ઔદ્યોગિક વિકાસ માટે શાંતિ અને સલામતી એ પ્રાથમિકતા :આ કાર્ય ગુજરાતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં થયું છે: પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
જૂનાગઢ જિલ્લામાં કૃષિ, બાગાયત, પ્રવાસન આધારિત ઉદ્યોગો સ્થપાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
જૂનાગઢના ઉદ્યોગકારો- ચેમ્બર ઓફ કોમર્સ અને વહીવટી તંત્રના સંકલનથી જિલ્લા વાઇબ્રન્ટ કાર્યક્રમનું સફળ આયોજન થયું: મંત્રીશ્રી
જૂનાગઢની ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા ગુડઝ ટ્રેનમાં આઉટલેટ મળે તે માટેના પ્રયાસો
જૂનાગઢના આગામી ઔદ્યોગિક વિકાસ માટેનો રોડ મેપ તૈયાર: ઉદ્યોગકારોએ જૂનાગઢમાં રહેલી તકોની ચર્ચા કરી નિષ્ણાંતો સાથે પ્રશ્નોત્તરી પણ કરી
વર્ષ 2025માં જુનાગઢ 5000 કરોડની નિકાસ કરશે: કેરી સહિત બાગાયતી અને કૃષિ આધારિત પેદાશો અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે આયોજન
નવા એમઓયુ થી જુનાગઢ જિલ્લાના 2000 યુવાઓને રોજગારીની તક મળશે
(જી.એન.એસ),તા.૧૪
જુનાગઢ
વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ જુનાગઢ અંતર્ગત આજે જૂનાગઢમાં ઉદ્યોગકારોને રોકાણ માટે પૂરતું વાતાવરણ મળી રહે તે હેતુથી તેમજ રાજ્યની યોજાનારી વાઇબ્રન્ટ સમિટ-2024ની સમિટ અંતર્ગત જિલ્લા કક્ષાનો વાઇબ્રન્ટ નો કાર્યક્રમ લિયો રિસોર્ટમાં યોજાયો હતો. કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતમાં વિકાસનો પાયો નખાયો છે. અને તેના મૂળમાં તેઓએ ૨૦ વર્ષ પહેલાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટ અને શાંતિ અને સલામતી નું આયોજન છે. શાંતિ અને સલામતી ઉદ્યોગિક વિકાસની પ્રાથમિકતા છે અને એ કાર્ય ગુજરાતમાં થયું છે . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે વિવિધ યોજનાઓની અમલવારી સાથે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે.
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024 ના સંદર્ભમાં તેઓએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં કૃષિ, બાગાયત, પ્રવાસન અને ફીસરીઝ ક્ષેત્રે વિકાસની તકો રહેલી છે. ઉદ્યોગકારોને જૂનાગઢ જિલ્લામાં વિવિધ સુવિધા મળી રહે અને નવી ઇન્ડસ્ટ્રીઝ અને વિકાસને લીધે યુવાઓને રોજગારી મળે તે માટે રાજ્ય સરકાર અને સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. જુનાગઢ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ થાય તે માટે જરૂરી માળખાગત સવલતો પણ વધારવામાં આવશે અને રાજ્ય સરકારની વિકાસની નીતિના ભાગરૂપે સૌને સાથે રાખીને ચેમ્બર કોમર્સ તેમજ ઉદ્યોગકારોના મંડળો વિગેરે સાથે સંકલન કરીને વધુને વધુ વિકાસ થાય તે માટે આયોજન છે. આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પૂર્વે જિલ્લાઓમાં રોકાણ અને તકો સાથે રાજ્યકક્ષાની સમિટ ની જાગૃતિ સહિતના હેતુએ આજે સફળતાપૂર્વક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે અંગે હર્ષ વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લામાં 1200 કરોડના એમ.ઓ.યુ થયા છે. જુનાગઢ જિલ્લામાં કૃષિ અને બાગાયત આધારિત વિવિધ ખેત પેદાશો આધારિત ઇન્ડસ્ટ્રીઝ તેમજ પ્રવાસન ક્ષેત્રે વિકાસની તક વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પણ માળખાગત વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લા વાઇબ્રન્ટ અંગેના કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. જુનાગઢમાં થનાર ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે આ રોકાણ થી અંદાજે 2000 જેટલા લોકોને રોજગારી મળવાની સંભાવના છે.
