(જી.એન.એસ) તા. 20
વડોદરા,
વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા હતા જેમાં એક બાળકીને બે દિવસ પહેલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. શનિવારે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. વડોદરા શહેરમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણોને કારણે આ પ્રથમ મૃત્યુ નોંધાયું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
એક તરફ સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લામાં મળીને બાળકોમાં વાયરલ એન્કેફેલાઇટિસ (ચાંદીપુરા)ના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. ખાસ કરીને પંચમહાલ,છોટાઉદેપુર, ગોધરા, બનાસકાંઠા,સાબરકાંઠા, મહિસાગર, બાદ હવે વડોદરામાં પણ આ લક્ષણો ધરાવતો કેસ આવતાં શહેરીજનોમાં ચિંતા વ્યાપી છે. ગોત્રી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી બાળકીને ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો હોવાથી SSG હોસ્પિટલમાં પિડિયાટ્રિક વિભાગના પીઆઇસીયુ માં દાખલ કરવામાં આવી હતી. આજે સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે.
એસએસજી હોસ્પિટલના પિડિયાટ્રિક વિભાગમાં હાલની સ્થિતીએ 7 બાળ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2 દર્દીઓની વોર્ડમાં સારવાર ચાલી રહી છે. જ્યારે 5 બાળકો પીઆઇસીયુ માં સારવાર હેઠળ છે. વિતેલા ચોવીસ કલાકમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં નવો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીઆઇસીયુ માં 5 વેન્ટિલેટર ઉપલબ્ધ છે જ્યાં હાલ બાળકો સારવાર હેઠળ છે. ગોત્રીની ચાર વર્ષીય બાળકીના મૃત્યુને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે, સાથે જ આસપાસના લોકોમાં પોતાના બાળકોને લઇને ચિંતા જોવા મળી રહ્યો છે. સવારથી પાલિકાના અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં સઘન કામગીરી હાથ ધરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં ચાંદીપુરા વાયરલનો શંકાસ્પદ લક્ષણો સાથે સારવાર લઇ રહેલી બાળકીનું મોતની ઘટના સામે આવતા જ તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બાળકીના ઘરની આસપાસ તપાસ હાથ ધરાઇ છે. પાલિકા તંત્ર સહિત આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો કે હોસ્પિટલ સતાધીશોના જણાવ્યા અનુસાર હજી સુધી બાળકીનો સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા સામે આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.