂના લઇ લેબોટરી માટે મોકલ્યા હતા. આશરે 10 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.કડી તાલુકાના છત્રલ રોડ પર આવેલા બુડાસણ ગામની જીઆઇડીસી નજીક શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ધમધમતી હતી. એ માહિતીના આધારે કડી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, બાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ મહેસાણા વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા બાદ ઘીના નમૂના લઇ લેબોટરી ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.કડી છત્રાલ રોડ પર આવેલી જીઆઇડીસી નજીક શ્રમ વિસ્તાર અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ ફેક્ટરી ધમધમતી હતી, જ્યાં કંપનીમાંથી 100 GM, 200 GM, 500 GM, 15 KGના પેકિંગમાં શંકાસ્પદ ઘી પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતું હતું એનો સરસામાન પણ મળી આવ્યો હતો. જ્યારે પોલીસની હાજરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઘીના નમૂના લઈને ફૂડ સેફ્ટી વાનમાં સેમ્પલ કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રાથમિક દૃષ્ટિએ ટેસ્ટ કરવામાં આવતાં ગાયના ઘીનાં સેમ્પલમાં વેજિટેબલ ઘી મળી આવ્યું હતું. એ બાદ અધિકારીઓ દ્વારા કંપનીને સીલ કરવાની તજવીજ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી હતી. અંદાજિત 10 લાખ રૂપિયાના 2500 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડી ખાતે એક ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. એમાં કડી પોલીસની મદદ લીધી હતી અને પોલીસની બાતમીના આધારે અમે જોઈન્ટ તપાસ કરી હતી. હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીના​​​​​​ ગોડાઉનને સીલ કર્યું છે. આ અગાઉ પણ કડીના એક અંતરિયાળ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 1.24 કરોડનો બનાવટી ઘીનો જથ્થો ઝડપ્યો હતો. દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ આવા લેભાગુ તત્ત્વો એક અથવા બે ટકા જ હોય છે. આવા ભેળસેળિયાં તત્ત્વો દિવાળીના તહેવારનો લાભ લઈ આવું બનાવટી ઘી અંતરિયાળ વિસ્તારની જગ્યા પર ઉત્પાદિત કરતા હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવાં તત્ત્વો પર બાજનજર રાખે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક કચેરીના દરેક અધિકારીઓનો હેતુ એક જ હોય છે કે લોકોને સારી વસ્તુ, ભેળસેળમુક્ત વસ્તુ મળવી જોઈએ. આજે આશરે 2500 કિલોનો બનાવટી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. થોડાક સમય અગાઉ જ આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા જિલ્લાને ફૂડ સેફ્ટી વાન આપવામાં આવેલી છે, જેમાં લાઈવ ટેસ્ટિંગ કરવામાં આવેલું છે. એની અંદર વેજિટેબલ ઘીની ભેળસેળ જોવા મળી રહી છે. પ્રાથમિક દૃષ્ટિએ ઘી બનાવનારી વ્યક્તિ હતી તે 100 ગ્રામ, 200 ગ્રામ, 50 ગ્રામ, 15 KG જેવા પેકિંગમાં પેક કરી વેચાણ કરતી હતી.ડીસામાં ફૂડ વિભાગની ટીમે બુધવારે રિસાલા બજાર વિસ્તારમાં રહેણાક મકાનમાં ચાલતા સિયા માર્કેટિંગ નામના ઘીના ગોડાઉનમાં રેડ કરી 11 લાખની કિંમતના 300થી વધુ ઘીના ડબ્બા તેમજ વેજ ફેટના જપ્ત કર્યા હતા. ત્યાર બાદ મોડીરાત્રે એક ઓઇલ મિલમાં રેડ કરી રૂપિયા 2.38 લાખની કિંમતનો 2368 કિલો શંકાસ્પદ તેલનો જથ્થો જપ્ત કર્યો હતો.​​​​​​ડીસા જીઆઇડીસી વિસ્તારમાં રેલવે ફાટક નજીક આવેલી અણઘડેશ્વર ઓઇલ મિલમાં મોડીરાત્રે રેડ કરતાં તેલનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો, જેથી જુદા જુદા પેકિંગમાં 2368 કિલો તેલનો જથ્થો કિંમત રૂપિયા 2.38 લાખનો સીઝ કર્યો હતો. આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી.એચ. પટેલે જણાવ્યું હતું કે ડીસામાં સિયા માર્કેટિંગ અને અણઘડેશ્વર ઓઇલ મિલમાં રેડ કરતાં ઘી અને તેલનો જથ્થો શંકાસ્પદ જણાતાં એને સીઝ કરવામાં આવ્યો છે.મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગના અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમે મહેસાણા જીઆઇડીસીમાં આવેલી નમન ડેરીમાં રેડ કરી મિલાવટ કરીને બનાવેલું રૂ.52,875ની કિંમતનું 235 કિલો ભેળસેળયુક્ત બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું. આ પનીર ખરાબ અને બગડી જાય એવી સ્થિતિમાં હોઇ તાત્કાલિક નાશ કરાયો હતો.મહેસાણા જીઆઇડીસીમાં જ આવેલી ક્રિષ્ણા ડેરી પ્રોડક્ટ્સ નામની બીજી મોટી ડેરીમાં પણ રેડ કરતાં એમાં પણ આ જ રીતે ભેળસેળ કરીને બનાવેલું રૂ.1.49 લાખનું 599 કિલો બનાવટી પનીર મળી આવ્યું હતું. ફૂડ વિભાગે બંને જગ્યાએથી લૂઝ પનીરનાં સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યાં હતાં. રૂ. 2.2 લાખની કિંમતના ભેળસેળયુક્ત પનીરનો જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આમ, ફૂડ વિભાગે મહેસાણા જીઆઇડીસીમાં આવેલી નમન અને ક્રિષ્ણા ડેરીમાંથી કુલ 834 કિલો બનાવટી પનીરનો જથ્થો જપ્ત કર્યું છે.ફૂડ અધિકારી મુજબ, સામાન્ય રીતે પનીરમાં માત્ર દૂધના ફેટની જ માત્રા હોવી જોઈએ, પરંતુ આ બંને ડેરીમાંથી કબજે લીધેલા પનીરમાં વેજિટેબલ ઘી ની મિલાવટ કરીને પનીર બનાવાયું છે. વધુપડતા વેજિટેબલ ફેટનું સેવન કરવાથી હૃદયની તકલીફ થતી હોવાનું તબીબોનું કહેવું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમરેલીનાં શેખપીપરિયા ગામમાં સગા બાપે સાડા ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી દીકરીને કૂવામાં નાંખી
Next articleગાંધીનગરનાં અંબાપુર પાસે રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બાઈકની અડફેટમાં આવતાં મોત