(GNS),22
ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 હવે તેની પૂર્ણાહુતિ તરફ આગળ ધપી રહી છે. રવિવારે આઈપીએલની 70મી લીગ મેચ સમાપ્ત થતા હવે પ્લેઓફ માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવતા બેંગ્લોર માટે પ્લેઓફનો દરવાજો બંધ થઈ ગયો છે અને મુંબઈ ઈન્ડિયન્સ કે જેનું ભાવિ ગુજરાત અને આરસીબીની મેચના પરિણામ પર નિર્ભર હતું તે પ્લેઓફમાં ક્વોલિફાય કરવામાં સફળ રહ્યું છે. આઈપીએલ 2023માં જે ચાર ટીમો પ્લેઓફમાં ક્વોલિફાય કરી શકી છે તેમાં ગુજરાત ટાઈટન્સ મોખરે છે જ્યારે બીજા ક્રમે ચેન્નાઈ સુપર કિંગ્સ, ત્રીજા સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ અને ચોથા સ્થાને મુંબઈ ઈન્ડિયન્સ છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રવિવારે ડબલ હેડર પૈકીની પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 12 બોલ બાકી હતા ત્યારે આઠ વિકેટે વિજય મેળવ્યો હતો અને પોઈન્ટ ટેબલમાં 16 અંક અને -0.044ની નેટ રનરેટ ધરાવતું હતું. ત્યારબાદ સાંજે ગુજરાત ટાઈટન્સ અને બેંગ્લોર રોયલ ચેલેન્જર્સ વચ્ચે બીજો મુકાબલો રમાયો હતો. બેંગ્લોરની નેટ રનરેટ મુંબઈ કરતા સારી હોવાથી તેના માટે આ કરો યા મરોનો જંગ હતો પરંતુ તેનો પરાજય થતાં તે 14 અંક સાથે પાંચમાં ક્રમે રહેતા પ્લેઓફમાંથી બહાર ફેંકાયું હતું.
પ્લેઓફ તબક્કો 23 મેથી શરૂ થશે જેમાં પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનિટેર મેચ ચેન્નાઈના ચેપોકમાં રમાશે જ્યારે 26મીએ બીજી ક્વોલિફાયર તથા 28મી મેએ ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ પ્લેઓફની પ્રથમ ક્વોલિફાયરમાં 23મીએ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. જ્યારે ચેપોકમાં જ 24મીએ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આમને-સામને થશે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ સૌથી વધુ પાંચ વખત ચેમ્પિયન રહ્યું છે અને તેને પ્લેઓફમાં પહોંચવા માટે અન્ય ટીમના પરિણામ પર મદાર રાખવો પડ્યો હતો. જો કે મુંબઈની ટીમ કમબેકમાં માહેર છે અને તે છેલ્લી ઘડીએ સક્ષણ ટીમ માટે પડકાર ઉભો કરી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ચાર વખત ટ્રોફી જીત્યું છે. ગુજરાત ટાઈટન્સ વર્તમાન ચેમ્પિયન છે જેણે 2022માં અમદાવાદમાં ફાઈનલમાં રાજસ્થાનને પછાડીને સૌપ્રથમ વખત આઈપીએલ ટ્રોફી જીતી હતી.
લખનૌની ટીમ સતત બીજા વર્ષે ક્વોલિફાય કરવામાં સફળ રહી છે અને તે પણ ટ્રોફીની રેસમાં છે. આઈપીએલ પ્લેઓફમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બન્ને ક્વોલિફાય થયા છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કાર્યકારી કેપ્ટન કૃણાલ પંડ્યા છે જ્યારે ગુજરાત ટાઈટન્સનો સુકાની હાર્દિક પંડ્યા છે. આમ વડોદરાના બન્ને ભાઈઓની અમદાવાદમાં આઈપીએલ ફાઈનલમાં વધુ એક વખત ટક્કર થવાની સંભાવના રહેલી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.