Home જનક પુરોહિત ચુંટણીમાં ચારિત્ર્ય હનન ની પ્રવૃત્તિ એટલે કોઠી ધોઈને કાદવ ઉલેચવો

ચુંટણીમાં ચારિત્ર્ય હનન ની પ્રવૃત્તિ એટલે કોઠી ધોઈને કાદવ ઉલેચવો

1560
0

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કા માટેનું નોટીફીકેશન બહાર પડી ચૂક્યું છે . એટલે કે ચુંટણી પ્રક્રિયા શરુ થઇ ચુકી છે . ૧૯૯૫ થી સત્તામાં રહેલા ભાજપ માટે ૨૦૧૭ ની ચુંટણીમાં હવે એન્ટી ઇન્કમબન્સીનો સામનો કરવો મુશ્કેલ લાગે છે . પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ ને ભાજપ સહુથી વિશેષ પડકારરૂપ માનતો હોય એવું લાગે છે . કારણ કે રાષ્ટ્રીય પ્રમુખ થી લઈને પ્રદેશ ભાજપનું સંગઠન અને સરકાર હર્દીકનો વિરોધી પ્રચાર કરવામાં સતત પ્રવૃત છે .
ભાજપના એક પ્રદેશ નેતા સાથે વાતચીત કરી . હાર્દિક પટેલની સતત આલોચનાના કારણે જ હાર્દિક એક મોટું ફેક્ટર બનીને ભાજપ સામે પડકાર રૂપ બન્યો છે . તો ભાજપને આટલો ડર શા માટે ? આવા દોઢ ડાહ્યા ના પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં નેતાજી ખંધુ હસ્યા . પછી વાત શરુ કરી “ આમાં એવું છે કે , અમારી દરેક ચુંટણીનો દોર પાટીદારો એ સંભાળ્યો છે , અને અમને સતત વિજય અપાવ્યો છે . ગુજરાત ભાજપમાં આર.સી.ફળદુ , રૂપાલા , માંડવીયા , કે.સી.પટેલ , ભીખુભાઈ , દિલીપ સંઘાણી આ નેતાઓ અને સુરત ખાતેના પાટીદારો આ તમામના તાલમેલથી અમે ધાર્યું પરિણામ લાવી શકીએ છીએ . દરેક જિલ્લામાં ભાજપની ચુંટણીનું તંત્ર કોઈ ને કોઈ પાટીદાર નેતા જ સંભાળતા હોય છે . પાંચ દશ લાખ ખર્ચવા પડે તો ખર્ચી નાખતાં હોય છે . હવે હાર્દિકના કારણે કે જે કોઈના કારણે ગુજરાતમાં પાટીદાર આંદોલન ચાલ્યું તેનાથી ભાજપ અને પાટીદારો વચ્ચે એક અવિશ્વાસની ખાઈ સર્જાઈ છે . અને માટે અમને પાટીદાર ફેક્ટરનો ડર સતત સતાવી રહ્યો છે .”
નેતાજી ને પૂછ્યું કે તમે હવે છેલ્લે હાર્દિકના ચારિત્ર્ય હનન તરફ વળ્યા છો . તો શું સેક્સ સીડીના માધ્યમ થી સફળતાની સીડી ચઢી જવાશે ? નેતાજી નો જવાબ હતો “ નાં , બિલકુલ નહિ . અમારા જે કોઈ નેતા આ પ્રવૃત્તિ કરતા હશે , તેઓ વગર વિચાર્યું કરી રહ્યા છે . રાજકારણીઓએ એક બીજાના ચારિત્ર્ય હનન ની પ્રવૃત્તિથી દુર જ રહેવું જોઈએ . કોઠી ધોઈને કાદવ ઉલેચવા જેવું જ છે તેમાં થતું હોય છે . ચારિત્ર્ય એ વ્યક્તિગત બાબત છે . તેને કોઈ પક્ષ કે સંસ્થા સાથે જોડીને બદનામ કરી શકાય નહિ . હાર્દિક કોઈ ચૂંટાયેલો કે સરકારમાં નિમાયેલો વ્યક્તિ નથી . યુવાન છે , કુવારો છે . અને પાટીદાર સમાજે તેની સીડી નો કોઈ વિરોધ કર્યો નથી . પણ ભાજપના નેતાઓ સામે અનેક આક્ષેપો થયાં છે . આ બધું ફરી પ્રચારમાં ઉમેરાતું જશે . તેનાથી ભાજપને ફાયદા કરતાં નુકસાન વધુ છે . ચુંટણી લડવા અને જીતવા માટે બીજા અનેક મુદ્દાઓ હોય છે જ . કોંગ્રેસ પક્ષ અને યુ.પી.એ સરકાર સામે ઘણું બોલી શકાય તેમ છે . પાટીદાર આંદોલન અને અનામત અંગે પણ કાયદો અને બંધારણીય જોગવાઈઓ ઉપર બોલી શકાય તેમ છે . એવું કશું કરવાના બદલે હાર્દિકની સીડીઓ જાહેર કરવાથી તો હાર્દિક વધુ સ્ટ્રોંગ અને આક્રમક બનશે . આવું હું વિચારું છું . બાકી અમારા ભાજપ પક્ષમાં લશ્કર ક્યાં લડે છે એ કોઈને ખબર હોતી નથી . કોની સુચના થી કોણ આવી પ્રવૃત્તિ કરે છે તેમાં અમે પડવા માંગતા પણ નથી .”
