Home ગુજરાત થેંક્યુ અમદાવાદ પોલીસઃ પેઈંગ ગેસ્ટમાં રહેતી યુવતીને પોલીસએ તેના સગાને ત્યાં પહોંચાડી

થેંક્યુ અમદાવાદ પોલીસઃ પેઈંગ ગેસ્ટમાં રહેતી યુવતીને પોલીસએ તેના સગાને ત્યાં પહોંચાડી

329
0

(જી.એન.એસ,પ્રશાંત દયાળ)
પોલીસ આકરી છે, તોછડી, કંઈ જ સમજતી નથી તેવી અનેક ફરિયાદો સાચી હોવા છતાં કલાકો સુધી રસ્તા ઉપર ઊભા રહી લોકોને ઘરમાં રહો તેવું સમજાવતી પોલીસ પ્રમાણભાન ભુલે તેવી શકયતા વધારે રહેલી છે. આમ છતાં અનેક કિસ્સામાં પોલીસે લોકોને મદદ કરી હોવાની ઘટના પણ બની રહી છે. જો કે કાયમ પ્રમાણે સારી ઘટનાઓની નોંધ ઓછી લેવાય છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં રહેતી અને આઈટી કંપનીમાં નોકરી કરતી ધોરાજીની યુવતી માટે પેઈંગ ગેસ્ટ હાઉસ બંધ થયા પછી કયાં જવુ તે પ્રશ્ન હતો, પરંતુ અમદાવાદ પોલીસે તેને પોલીસના વાહનમાં તેના સગાના ઘર સુધી મુકી આવવાની વ્યવસ્થા કરી હતી.
અમદાવાદના નવા વાડજમાં રહેતી તૃપ્તી નામની યુવતી મુળ ધોરાજીની વતની છે અને અમદાવાદની એક આઈટી કંપનીમાં નોકરી કરે છે. તૃપ્તી નવા વાડજ વિસ્તારના પીજીમાં રહેતી હતી. જો કે થોડા દિવસથી તેની કંપની દ્વારા ઘરેથી કામ કરવાનું કહેતા તે પીજીમાંથી કામ કરતી હતી, પણ કોરાની સ્થિતિને કારણે તેની સાથે અન્ય યુવતી પીજી છોડી જતી રહી હતી અને તૃપ્તી અહીં એકલી રહી ગઈ હતી. બસ અને ટ્રેન બંધ થઈ જતા તે પોતાના વતન ધોરાજી પણ જઈ શકતી ન્હોતી, પરંતુ અમદાવાદના ધોડાસરમાં રહેતા એક સગાએ પોતાની ઘરે આવી જવા તેને સમજાવી હતી.
હવે તૃપ્તી માટે સમસ્યા એવી હતી કે, તે નવા વાડજથી ઘોડાસર જવા માગતી હતી. તેની પાસે વાહન વ્યવસ્થા ન્હોતી અને બસ રિક્ષા બંધ હોવાને કારણે ધોડાસર જવું કેવી રીતે તે પ્રશ્ન હતો. તૃપ્તીએ અનેક પ્રયત્ન પછી મહિલા હેલ્પ લાઈનનો સંપર્ક કર્યો પણ ત્યાથી જવાબ મળ્યો કે હાલની સ્થિતિમાં હેલ્પ લાઈનની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જો કે તૃપ્તીની સ્થિતિની જાણકારી અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમનો હવાલો સંભાળતા ડેપ્યૂટી પોલીસ કમિશનર વિજય પટેલને થતાં તેમણે તરત વાડજ પોલીસને જાણકારી આપી તૃપ્તીને મદદ કરવા જણાવ્યું હતું.
વાડજ પોલીસ તૃપ્તીના પીજીના સરનામે પહોંચી હતી અને તૃપ્તીને વાડજ પોલીસના વાહનમાં ધોડાસર તેના સગાના ઘરે પહોંચાડી દેવામાં આવી હતી. આજ પ્રકારે મહારાષ્ટ્રના નાશીક ગયેલા ગુજરાતી પરિવારને નાશીક પોલીસે અટકાવી દીધો છે. તેવી જાણકારી ડીજીપી શિવાનંદ ઝાને મળતા તેમણે સુરત રેંજ આઈજીપી રાજકુમાર પાંડીયનને સૂચના આપી તમામ ગુજરાતીઓને નાસીકથી ગુજરાત લઈ આવવા જણાવ્યું હતું, આમ પોલીસ સારૂ પણ કરે ત્યારે થેંકયુ પોલીસ કહેવામાં પણ સંકોચ રાખવો જોઈએ નહીં.

Previous articleઅખબારથી વાઇરસ ફેલાતો હોવાની વાતો વાહિયાત અને અફવા માત્ર છેઃ વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)
Next article..સાવધાન….અપને આપ કો સંભાલો…વર્ના યે દેશ સંભાલના મુશ્કિલ હો સકતા હૈ…..!