(GNS),25
ચંદ્રયાન 3ના સફળ અભિયાને ઈન્ડિયન ફિલ્મ મેકર્સને નવા વિષયની પ્રેરણા આપી છે. ઈસરોની ટીમે સફળતાપૂર્વક ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક યાનનું ઉતરાણ કરાવ્યાને 24 કલાક પૂરા થતાં પહેલાં જ આ વિષય પર ટાઈટલ નોંધાવવા પડાપડી થઈ રહી છે. મિશન ચંદ્રયાન 3 ભારત ચાંદ પર સહિત 40 જેટલા ટાઈટલ નોંધાવી દેવાયાં છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકા, રશિયા અને ચીન પછી ચંદ્ર પર સફળ ઉતરાણ કરનારા ચોથા દેશ તરીકે ભારતે સિદ્ધિ હાસલ કરેલી છે. તેમાં પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌથી પહેલા ભારત પહોંચ્યું છે. દેશ માટે ગૌરવની આ ક્ષણને સ્ક્રિન પર રજૂ કરવા માટે ફિલ્મના ટાઈટલ રજિસ્ટર થવા માંડ્યા છે. IMPPA, પ્રોડ્યુર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને IFPTCની મુંબઈ ખાતે આવેલી કચેરીમાં આ ઐતિહાસિક ઘટનાને લગતાં ટાઈટલ રજિસ્ટર થઈ રહ્યાં છે.
ઈન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન (IMPPA)ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, ઘણાં ફિલ્મ પ્રોડ્યુસર્સ અને પ્રોડક્શન હાઉસીસ ચંદ્રયાનને લગતાં ટાઈટલ નોંધાવી રહ્યાં છે. જેમાં ચંદ્રયાન 3 મિશન ચંદ્રયાન 3 ચંદ્રયાાન 3- ધ મૂન મિશન, વિક્રમ લેન્ડર, ચંદ્રયાન 3- ધ ન્યૂ ચેપ્ટર, ભારત ચાંદ પર જેવા 30-40 ટાઈટલનો સમાવેશ થાય છે. ફિલ્મના ટાઈટલ માટે મળેલી અરજીઓની આગામી એક સમયમાં સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ મંજૂરી અપાશે. અગાઉ પુલવામા હુમલાની ઘટના પર ફિલ્મ અને વેબ સિરીઝ બનાવવા 30-40 અરજીઓ આવી હતી. ઘણાં બધાં ટાઈટલ એક જેવા હતા, પરંતુ બહુ ઓછા લોકોએ ફિલ્મ કે વેબ સિરીઝ બનાવી હતી. તેથી ફિલ્મ કે વેબ સિરીઝ બનાવવા માટે ગંભીર હોય તેવા સક્ષમ અરજદારોને જ ટાઈટલ આપવામાં આવશે.
ચંદ્રયાન 3ની સફળતા માટે ઈસરોની ટીમ વર્ષોથી મહેનત કરી હતી. 2019માં ચંદ્રયાનને ચંદ્ર પર મોકલવાનો બીજો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. સોફ્ટવેર ઈશ્યૂના કારણે ચંદ્ર પર યાન ક્રેશ થયુ હતું. ત્રીજા પ્રયાસે સફળતા મેળવવાની સાથે ચંદ્રના દક્ષિણ ધ્રવ પર પહોંચનાર પ્રથમ દેશ તરીકેની સિદ્ધિ ભારતે મેળવી છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર સહિત અનેક સેલિબ્રિટીસે આ અભિયાનની સફળતા બાદ ઈસરોની ટીમને બિરદાવી હતી. દેશ ભક્તિ અને દેશની સિદ્ધિને લગતાં વિષય પર બનેલી ફિલ્મ ઓડિયન્સને ખૂબ પસંદ આવે છે.
2019ના વર્ષમાં અક્ષય કુમારે મિશન મંગલ બનાવી હતી. રૂ.70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂ.291 કરોડનું કલેક્શન મેળવ્યું હતું. ચંદ્રયાન 3ના વિષય પર અક્ષય કુમાર ફિલ્મ બનાવે તો તેમની ડૂબતી કરિયરને સપોર્ટ મળવાની શક્યતા છે. અક્ષય કુમારને આ પ્રોજેક્ટ સાથે સાંકળતી મીમ્સ પણ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. ચંદ્રયાનના સફળ ઉતરાણ બાદ ઈસરો દ્વારા મહત્ત્વની માહિતી જાહેર કરાય તો ફિલ્મમેકર્સને વધુ સારો પ્લોટ મળી શકે છે. રિયાલિટી અને ક્રિએટિવિટીનું કોમ્બિનેશન કરવાનો ચાન્સ આગામી ફિલ્મમાં મળી શકે છે. હવે જોવાનું એ રહે છે કે, સૌથી પહેલા આ વિષય પર ફિલ્મ કે વેબ સિરીઝ બનાવવાની શરૂઆત કોના દ્વારા થાય છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.