મિત્રએ વાસ્તવિક્તા સ્વીકારીને વાત પૂરી કરી .
નરેન્દ્ર મોદીના ગ્રહયોગો સુધરેલા જ છે , રાહુલ બાબા ના સુધર્યા છે , અને બાપુના ગ્રહો સુધરવાના છે .
ચુંટણીના સમયે નેતાઓની ગ્રહ – નક્ષત્ર અને જ્યોતિષ – તંત્ર – મંત્ર પર શ્રદ્ધા વધી જતી હોય છે . અને તેમાં દેશના ટોચના નેતાઓથી લઈને ગ્રામ પંચાયતના સભ્ય સુધી સહુ કોઈ એક સમાન હોય છે .
ગુજરાત વિધાનસભાની ચુંટણી આવતા કોંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતનો વ્યાપક પ્રવાસ કર્યો . આ પ્રવાસ અંગે ગાંધીનગર બાપુના વસંત વગડે એક મિત્ર સાથે વાતચીત ચાલતી હતી . કોંગ્રેસમાંથી તાજેતરમાં જ અલગ પડેલા મિત્ર એ કહ્યું “ ગમે તે કહો પણ હવે રાહુલ ગાંધીના ગ્રહો સુધરી ગયા હોય એવું લાગે છે . તેમણે ગુજરાતમાં ચાર વખત પ્રવાસ કર્યો અને એક પણ પ્રવાસમાં તેમના વક્તવ્ય થી કોઈ વિવાદ સર્જાયો નથી . એટલું જ નહિ , પ્રજાનો આવકાર અને ઉમળકો પણ આંખે વળગે એવો રહ્યો .”
અન્ય મિત્રએ કહ્યું “ તમને ખબર છે ? આપણા બાપુને પણ એક જ્યોતિષીએ કહ્યું છે , હવે ના પાંચ વર્ષ ગ્રહયોગો રાજયોગ સર્જે છે . તમે જો જો ચુંટણી પછી એવી સ્થિતિ ઉભી થશે , કે બાપુને જ મુખ્યમંત્રી બનાવવા પડશે .”
દોઢ ડાહ્યા એ કહ્યું “ અલ્યા મિત્રો રાહુલ બાબાના ગ્રહો હવે સુધર્યા છે , બાપુના ગ્રહો હવે સુધરવાના છે , પણ આપણા નરેન્દ્રભાઈ મોદીના ગ્રહોતો ૨૩ વર્ષ થી સુધરેલા જ છે . એ બગડવા ના નથી , તો ગુજરાતમાં તેમના સુધરેલા ગ્રહોની અસર કશી નહિ થાય ?”
મિત્રનો જવાબ હતો કે એતો જ્યોતિષીને પૂછવું પડે . એવું પણ બનેને કે હવે મોદી સાહેબના ગ્રહો બગડતા પણ હોય !
ભાજપમાં ટિકીટો મેળવનારા કરતાં ગુમાવનારા વધુ પ્રસિદ્ધિ મેળવશે
અત્યારે ભાજપ અને કોંગ્રેસમાં મુખ્ય ચર્ચા ઉમેદવારોની યાદી અંગે ચાલે છે . કોને ટિકિટ મળશે અને કોણ કપાશે . તેના વિષે તર્ક – વિતર્કો ચાલી રહ્યા છે .
ભાજપના એક ટીકીટના દાવેદાર મિત્ર સાથે ફોન પર વાતચીત ચાલતી હતી . તેમને પૂછ્યું કે તમારું નામ હજુ કોઈ મિડિયાએ ચલાવ્યું નથી . નામ તો વહેતું મુકો ટિકિટ મળે કે ન મળે પ્રસિદ્ધિ તો મળે . તો મિત્રનો જવાબ હતો “ અત્યારે પ્રસિદ્ધિ નો મોહ નુકસાન કરે એમ છે . જો નામ મીડિયામાં ચાલ્યું તો પાંચ કાર્યકર મિત્રો વાત કરતાં બંધ થઇ જશે . અને સાચું કહું તો આ વખતે તો એવું લાગે છે કે ટિકિટ મેળવનારા કરતા જેઓ વર્તમાન ધારાસભ્ય અને મંત્રીઓ છે , તેમની ટિકીટો કપાતા તેમને પ્રસિદ્ધિ વધુ મળશે . સમાચારમાં ટિકિટ મેળવનાર કરતાં પડતા મુકાશે તેઓ ના ઉપર જ મિડિયા ફોકસ કરશે .”
મિત્રને કહ્યું કે યાર , છેલ્લે છેલ્લે પ્રસિદ્ધિ લઇ લેવા દો પછી ક્યા કોઈ તેમને યાદ કરવાનું હોય છે.

Previous articleશિક્ષણ માટે બાપુની ટી-20 સામે મોદી ટેસ્ટ મેચ રમ્યા અને મેચ ડ્રો થઇ
Next articleઆપણે તો મિડીયાવાળા છીએ કે કુરિયરવાળા?