વાઇબ્રન્ટ અંગેના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉદ્યોગકારો સાથે જિલ્લા તંત્ર અને સંબંધિત વિભાગ ચર્ચા વિમર્શ અને તેમના સૂચનો અને પ્રશ્નોત્તરી સાથે ઉદ્યોગ સાહસિકોએ ટેકનીકલ બાબતોનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસીયાએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ સમિટ નો વિચાર વર્ષ ૨૦૦૩માં અમલીકૃત કર્યો હતો. ભૂકંપ પછીના એ સમયમાં ગુજરાતને ખડું કરવાનું મક્કમ નિર્ધાર કર્યો હતો. વર્ષ ૨૦૦૩માં જે બીજ વાવ્યું હતું તે આજે વટ વૃક્ષ બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસ અને પ્રવાસનની પણ વિપુલ તકો રહેલી છે. રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે તેમજ માળખાગત વિકાસ માટે જિલ્લા ની ટીમ તૈયાર છે. જુદી જુદી યોજનાઓનો લાભ આપીને ગૃહ ઉદ્યોગ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝ ને અનુકૂળતા રહે તેમજ વિવિધ સુવિધા મળે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. જુનાગઢ જિલ્લામાં રોકાણ માટે પહોળો પ્રતિસાદ મળ્યો છે અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો જોડાયા તે અંગે તેઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખે કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન કર્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સ જૂનાગઢના સેક્રેટરી શ્રી સંજયભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસની ખૂબ તકો રહેલી છે. જૂનાગઢમાં રહેલી આ વિકાસની સંભાવના અને ક્ષમતા-તાકાતને બહાર લાવવાની જરૂર છે. તે માટે સૌએ જાગૃત થઈ વધુને વધુ જૂનાગઢમાં ઔદ્યોગિક વિકાસ થાય ખાસ કરીને કૃષિ અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને આવકારી આ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ તમામ પ્રકારનો સહયોગ અપાશે તેમ જણાવ્યું હતું. તેઓએ જૂનાગઢમાં રહેલી તક અને સંભાવનાઓના વિવિધ દ્રષ્ટાંતો આપીને નવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરિત કર્યા હતા. ગયા વર્ષે જૂનાગઢમાં નિકાસ 4000 કરોડની થઈ હતી જે આગામી એકાદ વર્ષમાં 5,000 કરોડની થશે. આ માટે સરકાર દ્વારા સફળતાપૂર્વક પ્રયાસ કરી નવા ઉદ્યોગ કારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે ડી.જી.એફ.ટીના શ્રી રોહિત સોનીએ નવી ફોરેન ટ્રેડ પોલીસી અંગે સૌને જાણકારી આપી હતી.
જુનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી શ્રી જયસ્વાલે જૂનાગઢમાં ઉદ્યોગો માટે રહેલી તકો નું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપી હતી. તેઓએ પ્રેઝન્ટેશનમાં જૂનાગઢની કુલ ઇન્ડસ્ટ્રીઝ, આગામી સમયમાં શરૂ થનાર નવી જીઆઇડીસીઓ તેમજ એગ્રો ,પ્રવાસન ,ફીસરીઝ સોલાર અને માળખાગત સુવિધા આ ઉપરાંત ગુડ્સ ટ્રેનોમાં જૂનાગઢને આઉટલેટ મળે તે માટે સરકારના પ્રયાસો અને માળખાગત વિકાસ અને પરિવહન ક્ષેત્રે થઈ રહેલા બદલાવ અને સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા થનાર પ્રયાસોની રૂપરેખા પણ આપી હતી. આ તકે વાઇબ્રન્ટ ગુજરાતની વીડિયો ક્લિપ અને જૂનાગઢમાં રહેલી વિવિધ તકો અંગેની વિડીયો મૂવી ઉપસ્થિત સૌ કોઈએ નિહાળી હતી. આ પ્રસંગે કૃષિ મંત્રીશ્રીએ વિવિધ ઔદ્યોગિક એકમના સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.
આ પ્રસંગે નેશનલ રૂરલ લાઈવલી મિશન, વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ યોજના, શ્રી વાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અમલીકૃત માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને ટૂલકીટ વિતરણ પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની પૂર્વ તૈયારી અને સંકલન પ્રાંત અધિકારી શ્રી ભૂમિ બેન કેશવાલા અને વહીવટી તંત્ર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ની ટીમે કર્યું હતું. આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, એસપી શ્રી હર્ષદ મહેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, અગ્રણી શ્રી પુનિતભાઈ શર્મા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, અમૃતભાઈ દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.