Home દુનિયા - WORLD તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર ભારતને મળ્યું અમેરિકાનું સમર્થન

તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર ભારતને મળ્યું અમેરિકાનું સમર્થન

45
0

ભારત અને ચીન વચ્ચે ફરી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીની કોશિશ કરી હતી. ભારતીય સૈનિકોએ ચીનની ચાલાકીને ધોબીપછાડ આપીને ચીની સૈનિકોને ખદેડી મૂક્યા હતા પરંતુ હજુ પણ સ્થિતિ ચિંતાજનક કહી શકાય. આ સમગ્ર વિવાદ પર હવે અમેરિકાએ પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. એવું કહેવાયું છે કે બાઈડેન પ્રશાસન એ વાતથી ખુશ છે કે ભારત અને ચીનના સૈનિક જલદી ડિસએન્ગેજ થઈ ગયા.

મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કારાઈન જીન પિયરેએ કહ્યું કે સ્થિતિ પર અમેરિકાની બાજ નજર છે અને બંને પક્ષોએ વિવાદિત સરહદો પર ચર્ચા માટે હાલની દ્વિપક્ષીય ચેનલોનો ઉપયોગ કરવો જોઈએ. બીજી બાજુ પેન્ટાગનના પ્રેસ સચિવ પેટ રાઈડરે કહ્યું કે અમે જોયું છે કે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના (પીઆરસી) એલએસીની સાથે સાથે સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ચાલુ રાખ્યું છે. અમારી સ્થિતિ પર નજર છે. અમેરિકાએ કહ્યું કે અમે અમારા ભાગીદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ. અમે સ્થિતિને નિયંત્રિત કરવાના ભારતના પ્રયત્નોનું પૂરેપૂરું સમર્થન કરીએ છીએ.

અત્રે જણાવવાનું કે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં શુક્રવારે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી. જેમાં બંને પક્ષના જવાનો ઘાયલ થયા હતા. ભારતીય સૈનિકોએ ચીનના તમામ નાપાક મનસૂબાને જડબાતોડ જવાબ આપ્યો. આ ઘર્ષણમાં ઘાયલ ચીની સૈનિકોની સંખ્યા ભારતીય જવાનોની સરખામણીમાં વધુ છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં તાજેતરમાં થયેલા ચીનના સૈનિકો સાથેના ઘર્ષણ મુદ્દે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે લોકસભામાં નિવેદન આપ્યું. રાજનાથ સિંહે કહ્યું કે 9 ડિસેમ્બરના રોજ PLA ટુકડીએ તવાંગ સેક્ટરના યાંગ્ત્સે વિસ્તારમાં LAC પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને એકતરફી રીતે બદલવાનો પ્રયત્ન કર્યો.

ચીનના આ પ્રયત્નનો આપણી સેનાએ દ્રઢતા સાથે સામનો કર્યો. આ ઘર્ષણમાં હાથાપાઈ થઈ. ભારતીય સેનાએ બહાદુરીથી PLA ને આપણા વિસ્તારમાં અતિક્રમણ કરતા રોકી અને તેમને તેમના કેન્દ્ર પર પાછા ફરવા માટે મજબૂર કર્યા. આ ઘર્ષણમાં બંને તરફથી કેટલાક સૈનિકોને ઈજા થઈ. રાજનાથ સિંહે કહ્યું કે આ ઘટના બાદ વિસ્તારના સ્થાનિક કમાન્ડરે 11 ડિસેમ્બર 2022ના રોજ પોતાના ચીની સમકક્ષ સાથે સ્થાપિત વ્યવસ્થા હેઠળ એક ફ્લેગ મીટિંગ કરી હતી અને આ ઘટના અંગે ચર્ચા કરી. હું આ સદનને જણાવવા માંગુ છું કે આપણા કોઈ પણ સૈનિકનું મૃત્યુ થયું નથી કે કોઈ પણ ગંભીર રીતે ઘાયલ થયા નથી. ભારતીય સૈન્ય કમાન્ડરોના સમયસર હસ્તક્ષેપના કારણે PLA સૈનિક પોતાના સ્થાનો પર પાછા જતા રહ્યા.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં નેશનલ ગેમ્સ 2022માં વોલેન્ટિયર તરીકે સેવા આપનાર વિદ્યાર્થીઓને નક્કી કરાયેલું વેતન આપવા માંગ
Next articleતવાંગમાં થયેલા ઘર્ષણ પર ચીનનું પહેલું નિવેદન સામે આવ્યું, આ વિવાદ પર શું કહ્યું તે જાણો